દીકરીના ઉજ્વળ ભવિષ્ય માટે એક પિતાએ જે કર્યું તે વાંચીને તમારી આંખો ભીની થઈ જશે.

0
402

મધુ અને મનુ ના લગ્ન પછી સામાજીક રીવાજ પ્રમાણે ત્રણેક દીવસ મધુ સાસરે રહી, તે પણ ગામડે સાસુ, સસરા નણંદ, જેઠાણી સાંથે હવે તે બીજીવાર સાસરે આવી, પણ આ વખતે શહેર માં રહેવાનું હતું, મનુને ફેક્ટરીમાં નોકરી હતી, અને રહેવાનું પણ ચાલીના ભાડાના મકાન માં એકલા સ્વતંત્ર.

આજે પહેલાજ દીવસે મધુએ સવારે ચા બનાવી અને પતિ મનુને જગાડ્યો, મનુ એ ચા પીને કહયું મને થોડી વધારે ગળી ચા ભાવે, બે હોઠ ચોટે એવી….. અને મધુએ સ્મિત સાંથે કહ્યું….. હવે એવીજ બનશે મધુર…. અને ત્યારથી મધુ મનુ ને મધુર સંબોધન થીજ બોલાવતી… અને વગર એફિડેવિટે મનુનું નામ મધુર થઇ ગયું…

બે વર્ષ ના લગ્નજીવન બાદ તેમને ત્યાં એક દીકરી જન્મી મધુ અને મધુરની દીકરી હનીશા… આડોશ પાડોશ ની સ્રીઓ મધુને સમજાવતી કે આ નાની દીકરીને કોઇપણ સાબુથી ન નહાવડાવાય, એને માટે જોનસન બેબી સોપ જ વાપરવો….અને છ ધોરણ પાસ મધુએ આ મહીનામાં લાવવાના કરીયાણાના લીસ્ટ માં સાબુનું નામ લખી દીધું…

આજે મધુર કરીયાણું ખરીદવા ગયો હતો, બધી વસ્તુઓ આવી ગયા પછી બીલ બન્યું, બીલ ચુકવવા માં ચાલીસ રુપીયા ખુટતા હતા, મધુરે દુકાનદાર ને કહ્યું એટલા રુપિયા ની કોઇ વસ્તુ કાઢીલો… દુકાનદારે બેબી સોપ જે 38 રુપીયા નો હતો તે કાઢી લીધો.. મધુરે પુછ્યું એ શું છે… દુકાન દારો કહ્યું આ નાના છોકરાં ને નાવા નો સાબુ .. મધુરે સાબુ પાછો મુકાવ્યો અને બે કીલો ખાંડની કોથળી બતાવી ને કહ્યું કે ખાંડ એક કીલો જ આપો..

મધુર ને રોજ રાત્રે ડાયરી લખવાનો શોખ હતો, તે આખા દીવસ ની મહત્વની ઘટના તેમાં લખતો… બીજા દીવસે મધુરે મધુને કહ્યું હવે મારા માટે ચા મોળી બનાવજે, મને ડૉક્ટરે ડાયાબીટીસ થવાની શક્યતા થી ખાંડ નો ઓછો ઉપયોગ કરવા જણાંવ્યું છે, મધુ એ કહ્યું બીલકુલ મોળી તમને ફાવસે.. અને મધુર નો જવાબ હતો એક તો મારું નામ મનુભાઇ મિઠાભાઇ ગોર અને તારું નામ મધુ.. દીકરી હનીશા. અરે દીવસ માં એકવાર પણ તારું નામ લઉ તો શાકર ના ચાર ગાંગળા મોમાં હોય તેવી મીઠાસ લાગે છે. અને મધુએ હસીને કહ્યું મધુર એટલેજ તને ડાયાબિટિસ હશે.

હનીશા હવે પહેલા ધોરણ માં ભણતી હતી, એકવાર મધુરે તેને પુછ્યું તું મોટી થઇને શું બનીશ ….અને કાલીઘેલી ભાષામાં તેણે કહ્યું ડૉક્ટર. … હવે પતી પત્ની એ હનીશાને ડૉક્ટર બનાવવા બીજુ સંતાન ન લાવવાનું નક્કી કર્યું, પોતાની તમામ મહેનત એની પાછડ લગાવી… આજે પચ્ચીસ વર્ષ ની હનીશા હાથમાં ડૉક્ટરની ડીગ્રી સાંથે ઘરમાં પ્રવેશે છે.. ડૉ હનીશા મધુર ગોર.. મધુ અને મનુ ની દીકરી..

પપ્પા મને એક મોટી હોસ્પિટલ માં જોબ મળી ગઇ છે, કાલે હાજર થઇશ, કાલે તમે અને મમ્મી આવજો, ત્યાં તમારું ફ્રી બોડી ચેકપ થઇ જશે. દીકરી ની હોસ્પીટલ અને કેબીન જોવાજ પતી પત્ની પહોચ્યા. કેબીન બહાર બોર્ડ હતું ડૉ હનીશા મધુર ગોર…આ વાંચી ને નીલ આર્મસ્ટ્રોન્ગ ને ચંન્દ્ર પર પગ મુકતાં જે ગર્વ થયેલો તેથી વીશેશ ગર્વ સાંથે પતિ પત્નીએ એ કેબીન માં પગ મુક્યો…..

હનીશા એ પપ્પા મધુર ના બોડી ચેકઅપ રીપોર્ટ ને જોયો… પપ્પા તમને તો સુગર છે જ નહી, અને મને સમજણ આવી ત્યાર થી આપ મોરી ચા પીવો છો… બેટા સુગર મોટા લોકો ને હોય, આપણ ને તો મિઠાશ હોય, તારા આ મશીનો સુગર માપી શકે મીઠાસ માપવા તો દીલ જોઇએ… મધુરે હશી ને જવાબ આપ્યો…

મમ્મી પપ્પા ના ગયા પછી ફરી હનીશા એ રીપોર્ટ જોઇ કાગળ પરથી નજર હટાવી, તેની કેબીન ની દીવાલ પર એક સ્ટીકર હતું .. તેમાં લખ્યું હતું.. ડાયાબીટીસ રોગ નથી ડીસઓડર છે નિયમીત ચેકઅપ કરાવો, તે વારસાગત થઇ શકે છે.

એક લેડી પ્યુને આવી ને પુછ્યું મેડમ ચા લેશો કે કોફી..

હનીશા એ કહ્યું ચા…..પછી સહેજ વિચારી ને બોલી…. બીલકુલ મોરી, ખાંડ વગર ની.

આય હાય બેન તમને સુગર છે, આટલી નાની ઉંમરે.…

ના મને સુગર નથી વારસાગત મીઠાસ છે.

પ્યુન કાંઇ સમજ્યા વીના ચાલી ગઇ…. હનીશા ને આજે ઉંઘ ન આવી, તેણે ઉઠી ને પપ્પા નું કબાટ ખોલ્યું, તેમાંથી પોતાના જન્મદિવસ ના વર્સની ડાયરી કાઢી. દીકરી હનીશા નો જન્મ, પછી ના ત્રણ ચાર દીવસ . અને એક પાના પર જોનસન બેબી શોપ ખરીદવા એક કિલો ખાંડ પાછી આપી, અને ખાંડનો કાયમી ત્યાગ કર્યો એ લખેલું હતું….

હનીશા ની આંખમાં આંસું હતા.. આંસુ નું એક ટીંપું જોનસન બેબી શોપ લખેલું ત્યાં પડ્યું. બીલકુલ જોનસન શબ્દ ના સન સબ્દ પર…શાહી પેન થી લખાયેલું તે વાક્ય ભુંસાયું…..હવે જોનસન બેબી શોપ ના બદલે જોન બેબી સોપ વંચાતું હતું, સન શબ્દ ગાયબ હતો…

જે ડાયરી ના પાને પાને મધુર, મધુ અને હનીશા ધબકતાં હોય ત્યાં સન હોય કે ન હોય શું ફર્ક પડે છે.

– અજ્ઞાત

સાભાર અનિલ પઢીયાર (અમર કથાઓ ગ્રુપ)