ફાગણ વદ ચતુર્થી એટલે વિઘ્નહર્તા શ્રીગણેશ ચતુર્થી, જાણો આ વ્રત કરવાથી કેવી રીતે સસરા વહુના દુઃખ દુર થયા.
આ વર્ષે ફાગણ વદ સંકષ્ટી ચતુર્થી 11 માર્ચ 2023 શનિવારના રોજ આવી રહી છે. આવો આ વ્રતનું માહાત્મ્ય, વ્રત કથા અને તેનાથી મળતા ફળ વિશે જાણીએ.
વિષ્ણુશર્મા બ્રાહ્મણની કથા
મહા માસની ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા સમાપ્ત થતાં શૌનક આદિ મુનિઓએ કહ્યું : ‘હે સૂતજી, હવે તમે ફાલ્ગુન (ફાગણ) મહિનાની શ્રીગણેશ સંકષ્ટી ચતુર્થી વિશે કૃપા કરીને અમને કહો.’
માતા પાર્વતીજીએ શ્રીગણપતિજીને પૂછ્યું : ‘હે લંબોદર, ફાલ્ગુન કૃષ્ણ ચતુર્થીને દિવસે શ્રીગણેશજીનું પૂજન-અર્ચન કેવી રીતે કરવું? આ મહિનામાં કયે નામે શ્રીગણેશજીનું પૂજન કરવું? આહારમાં શું ખાવું? તે મને કહો.’
શ્રીગણેશજી બોલ્યા : ‘હે માતે, ફાલ્ગુન ચતુર્થીને વિઘ્નહર્તા શ્રીગણેશ ચતુર્થી કહે છે. હેરંબ નામે શ્રી ગણપતિની પૂજા કરવી જોઈએ. શ્રી ગણપતિજી સર્વ વિઘ્નહર્તા છે. તેથી તેમને સંકટો અને વિઘ્નોના નાશકર્તા માનવામાં આવે છે. વિધિ પ્રમાણે પૂજા કરવી. તે દિવસે ખીરમાં કરેણનું ફૂલ મિશ્ર કરીને ગુલાવાંસનાં લાકડાંથી હવન કરવો જોઈએ. વિદ્વાન કર્મકાંડીઓના મત પ્રમાણે ભોજનમાં ઘી અને સાકર કે ખાંડ લેવી.
આ સંબંધમાં હું પ્રાચીન કાળની એક કથા કહી સંભળાવું છું, કે જે ધર્મરાજ યુધિષ્ઠિરના પ્રશ્નના ઉત્તરમાં શ્રીકૃષ્ણ ભગવાને કહી હતી. ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી ગણેશ સંકષ્ટી ચતુર્થીની એ કથા હવે હું કહું છું તે તમે ધ્યાનપૂર્વક શ્રવણ કરો.
શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું હતું : પ્રાચીન કાળમાં યુવનાશ્વ નામનો રાજા હતો. તે અત્યંત ઉદાર, ધર્માત્મા, દાતા, દેવો અને બ્રાહ્મણોનો પૂજક હતો. યુવનાશ્વ રાજાના રાજ્યમાં વિષ્ણુશર્મા નામે એક તપસ્વી વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તે વેદશાસ્ત્રોના જ્ઞાતા અને ધર્મશાસ્ત્રજ્ઞ હતા. તેને સાત પુત્રો હતા. તે બધા ધનવાન અને ધાન્યથી સુખી સમૃદ્ધ હતા, પણ અંદરઅંદરના વૈમનસ્યને કારણે બધા પુત્રો નોખા-નોખા રહેતા હતા.
પિતા વિષ્ણુશર્મા વૃદ્ધ, ગરીબ અને અશક્ત થઈ ગયા હતા. આવકનું કંઈ સાધન નહોતું. તેથી તે દરેક દીકરાને ત્યાં એક-એક દિવસ ભોજન કરતા હતા. વહુઓ અને દીકરા પિતાનો અનાદર અને હડધૂત કરતાં હતાં. ધીમે ધીમે વિષ્ણુશર્મા વધારે અશક્ત થતા ગયા. લાચાર જીવનથી તે ઘણીવાર રડતા હતા.
એક દિવસ બ્રાહ્મણ વિષ્ણુશર્માએ શ્રીગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખીને મોટા દીકરાની મોટી વહુને ઘેર ગયા અને તેને કહ્યું : હે વહુરાણી, મેં આજે શ્રીગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરેલું છે. માટે તમે ગણેશ પૂજનની સામગ્રી આપો, કે જેથી શ્રીગણેશજી પ્રસન્ન થઈને તમને ઘણી ધન-સંપત્તિ આપશે.
સસરાની વાત સાંભળીને મોટી વહુ કઠોર વચનો બોલી : હે સસરાજી, મને આ બધાં ઘરનાં કામોમાંથી જ ફુરસદ નથી મળતી, ત્યાં વળી તમે આ નવું તૂત ક્યાંથી કાઢ્યું? એ બધું કરવાની મને ફુરસદ નથી. તમે વારંવાર આવાં કંઈ ને કંઈ ગતકડાં કર્યાં કરો છો. આજે તમે શ્રીગણેશજીનું વ્રત કાઢી બેઠા. હું એ વ્રત વિશે કંઈ જ જાણતી નથી, તેમ જ તમારા શ્રી ગણપતિ વિશે યે કંઈ જાણતી નથી. માટે મહેરબાની કરી અહીંથી ચાલ્યા જાવ.
મોટી વહુને ત્યાંથી ઉ૫૨ પ્રમાણે જાકારો મળ્યા પછી વિષ્ણુશર્મા છ યે વહુઓને ત્યાં ગયા. બધી વહુઓએ તેને તતડાવીને કાઢી મૂક્યા. બધાંને ત્યાંથી અપમાન અને જાકારો સહન કરીને તે દુર્બળ દેહધારી બ્રાહ્મણ અત્યંત દુઃખી થયા.
અંતે થાકીને-હારીને દુઃખી દિલે વિષ્ણુશર્મા સૌથી નાની પુત્રવધૂને ત્યાં ગયા. તે ઘણી ગરીબ હતી. વિષ્ણુશર્માએ શ્રીગણેશજીના સંકષ્ટી ચતુર્થીના વ્રતની તેમને ઘણા સંકોચસહિત વાત કરી. કહ્યું : હે વહુ બેટા, બીજી બધી વહુઓએ મને હડધૂત કરીને જાકારો આપ્યો છે. હવે હું ક્યાં જાઉં? તું તો માંડ માંડ નિર્વાહ ચલાવે છે. પૂજાનો સામાન તું શી રીતે બજારમાંથી લાવી શકશે? હવે તો હું પણ વૃદ્ધ અને અશક્ત થઈ ગયો છું. હે કલ્યાણી, આ વ્રત કરવાથી સિદ્ધિ મળશે અને સઘળાં દુઃખ-દારિદ્રનો નાશ થશે.
સસરાજીની આ વાત સાંભળીને નાની વહુ બોલી : હે પિતાજી, તમે ચિંતા ના કરશો. તમે ખુશીથી સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરો. હું પણ તમારી સાથે એ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ. આપણાં દુઃખો શ્રીગણેશજીની કૃપાથી દૂર થશે. આમ કહીને સસરાજીને સાંત્વન આપીને નાની વહુ આડોશપાડોશમાંથી ભીખ માગીને ચતુર્થીના વ્રતની બધી સામગ્રી એકત્ર કરીને લાવી. તેણે સસરાજી માટે લાડુ બનાવ્યા. અક્ષત, ચંદન, ફળફળાદિ, ફૂલ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અને તાંબુલ વગેરે સહિત સસરાજી સાથે બેસીને ખૂબ શ્રદ્ધાથી શ્રીગણેશજીનો પૂજનવિધિ કર્યો.
પૂજન કર્યા પછી સસરાજીને સન્માન અને સંતોષ સહિત આગ્રહ કરી-કરીને જમાડ્યા. પોતે ભૂખી રહી.
હે મહાદેવી, અડધી રાત્રે વિષ્ણુશર્માને ઝાડા-ઊલટી થયાં. વિષ્ણુશર્માનો પુત્ર ઘેર નહોતો. પુત્રવધૂ ઘરમાં એકલી જ હતી. સસરાજીના પગ ઝાડા-ઊલટીથી ગંદા થઈ ગયા હતા. વહુએ સસરાજીના પગ ધોયા અને શરીર લૂંછી કાઢ્યું. તેણે પુત્રીની જેમ સસરાજીની ઘણી સેવા-શુશ્રુષા કરી. આખી રાત તેમને પડખે બેસી રહી. સસરાજી સાથે તે પણ આખી રાત જાગતી રહી. તે પસ્તાવો કરવા લાગી, કે મારે લીધે સસરાજીની આ દશા થઈ. હું જ અભાગણી છું. હવે આ કાળી રાત્રિએ હું ક્યાં જાઉં? શું કરું? મને કોઈ ઉપાય બતાવો. આમ આખી રાત વિલાપ કરવાને કારણે આપોઆપ અજાણપણે જાગરણ થયું.
પછી સવાર થતાં નાની વહુ જુએ છે તો ઘરમાં હીરા, માણેક, મોતી, જ્યાં ને ત્યાં વેરાયેલાં પડ્યાં હતાં. તેણે એ હકીકત સસરાજીને જણાવી, કહ્યું : આ બધા હીરા, માણેક, મોતી કોઈ ચોર આપણને ફસાવા તો નહીં નાખી ગયો હોય? ઘર ઝવેરાતથી ઝળાંહળાં થઈ રહ્યું હતું.
સવારે સસરાજીના ઝાડા-ઊલટી પણ બંધ થયાં હતાં. તે હવે કંઈક સ્વસ્થ થયા હતા. વહુની શંકા સાંભળીને સસરાજી બોલ્યા : હે કલ્યાણી, આ બધો પ્રતાપ વિઘ્નહર્તા શ્રીગણેશજીનું તે શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું તેનો છે. શ્રી ગણપતિજી તારી ભક્તિથી પ્રસન્ન થયા છે અને તારું દુઃખ-દારિદ્ર દૂર કરવાને માટે તને આ સંપત્તિ આપવાની કૃપા કરી છે.
વહુ કહે : હે પિતા સમાન સસરાજી, તમારી કૃપાથી શ્રીગણેશજી પ્રસન્ન થયા છે. મારી નિર્ધનતા હવે દૂર થઈ છે. તમે ધન્ય થયા. તમારા થકી હું પણ ધન્ય-ધન્ય થઈ ગઈ.
નાની વહુ પૈસેટકે સુખી-સમૃદ્ધ થઈ. પરંતુ નાની વહુના ઘરમાં અઢળક ધન-સંપત્તિ જોઈને બીજા છ ભાઈઓ અને તેની વહુઓએ ભેગાં થઈને વિચાર્યું કે, આ બધું દ્રવ્ય બુઢ્ઢા સસરાએ નાની વહુને આપ્યું છે. છ યે દીકરા-વહુઓને ઝઘડતાં સાંભળીને કહ્યું : મેં તમારા બધાંનાં ઘેર આવીને સંકટહર્તા શ્રીગણેશ ચતુર્થીનું વ્રત અને અનુષ્ઠાન કરવા આજીજી કરી હતી. પણ તમે મારો તિરસ્કાર કરીને મને જાકારો આપ્યો હતો. જ્યારે આ નાની વહુએ બધી સામગ્રી ભીખ માગીને ભેગી કરી અને પોતે પણ વ્રત કર્યું. તેથી શ્રીગણેશ પ્રસન્ન થયા અને એને અપાર સંપત્તિ આપી છે. આ બધો વ્રતનાં ઉજવણાંનો પ્રતાપ છે.
તે બ્રાહ્મણના છ યે દીકરા અત્યંત ગરીબ, રોગીષ્ટ અને દુઃખી થયાં. પછી વિષ્ણુશર્માના છ યે પુત્રો અને વહુઓએ બારે માસની ગણેશ સંકષ્ટી ચતુર્થીનાં વ્રતો અને ઉજવણું કર્યાં. તેના ફળસ્વરૂપે પણ ધનધાન્ય મેળવી સુખી-સમૃદ્ધ થયાં.
શ્રીકૃષ્ણ ભગવાન કહે છે, હે યુધિષ્ઠિર ધર્મરાજ, ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી રાજ્યની ઇચ્છા કરનારને રાજ્ય મળે છે. માટે હે રાજન, તમે પણ આ વ્રત શ્રદ્ધાથી કરો. એ વ્રતના પ્રભાવથી તમે પણ સંકટોથી મુક્ત થઈને રાજ્યસુખ મેળવશો.
શ્રીકૃષ્ણનું આ કથન સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિર અત્યંત પ્રસન્ન થયા અને આ વ્રત કરીને શ્રીગણેશજીની કૃપાથી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું.
।। ૐ હ્રીં ગઁ ગણપતયે નમઃ ।।