ગણેશજીની કથા : ગણેશજી ભક્તોની પરીક્ષા લેવા ધરતી પર આવ્યા, જાણો પછી શું થયું?

0
399

ભગવાન શ્રી ગણેશે એક વૃદ્ધ સ્ત્રી પર વરસાવી પોતાની કૃપા, વાંચો ગણપતિજીની ખીર વાળી કથા.

“ગણેશજીની ખીર વાળી કથા”

ૐ શ્રી ગણેશાય નમઃ

ગણેશ પૃથ્વી પર આવે છે :

એકવાર ગણેશજી એક બાળકના રૂપમાં ભક્તોની પરીક્ષા કરવા માટે પૃથ્વી પર આવે છે. ભગવાન ગણેશ ભક્તોની પરીક્ષા કરવા માટે તે લોકોને ખીર બનાવવાનું કહે છે.

તેઓ એક ચમચી દૂધ અને એક ચપટી ચોખા લઈને લોકો પાસે જાય છે અને તેમને તે દૂધ અને ચોખાની ખીર બનાવવાનું કહે છે. એક ચપટી ચોખા અને થોડા દૂધ વડે ખીર બનાવવાની વાત સાંભળીને લોકો તેના પર હસવા લાગે છે.

ઘણું ભટક્યા પછી પણ કોઈ તેમના માટે ખીર બનાવવારાજી થતું નથી. છેવટે એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રીને તે બાળક પર દયા આવે છે અને તે ખીર બનાવવા માટે સંમત થાય છે. તે કહે છે – લાવ દીકરા, હું ખીર બનાવી આપું છું. આટલું કહીને તે એક નાની વાટકી લઈને આવે છે.

આ જોઈને બાળક કહે છે – અરે માઁ, આ વાટકીથી શું થશે, એક મોટું વાસણ લાવો. બાળકનું મન રાખવા માટે, વૃદ્ધ સ્ત્રી એક મોટુ વાસણ લાવે છે. હવે બાળક તેમાં ચોખા અને દૂધ નાખે છે.

ગામ લોકોને ખીર ખાવાનું આમંત્રણ :

જોત જોતામાં જ વાસણ ભરાઈ જાય છે અને તે પછી પણ બાળક પાસે રહેલા એક ચપટી ચોખા અને એક ચમચી દૂધ પૂરા થતા નથી. તે પછી વૃદ્ધ સ્ત્રી એક પછી એક ઘરના બધા વાસણો લઈ આવે છે. બધા વાસણો ભરાઈ જાય છે, પણ એક ચપટી ચોખા અને એક ચમચી દૂધ પૂરા થતા નથી.

પછી બાળક તે વૃદ્ધ સ્ત્રીને કહે છે કે ખીર બનાવવા માટે ચૂલા પર સામગ્રી મૂકો, અને ગામમાં જઈને બધાને જમવાનું નિમંત્રણ આપી આવો. અને જ્યારે ખીર તૈયાર થઈ જાય, ત્યારે મને પણ બોલાવી લેજો.

વૃદ્ધ સ્ત્રી એવું જ કરે છે. આખું ગામ આવીને ખીર જમી જાય છે, પરંતુ તેમ છતાં પણ ખીર વધી પડે છે.

વૃદ્ધ સ્ત્રી પૂછે છે કે હવે આ ખીરનું શું કરવું જોઈએ?

ત્યારે બાળક કહે છે કે, આ ખીરને વાસણ સહિત ઘરના ચારેય ખૂણામાં ઢાંકી દો અને સવાર સુધી આમ જ રહેવા દો.

વૃદ્ધ સ્ત્રી તેમના કહ્યા અનુસાર કરે છે. ગણપતિજીની કૃપા વૃદ્ધ સ્ત્રી પર વરસે છે. સવારે જ્યારે તેઓ વાસણો ઉઘાડે છે અને જુએ છે તો તેમાં હીરા અને ઝવેરાત દેખાય છે.

આ રીતે, જેમ ભગવાન ગણેશજીએ વૃદ્ધ મહિલા પર કૃપા કરી, તેમ તેઓ બધા ભક્તો પર કૃપા જાળવી રાખે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ભક્તિ યોગ દર્શન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.