ખેડૂત અને ભોલેનાથની આ કથા વર્તમાન સમય માટે ઉપયોગી શીખ આપે છે, વાંચવાનું ચૂકશો નહિ.

0
1272

એક વાર દેવરાજ ઇન્દ્ર ખેડૂતો ઉપર ક્રોધિત થયા. તેમણે નારાજ થઇને કહી દીધું, ‘આગામી બાર વર્ષ સુધી હું વરસાદ નહીં વરસાવું; તમે પાક નહીં ઉગાડી શકો.’

ચિંતાતુર ખેડૂતોએ ખૂબ પ્રાર્થના કરી ત્યારે ઇન્દ્રદેવે ઉપાય બતાવ્યો, ‘જો ભગવાન શંકર પોતાનું ડમરું વગાડશે તો વરસાદ થશે.’

ઇન્દ્રને ખબર હતી કે ખેડૂતો હવે મહાદેવ પાસે દોડી જશે, આથી તેમણે મહાદેવને જાણ કરી દીધી કે, ‘આપ ખેડૂતોને ડમરું વગાડવાની સંમતિ ન આપશો.’

ખેડૂતો ખરેખર ભગવાન શંકર પાસે પહોંચી ગયા પણ એમણે તો કહી દીધું, ‘ડમરું તો બાર વર્ષ પછી જ વાગશે.’ નિરાશ થયેલા ખેડૂતોએ નક્કી કરી લીધું કે બાર વર્ષ સુધી ખેતી જ નથી કરવી.

એક ખેડૂત એવો નીકળ્યો જેણે ખેતીકામ ચાલુ રાખ્યું. નિયમિત રીતે તે ખેતર ખેડવાનું, નીંદવાનું, વાવણીનું ઇત્યાદિ કાર્યો કરતો રહ્યો. બધા ખેડૂતો એની મજાક ઉડાવતા રહ્યા.

આવું પાંચેક વર્ષ ચાલ્યાં પછી કોઇએ તે મહેનતુ ખેડૂતને પૂછ્યું, ‘જ્યારે તને ખબર છે કે બાર વર્ષ સુદી વરસાદ નથી પડવાનો તો તારો સમય અને શક્તિ શા માટે બરબાદ કરે છે?’

પેલ ખેડૂતે જવાબ આપ્યો, ‘હું પણ જાણું છું કે બાર વર્ષ સુધી પાક ઉગવાનો નથી પણ હું મારા અભ્યાસ માટે આ કરી રહ્યો છું. જો બાર વર્ષ સુધી હું કામ કર્યા વગર બેસી રહીશ તો હું ખેતીકામ ભૂલી જઇશ, મારું શરીર પણ શ્રમ કરવાની આદત ભૂલી જશે. બાર વર્ષ પછી જ્યારે વરસાદ પડશે ત્યારે હું પાક ઉગાડવા માટે લાયક નહીં રહું.’

આ તાર્કિક ચર્ચા માતા પાર્વતી સાંભળી રહ્યાં હતાં. પેલા ખેડૂતનો તર્ક એમનાં મનમાં વસી ગયો.

માં પાર્વતીએ કઇક વિચારીને…. સહજતાપૂર્વક ભગવાન શિવને કહ્યું : ‘પ્રભુ, આપ પણ બાર વર્ષ પછી કદાચ ડમરું વગાડવાનું ભૂલી જશો.’

ભગવાન શંકર તો ભોલેનાથ..

તેઓ દેવીની વાત સાંભળીને ચિંતામાં પડી ગયા. પોતે ડમરું વગાડી શકે છે કે નહીં તે ચકાસવા માટે તેમણે ડમરું હાથમાં લીધું અને વગાડવા લાગ્યા. એ સાથે આકાશમાં ઘનઘોર વાદળો ઊમટ્યાં અને મૂશળધાર વર્ષા ચાલુ થઇ ગયો.

પૃથ્વી પર માત્ર એક જ ખેતર વાવણી સાથે તૈયાર હતું. એ ખેતરમાં ભરપૂર પાક ઊગી નીકળ્યો.

આ કથા હાલના સમય માટે ખૂબ ઉપયોગી છે. મહામારીના આ સમયમાં તમામ પ્રકારની નકારાત્મક વાતો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આપણે આપણું કાર્ય ચાલુ રાખીએ, આપણી કુશળતાને ધાર કાઢતા રહીએ, આપણું જ્ઞાન વધારતા રહીએ અને આપણી ક્ષમતા દર્શાવતા રહીએ.

આ મુશ્કેલ સમય ક્યારેક તો જવાનો જ છે. ત્યારે આપણું ખેતર ખેડાયેલું હશે તો આપણને જ કામમાં આવશે. આપણે પણ અત્યારે આમ જ કરવું જોઈએ.

તારીખઃ 03-05-2021

ડો. શરદ ઠાકર