દીકરીના લગ્ન માટે પિતા 2 લાખની જમીન 50 હજારમાં વેચવા મજબૂર થાયા, પછી શેઠે જે કર્યું તે જાણવા જેવું છે

0
2012

દીકરીના લગ્ન નજીક હતા અને લગ્ન માટે થોડા પૈસાની જરૂર હતી એટલે મોહન ગામના શેઠને પોતાના ખેતરની જમીનનો એક ભાગ વેચવાનું નક્કી કર્યું.

સવારે વહેલા ઊઠી, પૂજા-પાઠ કરીને તે પોતાના ખેતરની જમીનના કાગળ વગેરે લઈને શેઠ પાસે ગયો. ગામમાં લોકો શેઠને ખૂબ આદર આપતા હતા અને તે ગામના સરપંચ પણ હતા.

મોહન : શેઠ, મારે મારા ખેતરની જમીનનો અમુક ભાગ વેચવો છે.

શેઠ : કેટલો ભાગ વેચવો છે અને કેટલી કિંમત જોઈએ?

મોહન : બે એકર જમીન માટે ૫૦ હજાર રૂપિયા જોઈએ.

શેઠ : થોડું વિચારીને બોલ્યા, આ તે જ ખેતર છે જેમાં ટ્યૂબવેલ લાગેલી છે?

મોહન : હા શેઠ, તમે મને 2 હજાર ઓછા પણ આપશો તો પણ હું મારી જમીન આપવા તૈયાર છું.

શેઠ (થોડો સમય વિચાર્યા પછી) : ના, હું તને 50 હજાર નહીં પણ 2 લાખ આપીશ.

મોહન : હું તો 50 હજાર માંગી રહ્યો છું ને તમે 2 લાખ કેમ આપી રહ્યા છો?

શેઠ : તું જમીન કેમ વેચી રહ્યો છે?

મોહન : મારી દીકરીના લગ્ન છે એટલા માટે પૈસાની જરૂર છે. મજબૂરીમાં હું આ જમીન વેચવા માંગુ છું. પણ મને હજી ખબર પડી નહીં કે તમે મને 2 લાખ રૂપિયા કેમ આપી રહ્યા છો?

શેઠ : મારે જમીન ખરીદવી છે કોઇની મજબૂરી નહીં. મને તારી જમીનની કિંમત ખબર છે. અને હું તારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા માંગતો નથી. ભગવાન બધું જોઈ રહ્યો છે. એવી જમીન કે કોઈપણ સાધન, જે કોઈની મજબૂરીઓને જોઈને ખરીદવામાં આવે તો તે જીવનમાં સુખ આપતા નથી. આગળની પેઢી પર પણ તેની અસર થાય છે.

મોહન તેમની સામે હાથ જોડીને રડવા લાગ્યો.

થોડો સ્વસ્થ થયા પછી મોહન બોલ્યો : જ્યારે મેં મારા નજીકના સંબંધીને આ જમીન વેચવાનું કહ્યું તો તેણે મને 30 હજારમાં જમીન ખરીદવાની વાત કરી. મારે વધારે પૈસાની જરૂર હતી એટલે હું તમારી પાસે આવ્યો.

શેઠ થોડીવાર વિચારીને બોલ્યા : જો ભાઈ, હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. તું ખુશી ખુશી પોતાની દીકરીના લગ્નની તૈયારી કર. 50 હજારની વ્યવસ્થા હું તને કરી આપું છું. અને જો ઘટે તો હું વધારાના પૈસા પણ આપીશ. તારી દીકરી એટલે ગામની દીકરી. તારે હવે આ જમીન વેચવાની જરૂર નથી. તું દીકરીના લગ્ન પછી એજ જમીન પર ખેતી કરીને થોડા થોડા કરીને મને પૈસા ચૂકવી દેજે.

બોધ : કોઇની મજબૂરી ન તો ખરીદો કે ન તેની મજાક ઉડાવો. કોઈનું દુ:ખ, મજબૂરી સમજીને તેનો સાથ આપવો એજ સાચું તીર્થ છે, સાચું કર્મ છે.