આ છે ભગવાન નૃસિંહના 5 પ્રાચીન મંદિર, ક્યાંક વર્ષમાં 1 વાર થાય છે દર્શન તો કોઈ મૂર્તિ પાણી પર તરે છે.

0
167

ભગવાન નૃસિંહના આ મંદિરોની વાતો તમને આશ્ચર્ય ચકિત કરી દેશે, જાણો તે ક્યાં આવેલા છે.

અન્યાયનો અંત લાવવા ભગવાન વિષ્ણુએ અનેક અવતાર લીધા, તેમાંથી એક નૃસિંહ (નરસિંહ) અવતાર પણ છે. ભગવાન વિષ્ણુએ પોતાના ભક્ત પ્રહલાદને તેના પિતા હિરણ્યકશ્યપના અત્યાચારોથી બચાવવા માટે આ અવતાર લીધો હતો. આપણા દેશમાં ભગવાન નૃસિંહના ઘણા મંદિરો છે. આમાંથી કેટલાક ખૂબ જ પ્રાચીન છે અને તેમની સાથે ઘણી માન્યતાઓ અને પરંપરાઓ પણ જોડાયેલી છે. અમે તમને ભગવાન નૃસિંહના 5 પ્રાચીન મંદિરો વિશે જણાવી રહ્યા છીએ, જે આ પ્રમાણે છે.

અહીં ભગવાનના દર્શન વર્ષમાં એકવાર થાય છે :

આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમ પાસે સિંહાચલ પર્વત પર ભગવાન નૃસિંહનું એક પ્રાચીન અને વિશાળ મંદિર છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના પ્રહલાદે પોતે કરી હતી. આ મંદિરમાં ભગવાન નૃસિંહ લક્ષ્મીજીની સાથે છે, પરંતુ તેમની મૂર્તિ પર હંમેશા ચંદનનો લેપ હોય છે. આ લેપ માત્ર અખાત્રીજ (અક્ષય તૃતીયા) પર એક દિવસ માટે મૂર્તિ પરથી દૂર કરવામાં આવે છે, તે જ દિવસે લોકો વાસ્તવિક મૂર્તિના દર્શન કરી શકે છે. આ દિવસે અહીં સૌથી મોટો તહેવાર ઉજવવામાં આવે છે. 13 મી સદીમાં અહીંના રાજાઓએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

આ નૃસિંહ મંદિર સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે :

બદ્રીનાથ હિન્દુઓના 4 ધામોમાંથી એક છે. અહીં જોશીમઠમાં ભગવાન નૃસિંહનું 1000 વર્ષ જૂનું મંદિર છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરના દર્શન કર્યા વિના બદ્રીનાથના દર્શનનું ફળ મળતું નથી. મંદિરમાં સ્થાપિત ભગવાન નૃસિંહની મૂર્તિ શાલિગ્રામ પથ્થરની બનેલી છે. એવું માનવામાં આવે છે કે આ મૂર્તિ પોતે જ પ્રગટ થઈ છે. આ મૂર્તિ લગભગ 10 ઈંચ ઊંચી છે અને ભગવાન નૃસિંહ કમળ પર બિરાજમાન છે.

રાજતરંગિણી ગ્રંથ અનુસાર, 8 મી સદીમાં કાશ્મીરના રાજા લલિતાદિત્ય મુક્તપીડ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. બીજી એક માન્યતા અનુસાર, જ્યારે ભગવાન નૃસિંહની મૂર્તિનો હાથ તૂટીને પડી જશે, ત્યારે ભગવાન બદ્રીનાથના દર્શન થઈ શકશે નહીં. ત્યારે જોશીમઠના ભવિષ્ય બદ્રી મંદિરમાં ભગવાન બદ્રીનાથના દર્શન થશે.

આ મંદિર 1000 વર્ષથી વધુ જૂનું છે :

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ભગવાન નૃસિંહનું એક પ્રાચીન મંદિર પણ છે. પુરાતત્વ વિભાગ અનુસાર, ભગવાન નૃસિંહની આ મૂર્તિ લગભગ 1150 વર્ષ જૂની છે, જેને ભોસલે વંશના રાજા હરિહર વંશીએ સ્થાપિત કરાવી હતી. ભગવાન નૃસિંહની આ મૂર્તિ કાળા પથ્થરની બનેલી છે. મૂર્તિની વિશેષતા એ છે કે તે ઉનાળામાં ઠંડી અને શિયાળામાં ગરમ ​​રહે છે. આ મંદિર 28 સ્તંભો પર ટકેલું છે અને તમામ સ્તંભો એક જ પથ્થરમાંથી બનેલા છે, જેના પર કરેલી આકર્ષક કોતરણી કોઈને પણ આશ્ચર્યચકિત કરી શકે છે.

ભગવાન નૃસિંહની આ મૂર્તિ પાણી પર તરે છે :

મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના હાથપીપલ્યા તાલુકામાં એક પ્રાચીન નૃસિંહ મંદિર છે. આ મંદિરમાં રહેલી મૂર્તિ એક સાધુ દ્વારા અહીંના રાજ પરિવારને આપવામાં આવી હતી અને કહ્યું હતું કે આ મૂર્તિ પાણી પર તરે છે. દર વર્ષે ડોલ ગ્યારસના અવસરે પથ્થરમાંથી બનેલી આ ભગવાન નૃસિંહની મૂર્તિને નજીકમાં વહેતી નદીમાં લઈ જવા આવે છે અને આશ્ચર્યજનક રીતે આ મૂર્તિ પાણી પર તરવા લાગે છે. આવું ફક્ત 3 વખત કરવામાં આવે છે. આ મૂર્તિનું પાણી પર તરવું સુખ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.

ભગવાન નૃસિંહની આ મૂર્તિ નેપાળથી લાવવામાં આવી હતી :

નરસિંહગઢ મધ્યપ્રદેશના રાજગઢથી લગભગ 19 કિલોમીટર દૂર છે. એક સમયે અહીં ઉમઠ-પરમાર વંશનું શાસન હતું. ભગવાન નૃસિંહ ઉમઠ રાજાઓના કુળદેવતા છે. તેમણે જ અહીં ભગવાન નૃસિંહનું મંદિર બનાવ્યું હતું અને આ વિસ્તારનું નામ પણ તેમના કુળદેવતાના નામ પર રાખ્યું હતું. અહીંના મંદિરમાં સ્થાપિત ભગવાન નૃસિંહની મૂર્તિ લગભગ 350 વર્ષ જૂની હોવાનું કહેવાય છે, જે અષ્ટધાતુથી બનેલી છે. કહેવાય છે કે આ મૂર્તિ રાજા પોતે નેપાળ જઈને લાવ્યા હતા.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.