ગામડે રહેતા સસરા શહેરમાં રહેતા ઝગડાળુ વહુ દીકરાને ત્યાં રહેવા ગયા, પછી જે થયું તે જાણવા જેવું છે.

0
3439

સમજદારી :

– ચંદ્રકાન્ત જે સોની, મોડાસા.

“આ તારો ખોટો નિર્ણય છે…તું પસ્તાઈશ…હાં…”

વાત હતી ઈન્દોર જવાની. ભાનુપ્રસાદને તેમના… દિકરાને ઘેર.. જવાની.

ભાનુપ્રસાદને એક દિકરો વિનય… ઇન્દોર નોકરી કરે. તેમનાં પત્ની મનહર બેનના અવસાન પછી એ ગામડે એકલા જ રહે. સરકારી નોકરીમાંથી નિવૃત થયા પછી પેન્શન સારૂ આવે. બે સમય ઘરેલું ટીફીન આવે.. ફાવી ગયેલું. કામવાળી તો મનહરબેન વખતથી કામ કરતી એટલે ઘરના સભ્ય જેવી ચીવટથી કામ કરે.

પણ હવે આ એકલવાયું જીવન કંટાળા જનક લાગતાં થોડો સમય કુટુંબ સાથે રહેવાનું મન… એમના ખાસ અંગત મિત્ર રમણીકલાલની સ્પષ્ટ.. ના… “અલ્યા તને નહીં ફાવે… નકામો દિકરાની વહુના અપમાન સહન કરવા જાય છે”.

અને વાત પણ સાચી હતી. મનહરબેન જીવતા ત્યારે દિકરાની વહુ કોઈને કોઈ બહાને ઘરમાં ઝગડો ઉભો કરે જ. મનહરબેન બિચારા લાચાર એક શબ્દ પણ ના બોલે. દર વખતે એ ઝગડો કર્યા વિના ઈન્દોર ગઈ હોય એવુ બને જ નહીં.

ભાનુપ્રસાદે બાજુમાં રહેતી, અને કૉલેજમાં ભણતી શ્વેતાને બોલાવી “બેટા તારે કાલે રજા છે તો મારી સાથે આવીશ મારે તારૂં થોડું કામ છે. શ્વેતાએ હા પાડતા બીજે દિવસે બંને ખરીદી કરવા બજાર ઉપડ્યા. શ્વેતાને સાથે રાખી ભાનુપ્રસાદે ઘણી વસ્તુઓની ખરીદી કરી અને પાછા વળતાં બેંકમાં… પોતાને એ.ટી.એમ. કાર્ડ નહતું તે પણ કરાવી દીધું.

“કેમ, અલ્યા તૈયારી થઈ ગઈ.. ઈન્દોર હવા ખાવા જવાની.. રમણીકલાલનો સૂર મશ્કરી ભર્યો હતો.. કારણ હતું ગયા વર્ષે એ પણ એમના દિકરાને ઘેર બેંગ્લોર રહેવા તો ગયા પણ થોડા સમયમાં લીલા તોરણે પાછા આવેલા… એટલે ઘણી વખત આજની આ પેઢીનીએ નિંદા કરતા.

ભાનુપ્રસાદ ઈન્દોર ગયા… ખાસ્સા બે વર્ષ લગાતાર રહ્યા… પાછું થોડો સમય ગામડું સાંભળ્યું ને તે થોડા સમય માટે ગામડે આવ્યા…. એમના મિત્ર રમણીકલાલને આશ્ચર્ય એ વાતનું હતું કે, “આ ભાનુપ્રસાદ દિકરાની કકળાટ કરતી વહુ સાથે બે બે વર્ષ ટક્યો કેવી રીતે?”

શ્વેતાને ખબર પડતાં તે ભાનુદાદાને મળવા આવી… “શ્વેતાને જોઈ ભાનુપ્રસાદ ખડખડાટ હસ્યા.. “શ્વેતા, બેટા તારી દરેક પસંદગી પાસ… હાં કે…” શ્વેતા પણ ખડખડાટ હસી પડી.

રમણીકલાલ અકળાયા… આ બે જણ એવી તે કઈ વાત પર ખુશ થયા હશે?

રમણીકલાલે શ્વેતાને જ પૂછ્યું.. “શું વાત છે શ્વેતા?”

પ્રતીકાત્મક (સોર્સ : ગૂગલ)

શ્વેતાના બદલે ભાનુપ્રસાદ જ બોલ્યા.. “જો હું ઈન્દોર જતા પહેલાં શ્વેતાને મારી સાથે બજાર લઈ ગયેલો ને? દિકરાની વહુ માટે મોંઘમાં મોંઘા ડ્રેસ ખરીદવા…. અને એટીએમ કાર્ડ ત્યાં નાની મોટી ખરીદી કરવા પૈસાની જરૂર પડેને એટલે..! ટેંસથી પેન્શનના પૈસે સૌને લહેર કરાવતો… દિકરોએ ખુશ… વહુએ ખુશ…

આપણા મ-રી-ગ-યા પછી બચતો કરી એમને આપવી એના કરતાં જીવતે જીવ આપણા અને એમના માટે ખરચી નાખવી શું ખોટી? આપણેય ખુશ અને… એ પણ ખુશ… હવે કરકસર અને ચીંગુસાઈ કોના માટે?

અને તું કંજુસનો કાકો… ચમડી તૂટે પણ દમડી ના છૂટે એવો… અને પાછો મફતમાં બેંગ્લોરમાં જલસા કરવા જાય એ ચાલે? જો રમણીક હવે આપણે સુખ ખરીદવાનો સમય પાકી ગયો છે નહીં કે બચતો ભેગી કરવાનો ભાઈ!

પૈસા ફેંકો તમાસા દેખો… જેવો ઘાટ છે દોસ્ત આપણો….

અને જતી જીંદગીમાં ઉલતામેળે એજ તો આપણી ખરી સમજદારી ગણાય દોસ્ત!

– ચંદ્રકાન્ત જે સોની.

(રમેશ પંડ્યાએ બી પલ્સ યુ આર નોટ અલોન ગ્રુપમાં શેર કરેલી પોસ્ટ)