પિતાએ કહ્યું મને ઘરડા ઘરમાં મૂકી આવ, પછી પુત્રએ જે કર્યું તે ચકિત કરી દેનારું હતું, વાંચો સંપૂર્ણ સ્ટોરી.

0
3357

ટૂંકી વાર્તા : “કંપની”

નદી કિનારે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટ માં અજય નો આલીશાન બંગલો હતો; શહેર ના અતિ ધનિક લોકો માં એની ગણતરી થતી. અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા પિતા હસમુખરાય સાથે ભવ્ય વીલા માં રહેતો હતો.

એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે હસમુખરાયે કહ્યું ”બેટા મને ઘરડા ઘર માં મૂકી આવને; અજય અને રીટા ચોંકી ઉઠ્યા અને વિચાર્યું કે અમારી માવજત માં કોઈ ખામી રહી ગઈ કે શું?

અજયે કહ્યું ”કેમ પપ્પા, અમારા થી કોઈ ભૂલ થઇ ગઈ કે કોઈએ તમને કઈ કહ્યું?

હસમુખરાયે હંસતા હંસતા કહ્યું; ના બેટા ના; તું વહુ અને સુકેન જેટલી સાર સંભાળ મારી કોણ રાખી શકે? પણ હું અહિંયા એકલો આખો દિવસ કંટાળી જાઉં છું અને ઘરડા ઘર માં મારા ત્રણ જુના મિત્રો છે તો મારો ટાઈમ પાસ થઇ જશે.

અજયે કહ્યું ” પપ્પા, સમાજ અમારા માટે શું વિચારશે; ૬ મહિના જવા દો હું કઈ વ્યવસ્થા કરી આપીશ. હસમુખરાય પણ માની ગયા. વાત વિસરાઈ ગઈ.

અજયે વિલા ની બાજુમાં એક નાનું આઉટ હાઉસ બનાવવાનું શરુ કર્યું અને જોત જોતા માં એક સુંદર મજાનું આઉટ હાઉસ તૈયાર થઇ ગયું. હસમુખરાયે પૂછ્યું; બેટા આ શું કામ બનાવ્યું? આપણું આટલું મોટું ઘર છે ને;.

અજયે કહ્યું કે મેહમાનો માટે છે ને આવતા રવિવારે તમારા હાથે ઉદ્દઘાટન કરવાનું છે. રવિવાર આવી ગયો, ફેમિલી મેમ્બર્સ અને થોડા મિત્રો ને બોલાવવામાં આવ્યા હતા, આઉટ હાઉસ પર રીબીન બાંધવામાં આવી હતી; હસમુખરાયે તાળીઓ ના ગડ્ગડાટ સાથે રીબીન કાપી.

અજયે કહ્યું ”પપ્પા બારણું પણ ખોલો, હસમુખરાયે બારણું ખોલ્યું, સામે ખુરશી પર તેમના ત્રણ મિત્રો બેઠા હતા, હસમુખરાય ખુશી થી ઝૂમી ઉઠ્યા અને ત્રણે મિત્રોને ગળે લગાડી દીધા.

અજય રૂમમાં દાખલ થયો તો ચારે વડીલો એને ભેંટી પડ્યા. અજયે કહ્યું કે પપ્પા ની ઈચ્છા હતી કે તમારી સાથે જિંદગી વિતાવે એટલે હું ત્રણે વડીલોને ઘરડા ઘર થી અહીં લઇ આવ્યો. આજ થી તમારા લોકો નું આજ ઘર છે, મેં એક કેર ટેકર શંભુ કાકા ને પણ રાખ્યા છે જે તમારી તહેનાતમાં આખો દિવસ હાજર રહેશે.

ચારે વડીલોની આંખમાં થી અશ્રુઓ વહી ગયા. અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમ માં થી ખડખડાટ હાસ્ય ના અવાજો આવવા લાગ્યા. અજયે મનોમન બોલી ઉઠ્યો “જુના મિત્રો ની ‘કંપની’ સ્ટીરોઈડ જેવી હોય છે.”

– હર્ષદભાઈના બ્લોગમાંથી.