નાટકમાં પિતા રાવણનું પાત્ર ભજવવાના હતા તો દીકરાએ ભર્યું આવું પગલું, વાંચો અર્થપૂર્ણ લઘુકથા.

0
310

લઘુકથા – રાવણ :

– માણેકલાલ પટેલ.

સ્કૂલમાં નાટક ભજવવાનું હોઈ પાત્રોની વહેંચણી ચાલતી હતી.

મયૂરભાઈ સાહેબે યોગ્યતા મુજબના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પાત્રો વહેંચી આપ્યાં પણ રાવણના પાત્ર માટે એમને કોઈ યોગ્ય લાગતું ન હોઈ એ પણ મુંઝવણમાં પડી ગયા.

છેવટે એ પાત્ર પોતે જ ભજવશે એવું એમણે જાહેર કર્યું એટલે તાળીઓના ગડગડાટથી હોલ ગાજી ઊઠ્યો.

થોડીવાર થઈ અને ઉત્તમે ઊભા થઈને કહ્યું :- “હું સીતાનું પાત્ર નહિ ભજવું.”

આ સાંભળીને હોલમાં સોપો પડી ગયો.

બીજા શિક્ષકોએ પણ ઉત્તમને ઘણું સમજાવ્યો પણ એ એકનો બે ન થયો.

સ્કૂલ છૂટી એટલે ઉત્તમને એની મમ્મીએ પૂછ્યું :- “નાટકના પાત્રોની વહેંચણી થઈ ગઈ, બેટા?”

“હા મમ્મી !” ઉત્તમે કહ્યું :- “પણ, પપ્પા રાવણનું પાત્ર ભજવવાના હોઈ મેં સીતા બનવાની ના પાડી દીધી.”

એનાં મમ્મી મનમાં જ બોલી :- “આવડી મોટી સ્કૂલમાંથી રાવણ બને એવો કોઈ સારો માણસ જ ન મળ્યો?”

– માણેકલાલ પટેલ. (અમર કથાઓ ગ્રુપ)