ખેતરના શેઢા પર બેસીને સોમો વિચારમાં પડી ગયો હતો. આકાશમાં વાદળાં તો ગોરંભાતાં હતાં. પણ, વરસતાં નહોતાં. બે વખત ખેડ કરેલી. બિયારણ પણ લાવી રાખેલું. જો વરસાદ ન વરસે તો વરસ નિષ્ફળ જાય.
ગયા વરસે અતિવૃષ્ટિ થયેલી. ત્રણ વખત વાવેલું નિષ્ફળ ગયેલું. ખર્ચાનો પાર રહેલો નહિ. એના પણ આગળના વરસે પાક તો થયેલો પણ ભાવ સાવ તળિયે બેસી ગયેલ કે જેથી બે છેડા ભેગા જ ન થઈ શકેલા.
ઘણી વખત તો એને દુનિયા છોડી દેવાનો વિચાર પણ આવી જતો.
આજે પણ સોમાનું મન ચકરાવે ચઢેલું.
એનો દીકરો કાન્તિ શહેરમાં પ્રાઈવેટ કંપનીમાં ઓછા પગારની નોકરી કરતો હતો. હજુ સુધી એનો સંબંધ થયો નહોતો. ઘણી દીકરીઓનાં માગાં તો આવતાં હતાં પણ દરેકની અપેક્ષા એક જ રહેતી : ” શહેરમાં મકાન જોઈએ !”
સોમાને થતું : ” આ ખેતીમાં હવે કંઈ કસ રહ્યો નથી. આમને આમ તો દીકરોયે વાંઢો રહી જશે.”
જમીન વેચી નાખવાનો એને વિચાર આવ્યો.
એના ગામનો રવજી બાજુના શહેરમાં સારી સરકારી નોકરી કરતો હતો. એ દર શનિ-રવિ એની ઘરડી માં ની ખબર લેવા ગામમાં આવતો. સોમો એને મળ્યો અને કહ્યું : ” મારી જમીન તમે ખરીદી લો તો………”
” ના, ભૈ સોમા ! રવજીએ પોતાની મ જબૂરી જણાવતાં કહ્યું : ” મારી માં એંસી વર્ષની છે અને બીમાર રહે છે. એની દવાનો ખર્ચો પણ ઘણો આવે છે. એટલે હું હમણાં બીજું રોકાણ કરી શકું તેમ નથી.”
” તોય જો બની શકે તો……”
“ના, સોમા ! મારી માં એ અમારા માટે શું નથી કર્યું? ઉંમર તો હવે થઈ છે એની ! આખું આયખું જેણે અમારા માટે વીતાવ્યું એના તરફની અમારીયે ફરજ હોય ને? બધે નફા- નુકસાન ન જોવાય, ભૈ ! લાગણીઓની પણ કિંમત કરવી પડે એટલે મારા માટે માં પહેલી. બીજું બધું પછી.”
એ રાતે સોમો ઉંઘી ન શક્યો. રવજીએ કહેલી વાત એના મનમાં ઘૂમરાતી રહી : ” મારા માટે માં પહેલી.”
સવારે એ ખેતરે ગયો. વચ્ચોવચ ઉભા રહી ચારે બાજુ નજર ફેરવી જોઈ. સાવ નાનો હતો ત્યારે દાદા એની આંગળી પકડી અહીં લાવતા. એ માટીમાં રમતો. બધું યાદ આવતું ગયું.
એણે ખેડેલી ધરતીની ધૂળને હાથમાં લીધી અને સ્વગત બોલ્યો : ” માં ! ”
– માણેકલાલ પટેલ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતીકાત્મક છે)