પિતાએ પોતાના પુત્રને અડધી રાત્રે શીખવ્યો સાચી મિત્રતાનો પાઠ, દરેકે વાંચવા જેવો છે પ્રસંગ.

0
704

પિતા-પુત્રની આ 2 સ્ટોરીમાં રહેલી શીખ દરેક માં બાપે પોતાના દીકરા-દીકરીઓને શીખવવી જોઈએ. વાંચો સ્ટોરી.

એક છોકરાના ઘણા બધા મિત્રો હતા, જેમના પર તેને ખૂબ જ ગર્વ હતો. અને તે છોકરાના પિતાના ફક્ત 2 મિત્રો હતા, પણ તે સાચા મિત્રો હતા. એક દિવસ પિતાએ પુત્રને કહ્યું કે તારા ઘણા બધા મિત્રો છે ને, તો ચાલ આજે રાત્રે તેમાંથી તારા સૌથી સારા મિત્રની પરીક્ષા કરીએ.

પુત્ર ખુશીથી સંમત થયો. બંને જણા રાત્રે 1 વાગે પુત્રના ખાસ મિત્રના ઘરે પહોંચ્યા. પુત્રએ દરવાજો ખખડાવ્યો, પણ દરવાજો ન ખૂલ્યો, વારંવાર દરવાજો ખખડાવ્યા અને પોતાનું નામ જણાવ્યા પછી કોઈ બહાર ન આવ્યું. તે બંનેએ બહારથી જ સાંભળ્યું કે પુત્રનો મિત્ર અંદરથી તેની મમ્મીને કહેતો હતો કે મમ્મી એવું કહી દે કે હું ઘરે નથી.

આ સાંભળીને પુત્ર ઉદાસ થઈ ગયો. તેઓ આ રીતે ઘણા મિત્રોના ઘરે ગયા પણ કોઈ તેના માટે બહાર આવ્યું નહીં. તેથી બંને નિરાશ થઈને ઘરે પાછા ફરી રહ્યા હતા. ત્યારે પિતાએ કહ્યું કે દીકરા, આજે હું તારો મારા મિત્રો સાથે પરિચય કરાવું.

બંને રાત્રે 2 વાગે પિતાના મિત્રના ઘરે પહોંચ્યા. પિતાએ તેના મિત્રને બોલાવ્યો. અંદરથી જવાબ આવ્યો કે, હા દોસ્ત ઉભો રહો, હું હમણાં જ દરવાજો ખોલું છું. દરવાજો ખોલતા જ પિતાના મિત્રએ પૂછ્યું કે બોલ શું મુશ્કેલી આપણે હમણાં જ તેનો ઉકેલ લાવી દઈએ. પછી પિતાએ તેને બધી વાત કરી અને બીજા મિત્રના ઘરે ગયા.

બીજા મિત્રએ દરવાજો ખોલ્યો તો તેમના એક હાથમાં પૈસાની થેલી અને બીજા હાથમાં ડંડો હતો. પિતાએ પૂછ્યું, આ શું છે મિત્ર.

પછી મિત્રે કહ્યું, જો મારો મિત્રએ રાત્રે બે વાગ્યે મારો દરવાજો ખખડાવ્યો એટલે તે જરૂર મુશ્કેલીમાં હશે. અને હંમેશા મુશ્કેલી બે પ્રકારની હોય છે, એક તો પૈસાની અથવા કોઈની સાથે ઝગડો થયો હોય છે.

જો તને પૈસાની જરૂર હોય તો આ પૈસાની થેલી લઈ લે અને જો તારે કોઈ સાથે ઝઘડો થયો છે તો હું તારી સાથે જ છું. પછી પિતાએ પોતાના મિત્રને કહ્યું કે, દોસ્ત, મારે કશાની જરૂર નથી, હું તો મારા પુત્રને સાચા મિત્રની ઓળખ કરાવતો હતો.

આને સમજાવતો હતો કે એવા મિત્રોને પસંદ ન કરવા કે જે પોતે ગર્જના કરે અને કામ પડે ત્યારે બહાનું બનાવવાનું શરૂ કરે. એટલે મિત્ર ઓછા રાખવા પણ સાચા રાખવા.

સ્ટોરી 2 :

એક બાળક તેના પિતા સાથે પિકનિક માટે ગયો હતો. ઉનાળુ વેકેશન હતું એટલે પિતાએ વિચાર્યું કે કુદરતની નજીક થોડો સમય શાંતિમાં પસાર કરીએ. આવું ચારીને તેમણે ક્યાંક પહાડોમાં ફરવાનો પ્લાન બનાવ્યો. સામાન પેક કરીને બંને પિતા-પુત્ર પીકનીક માટે નીકળ્યા. પહાડોનો નજારો ખૂબ જ અદભૂત હતો, ચારે બાજુ ખુલ્લું આકાશ અને હરિયાળી હતી.

બાળકે એક નાનકડી ટેકરી પર ચડવાનો પ્રયત્ન શરૂ કર્યો, થોડુ ઉપર ચઢતા જ તેનો પગ થોડો લપસી ગયો અને તેનો પગ એક પથ્થર સાથે અથડાયો અને તેના મોઢામાંથી જોરથી અવાજ નીકળ્યો…. “પપ્પા”

એનો આ અવાજ પડઘાને કારણે પાછો સંભળાયો…. “પપ્પા”
બાળકને ખૂબ નવાઈ લાગી કે તેના જેવું જ કોણ બોલ્યું?

તે ફરી જોરથી બોલ્યો… “કોણ છે?”

ફરી પાછો અવાજ સંભળાયો… “કોણ છે?”

બાળકે ફરી કુતૂહલથી બૂમ પાડી… “તમે કોણ છો?”

પછી પાછો અવાજ આવ્યો… “તમે કોણ છો?”

પછી બાળકે તેના પિતાને આ વિશે પૂછ્યું, ત્યારે પિતાએ પ્રેમથી બાળકના માથા પર હાથ ફેરવ્યો અને જોરથી બૂમ પાડી… “તું કાયર છે.”

ફરી અવાજ સંભળાયો… “તું કાયર છે.”

પિતાએ છોકરા તરફ જોઈને સ્મિત કર્યું અને પછી મોટેથી બોલ્યા… “તું બહાદુર છે, તું વિજેતા છે.”

સામેથી પાછો અવાજ આવ્યો… “તું બહાદુર છે, તું વિજેતા છે.”

પછી પિતાએ બાળકને સમજાવ્યું કે આ અવાજ તારો જ છે જે પહાડો પર અથડાયને પાછો તને સંભળાય છે. આ જ જીવન છે, આપણે જે બોલીએ છીએ, જે વિચારીએ છીએ તે પાછું મળે છે.

આપણું ભવિષ્ય આ અવાજ જેવું છે, આપણે આજે જે કર્યું તે કાલે પાછું મળશે. જો તું બીજા પ્રત્યે આદર રાખીશ, તો તને તે જ પાછું મળશે.

જો તું તારા મનમાં વિચારીશ કે તું કાયર છે, તું કંઈ કરી શકતો નથી, તો તું એવો જ બની જઈશ. જો તું વિચારશે કે તું વિજેતા છે, તો તું એવો જ બનશે. બાળકને દરેક વાત સમજાઈ ગઈ.

આશા છે કે તમે લોકો પણ આ સ્ટોરીઓથી કૈંક શીખ્યા હશો અને તમારા દીકરા-દીકરીઓને પણ આ શીખ આપશો.