માં વિનાના બાળકો માટે સિસ્ટર કેવી રીતે બની ગઈ માં, વાંચો “મુન્નીની મમ્મી” લઘુકથા.

0
595

શિક્ષક કેશવને ત્રણ વરસનો દિકરો હતો.. પત્ની બીજી સુવાવડમાં દિકરીને જન્મ આપીને ગુજરી ગઈ..

આફત તુટી પડી.. પણ પાડોશીઓની મદદ મળતી.. અને આયા રાખી લીધી.. રગડ-ધગડ મુન્ની ત્રણ માસની થઈ ગઈ. સગા સંબંધીઓએ ઘર-બાળકો સાંચવી લે.. તેવા પાત્રની તપાસ કરવા માંડી..

અવાર નવાર ઉપયોગી થનાર પાડોશીઓમાં ચંપા મુખ્ય હતી. તે દવાખાનામાં નર્સ હતી.. ચાલીસેક વર્ષની ઉમર.. લગ્ન કર્યા ન હોતા.. ને સાવ એકાકી હતી..

રજાનો દિવસ હતો.. આયા આવવાની ન હોતી.. કેશવે સવારના નાના મોટા કામ પતાવી લીધા હતા..

ત્યાં ચંપા આવી.. મુન્ના મુન્નીના હાલચાલ પુછ્યા.. બેઠી.. થોડીવારે બોલી..

“જુઓ.. હું સાવ સીધીને ચોખી વાત કરવા આવી છું.. હું તમારાથી દશ-બાર વરસ મોટી છું.. મને બાળક થાય તેમ ન હોવાથી લગ્ન કર્યા નથી.. પણ હવે એકલું લાગે છે.. જો તમારી ઈચ્છા હોય.. તો હું તૈયાર છું..”

તે આગળ બોલી..” મેં આખી રાત ઘણો વિચાર કર્યો.. આ બેયને મા મળી જશે.. મારું એકલપણું દુર થશે.. તમારી ચીંતાને જવાબદારી ઓછી થશે.. બે પગારથી આપણે આ ભાઈ-બેનને સારી રીતે ભણાવી ગણાવી શકશું…”

દરખાસ્ત અણધારી હતી.. એટલે થોડીવાર રહીને કેશવ બોલ્યો.. ”પણ હું તમને મોટા સમજું છું..સીસ્ટર કહું છું.. તમારો ખુબ આદર કરું છું.. ને તમને પત્ની બનાવવામાં મને સંકોચ થશે..”

“જુઓ.. પોતાના જીવનનો વિચાર ખુદ કરવો જોઈએ.. જો તમે લોકોની ટીકાથી ડરતા ન હો તો ..લગ્ન પછી પણ મને સીસ્ટર કહી શકો.. મને મોટી માનીને આદર આપી શકો.. એમાં ખોટું શું ગણાય..”

થોડીવાર છવાઈ ગયેલા મૌનને તોડતાં કેશવે કહ્યું..

“તો વિધિ ક્યારે ગોઠવશું..?“

“મા બનવામાં વિધિની શું જરુર.. તમે મુન્ની મારા ખોળામાં આપી દો.. એટલે હું એની મમ્મી.. કોઈને પુછશું તો ભાત ભાતની સલાહો મળશે..”

ચંપાએ સાડીનો પાલવ ખોળામાં પાથર્યો.. કેશવે સુતેલી મુન્નીને ખોળામાં મુકી દીધી..

હરખના આંસુ સાથે ચંપાએ તેને છાતીએ ચાંપી લીધી.. મુન્ની રડવા લાગી..

“ના બેટા.. આમ રડાય નહીં… આ તો મમ્મી તને વહાલ કરે છે..”

ચંપાએ પાછી ખોળામાં લઈ, થપથપાવી.. એ ફરી સુઈ ગઈ…

થોડીવારે.. કપડામાં ભીનાશ લાગતાં હસીને બોલી.. ”લ્યો.. મારી દિકરીએ ખોળો પવિત્ર કર્યો..”

તેણે કેશવને કહ્યું. “તમે જાવ.. પેંડા લઈ આવો.. ગલીમાં વહેંચવા પડે..” કેશવ જવા લાગ્યો.. ત્યાં ચંપાએ રોક્યો..

“ઉભા રહો.. મંદિરમાં કંકુ હશે.. મારી સેંથી પુરતા જાવ..”

કેશવને મજાક કરવાનું મન થયું.. કે ચંપા સીસ્ટર.. તમે તો પાંચ મીનીટમાં જ વર ઉપર હુકમ ચલાવવા મંડ્યા…

પણ ચંપાના મોં પર ભારોભાર ગંભીરતા જોઈ.. મુંગે મોંએ સેંથી પુરી.. કેશવ બજારમાં જવા નિકળ્યો..

– જયંતીલાલ ચૌહાણ 16-10-20