પૈસાદાર ઘરની છોકરી માટે વ્યક્તિએ સંસ્કારી અને સમજુ છોકરીના સંબંધને નકાર્યો, પછી થઈ આવી હાલત.

0
407

સંબંધ :

બદલી થઈને આવેલ દિનકર માટે આ શહેર નવું હતું.. બજારમાં ફરતાં ગંજી લેવાનું યાદ આવ્યું.. એક નાની દુકાન જોઈ.. તેમાં દાખલ થયો.. અંદર એક સ્ત્રી સામાન ઠીક કરી રહી હતી.. તેણે દિનકર તરફ જોયું..

થોડીવાર જોતી જ રહી.. અને બોલી.. “ તમે.. દિનકર…?”

” હા.. ને તમે સ્વાતિ જ ને..?” દિનકર પણ ઓળખી ગયો..

દશ વર્ષ પહેલાં એ સ્વાતિને જોવા ગયો હતો.. એકમેકને પસંદ કર્યા હતા.. સગાઈ કરવાનું પણ નક્કી થઈ ગયું હતું.. પણ દિનકરને સરકારી નોકરી હતી , એટલે કોઈ પૈસાદાર ઘરની વાત આવી.. સ્વાતિ સામાન્ય ઘરની હતી.. દિનકરે દહેજની લાલચમાં સ્વાતિવાળી વાત અટકાવી દીધી હતી.. દિનકરને ક્ષોભ થયો.. પણ ગંજી માંગ્યા , જોયા , ખરીદ્યા.. તેમાં પાંચ મીનીટ ગાળી સ્વસ્થ થયો..

સ્વાતિએ બેસવા કહ્યું અને ચાનો આગ્રહ કર્યો..

એ સ્વાતિને જોતો રહ્યો.. સ્વાતિ પહેલાં કરતાં પણ વધુ સુંદર લાગતી હતી..

દિનકરે કહ્યું ” ભૂતકાળની વાત માટે સોરી.. પણ તમે અહીંયા..?”

સ્વાતિ બોલી ” હા , આ અમારી દુકાન છે.. દુકાનમાં બે માણસની જરુર પડે.. સસરા વૃધ્ધ થયા છે.. એટલે હવે ઘરે રહે છે.. હું રોજ બે ત્રણ કલાક આપું છું.. ને એ બહારના કામ પતાવી લે છે.. હું સુખી છું.. મારે નવ વર્ષની દિકરી અને છ વર્ષનો દિકરો છે..”

દિનકરે નિશ્વાસ નાખ્યો.. “ તમને નાતીલામાંથી મારી વાત તો મળી જ હશે.. એ પૈસાદારની દિકરી હતી.. ત્રણ વરસ ઠીક ચાલ્યું.. એક દિકરી થઈ.. પછી તેની આદતોથી તકલીફ પડવા માંડી.. કજીયો વધ્યો.. અમે છુટાછેડા લીધા.. દિકરી એ લઈ ગઈ.. મેં છુટા થવા ત્રણ લાખ આપ્યા.. અને હવે એકલો છું.. સમાજ મને લાલચુ માની અવગણે છે.. ને મને ઘરકંકાશની બીક લાગે છે.. એટલે કંઈ નવું કર્યું નથી.. મારી બદલી અહીં મામલતદાર કચેરીમાં થઈ છે..”

એટલામાં કેશવ આવ્યો.. સ્વાતિએ પતિને દિનકરની ઓળખાણ કરાવી..

કેશવે કહ્યું ” આ શહેરમાં આપણા ઘર ઓછાં છે.. આગલી વાતો ભૂલીને સંકોચ વગર મળવા આવતા રહેજો.. ને કંઈ કામકાજ હોય તો કહેજો..”

દિનકરને કેશવ સ્વાતિની ખેલદિલી બહુ ગમી.. ધીરે ધીરે એની સાથે મિત્રતા થઈ ગઈ.. અઠવાડિએ એકાદ બે વાર દુકાન પર અવશ્ય આવે જ..

એક દિવસ સ્વાતિએ કેશવને કહ્યું ” તમે કાકાની કમલા માટે દિનકરને વાત કરી જુઓને..”

કેશવ હસ્યો.. ” હા , એ સંબંધ થઈ તો શકે.. પણ એ તારું માનશે.. તું જ વાત કરને..”

કમલા કેશવના કાકાની દિકરી હતી.. ભણેલ ગણેલ અને સમજુ હતી , પણ પગે સામાન્ય ખોડ હતી.. એટલે ક્યાય ગોઠવાયું ન હતું.. અને કાકીના અવસાન પછી ઘરમાં ભાભી સાથે ચણભણ થયા કરતી..

સ્વાતિએ દિનકરને પ્રસ્તાવ મુક્યો..

દિનકરે કહ્યું ” સ્વાતિબેન.. મેં તમારી વાતમાં ના પાડીને એકવખત તો ભૂલ કરી.. હવે બીજી નથી કરવી.. તમે જે અમારું ભવિષ્ય વિચાર્યું હશે.. તે સારું અને સાચું જ હશે..”

દિનકર કમલાના લગ્ન થયા.. સ્વાતિના બાળકો દિનકરને મામા અને કમલાને ફઈ કહેતા..

– જયંતીલાલ ચૌહાણ ૩૦-૩-૨૧