સસરાએ વહુઓને પૂછ્યું કયો દિવસ સારો ગણાય, સૌથી નાની વહુએ આવો જવાબ આપીને પોતાની બુદ્ધિમત્તા દેખાડી.

0
2523

સુખ-દુઃખ જીવનના બે પાસા છે. ક્યારેક સુખ આવે છે તો ક્યારેક દુઃખ. ઘણા લોકો ખુબ પૈસા હોવા છતાં પણ કોઈને કોઈ કારણે દુઃખી રહે છે અને ઘણા લોકો ખુબ ઓછા પૈસા કમાઈને પણ સુખ શાંતિથી જીવન જીવે છે અને નિરાંતની ઊંઘ લે છે.

જો મનમાં સતોષ છે તો ઓછા સંસાધનોમાં પણ સુખી રહી શકાય છે, નહી તો આખી દુનિયાની સંપત્તિ પણ તમને સુખી નથી બનાવી શકતી. આજે અમે તમને એવો પ્રસંગ જણાવવા જઈ રહ્યા છીએ જે સમજાવે છે જીવનમાં સૌથી સારો દિવસ કયો હોય છે.

નાની વહુની બુદ્ધીથી ખુશ થયા સસરા :

એક ગામમાં એક શેઠ રહેતા હતા. તેમને ચાર દીકરા હતા. ચારેય ખુબ જ આજ્ઞાકારી અને મહેનતુ હતા. શેઠ પણ તેમની પ્રગતિ જોઇને ઘણા ખુશ રહેતા હતા. શેઠે સારા ઘરની છોકરીઓ જોઈને તેમના લગ્ન કરાવી દીધા. તેમનું કુટુંબ આનંદથી રહેતું હતું.

એક દિવસ શેઠે વિચાર્યું કે મારા બધા દીકરા તો બુદ્ધિશાળી છે, પણ વહુઓ હકીકતમાં કેટલું બુદ્ધિશાળી તે જાણવું જોઈએ. તેમણે વિચાર્યું કે આજે વહુઓની પરીક્ષા લેવામાં આવે. પછી શેઠે પોતાની ચારેય વહુઓને બોલાવી અને દરેકને એક જ પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન એ હતો કે કયો દિવસ સારો ગણાય?

શેઠની વહુઓ સમજી ગઈ કે સસરાજી અમારી પરીક્ષા લઇ રહ્યા છે. સૌથી મોટી વહુએ કહ્યું કે દિવસ તો ચોમાસાનો સૌથી સારો હોય છે, કેમ કે જો વરસાદ ન થાય તો પાક ન થાય અને પાણીની પણ તંગી ઉભી થઇ જાય. લોકો પાણી વગર જીવી નહિ શકે. એટલે વરસાદનો દિવસ સારો ગણાય. પોતાની આ વાતને સાચી સાબિત કરવા માટે મોટી વહુએ ઘણા બધા તર્ક આપી દીધા.

પછી બીજી વહુએ કહ્યું કે દિવસ તો શિયાળાનો સૌથી સારો હોય છે, કેમ કે આ ઋતુમાં મનપસંદ ખાવાનું ખાઈ શકાય છે, આથી આખું વર્ષ બીમાર પણ ઓછા થવાય છે.

ત્રીજી વહુએ ઉનાળાના દિવસોને સારા ગણાવ્યા અને તેણે પણ ઘણા બધા કારણ જણાવી દીધા કે કઈ રીતે ઉનાળાના દિવસો સારા હોય છે.

પછી સૌથી નાની વહુનો નંબર આવ્યો તો તેણીએ કહ્યું કે – પપ્પા, દિવસ તો તે સારા હોય છે જે સુખમાં પસાર થાય. જો સુકો રોટલો ખાઈને પણ મનને સંતોષ મળી જાય અને કુટુંબમાં પ્રેમ જળવાઈ રહે તો તેને જ સારો દિવસ માનવો જોઈએ.

સસરા નાની વહુના જવાબથી ઘણા ખુશ થયા અને સમજણની ખુબ પ્રશંસા કરી.

લાઈફ મેનેજમેન્ટ : સુખ-દુઃખ જીવનનો એક ભાગ છે. આજે સુખ છે તો કાલે દુઃખ આવશે અને ત્યાર પછી ફરી સુખ આવશે. સુખ-દુઃખનો પૈસા સાથે પણ સંબંધ નથી કેમ કે જેની પાસે પૈસા છે તે લોકો પણ દુઃખી છે અને ગરીબ માણસ પોતાના કુટુંબ સાથે થોડું ઘણું ખાઈને પણ સુખી રહે છે. એટલા માટે દિવસ તે સારો હોય છે જે પરિવાર સાથે સારી રીતે પસાર થાય.