રસ્તા પર જઈ રહેલા બાપ-દીકરાને ઘણા લોકોએ ટોક્યા, બાપને આવ્યો ગુસ્સો પછી જે થયું તે દરેકે સમજવા જેવું છે

0
849

કંઈક તો લોકો કહેશે જ, લોકોનું કામ છે કહેવું. આજના જમાનામાં આ વાત સાચી સાબિત થાય છે. મોટેભાગે લોકો બીજાની ખામીઓ શોધવાનો પ્રયત્ન કરે છે. એટલું જ નહિ ક્યારેક લોકો કોઈ કારણ વગર જ બીજાના કામમાં દખલગીરી કરે છે.

જો તમે કોઈ સારા કામ કરો તો પણ લોકો તેમાં કોઈને કોઈ ખામી શોધી કાઢશે. એટલા માટે લોકોની વાત સાંભળો જરૂર, પણ તેનો અમલ કરવો કે નહિ તે સમજી વિચારીને જાતે નક્કી કરો. આજે અમે તમને એક એવી જ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સાર એ છે કે લોકોની વાતમાં આવીને તરત જ કોઈ નિર્ણય ન લો.

આ સ્ટોરી તમે બાળપણમાં વાંચી કે સાંભળી હશે, પણ તે વર્તમાન સમયમાં પણ આપણા જીવનમાં ઘણી ઉપયોગી છે અને આવનારા સમયમાં પણ લોકોને ઘણી ઉપયોગી સાબિત થશે.

લોકોની વાતોમાં આવી ગયા વૃદ્ધ વ્યક્તિ :

એકવાર એક વૃદ્ધ વ્યક્તિ અને તેમનો પુત્ર ગધેડા સાથે બજારમાં જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ઉભેલા કેટલાક લોકો તેમને જોઇને હસવા લાગ્યા. એક વ્યક્તિએ કહ્યું, “આ ગધેડાને ભાર ઉપડાવ્યા વિના લઈ જવાનો શું ફાયદો? અરે, તમારામાંથી કોઈ એક તેના પર બેસી કેમ નથી હતા?” આ સાંભળી તે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું. “તમે સાચું કહો છો.”

આટલું કહીને વૃદ્ધે પોતાના પુત્રને ગધેડા પર બેસાડી દીધો અને તેઓ આગળ ચાલવા લાગ્યા. થોડા સમય પછી જ્યારે તે એક ગામ પાસેથી પસાર થયા, ત્યારે કેટલાક ગ્રામજનો તેમને જોઈને બોલ્યા, “અરે! જુઓ આ ચતુર છોકરાને જે આરામથી ગધેડા પર બેઠો છે અને વૃદ્ધ પિતાને પગપાળા ચલાવી રહ્યો છે.”

આ સાંભળી તે વૃદ્ધે દીકરાને ગધેડા પરથી ઉતાર્યો અને પોતે ગધેડા પર બેસી ગયા. તેઓ થોડે આગળ ગયા ત્યાં એક કૂવાની બાજુમાં ઉભેલી કેટલીક સ્ત્રીઓએ તેમને જોઇને કહ્યું, “અરે! આ વૃદ્ધ માણસને જુઓ. તે કેવા ખુશીથી ગધેડા પર બેસીને જઈ રહ્યા છે અને છોકરાને પગપાળા ચલાવે છે? તે છોકરાને પણ ગધેડા પર કેમ બેસાડતા નથી?”

આ સાંભળીને વૃદ્ધે પોતાના દીકરાને પોતાની પાછળ ગધેડા પર બેસાડ્યો અને આગળ વધ્યા. વૃદ્ધ માણસે વિચાર્યું, “ચાલો હવે કોઈ અમને ટોકશે નહીં.” પરંતુ તેઓ થોડે દૂર ગયા કે તરત જ રસ્તામાં ઉભેલા એક વ્યક્તિએ તેમને રોક્યા અને પૂછ્યું, “શું આ ગધેડો તમારો જ છે?”

વૃદ્ધે કહ્યું, “હા, અમારો જ છે.

“કોણ કલ્પના કરી શકે છે કે તમે આ બિચારા ગધેડા પાસે આટલો બધો બોજ વહન કરાવતા હશો.” આટલું કહીને તે વ્યક્તિ હસતા હસતા આગળ વધ્યો.

હવે વૃદ્ધ ગુસ્સામાં બબડવા લાગ્યા – ‘મને સમજાતું નથી કે હું કરું તો શું કરું? ગધેડો પર ભાર ન મુકીએ તો લોકો તાકીને જોયા કરે છે. જો આપણામાંથી કોઈ ગધેડા પર મુસાફરી કરે, તો જે બેસે છે તેને દોષ આપે છે. બંને ગધેડા પર બેસીએ તો પણ લોકો મજાક ઉડાવે છે.”

છેવટે બંને પિતા-પુત્ર ગધેડા પરથી નીચે ઉતર્યા અને બાકીનો રસ્તો પગપાળા જ પસાર કર્યો.

આ સ્ટોરીનો નિષ્કર્ષ એ છે કે, લોકો તો કાંઈકને કાંઈક કહેતા રહેશે. તેઓ વિક્ષેપ કરશે, તમને નાની નાની વાતો પર ટોકશે, પરંતુ તમારે શું કરવું અને શું નહિ તે તમારે જાતે નક્કી કરવું પડશે. લોકોની વાતમાં આવીને તાત્કાલિક કોઈ નિર્ણય ન લો, નહીં તો તમે કંઈપણ નક્કી કરી શકશો નહીં.