બાંકે બિહારી મંદિરમાં વારંવાર પડદો શા માટે કરવામાં આવે છે? ઘણી રોચક છે તેની પાછળની કથા.

0
308

શા માટે બાંકે બિહારી મંદિરમાં ભગવાનના સતત દર્શન નથી થતા, જાણો આ પ્રથા ક્યારથી અને શા માટે શરુ થઈ.

વૃંદાવનનું બાંકે બિહારી મંદિર ઐતિહાસિક અને ચમત્કારોથી ભરેલું છે. અહીં ભગવાન કૃષ્ણની મૂર્તિની સામે વારંવાર પડદો લગાવવામાં આવે છે. ભગવાન કૃષ્ણની લીલાઓથી ઓતપ્રોત મથુરાના વૃંદાવનમાં સ્થિત આ મંદિરમાં હજારો ભક્તો આવે છે. વૃંદાવનના દરેક કણમાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ હોવાનું માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણએ વૃંદાવનની ગલીઓમાં લીલાઓ કરી હતી. ચાલો જાણીએ કે બાંકે બિહારી મંદિરનો ઈતિહાસ શું છે અને બાંકે બિહારીજી કેવી રીતે પ્રગટ થયા અને તેમની મૂર્તિની સામે વારંવાર પડદો કેમ લગાવવામાં આવે છે?

બાંકે બિહારીની મૂર્તિ :

પૌરાણિક માન્યતાઓ અનુસાર, સ્વામી હરિદાસ ભગવાન શ્રી કૃષ્ણના પ્રખર ભક્ત હતા. તેઓ હંમેશા નિધિવનમાં ભગવાન કૃષ્ણની પ્રેમથી પૂજા કરતા હતા. તેમના હૃદયમાં ભગવાન શ્રીકૃષ્ણનો વાસ હતો. સ્વામી હરિદાસની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણે તેમને દર્શન આપ્યા અને નિધિવનમાં કાળા રંગની પથ્થરની મૂર્તિના રૂપમાં પ્રગટ થયા. કેટલાક દિવસો સુધી સ્વામી હરિદાસે નિધિવનમાં જ બાંકે બિહારીની પૂજા કરી.

તે પછી, તેમના પરિવારના સભ્યોની મદદથી તેમણે બાંકે બિહારી મંદિરનું નિર્માણ કરાવ્યું. એવી માન્યતા છે કે જે ભક્ત બાંકે બિહારીના દર્શન કરે છે તે તેમના બની જાય છે. ભગવાનના દર્શન અને પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થાય છે.

બાંકે બિહારીના ચરણોના દર્શન :

આ મંદિરમાં બાંકે બિહારીજીની કાળા રંગની પ્રતિમા છે. એવું માનવામાં આવે છે કે આ પ્રતિમામાં સાક્ષાત શ્રી કૃષ્ણ અને રાધા બિરાજમાન છે. તેથી જ તેમના દર્શન કરવાથી તમને રાધા-કૃષ્ણના દર્શનનું ફળ મળે છે. દર વર્ષે માગશર મહિનાની પાંચમ તિથિએ બાંકે બિહારી મંદિરમાં બિહારીજીનો પ્રાગટોત્સવ ઉજવવામાં આવે છે. વૈશાખ મહિનાની ત્રીજ તિથિ કે જેને અક્ષય તૃતીયા / અખાત્રીજ કહેવામાં આવે છે, આખા વર્ષમાં આ દિવસે જ બાંકે બિહારીજીના ચરણોના દર્શન થાય છે. આ દિવસે ભગવાનના ચરણોના દર્શન કરવા ખૂબ જ શુભ અને ફળદાયી હોય છે.

વારંવાર પડદો લગાવવાની પ્રથા :

જો તમે બાંકે બિહારીના મંદિરમાં ગયા હોવ તો તમે જોયું જ હશે કે ભગવાનની મૂર્તિની સામે વારંવાર પડદો લગાવવામાં આવે છે. અર્થાત્ તેમના દર્શન નિરંતર નહિ પણ ટુકડે ટુકડે કરાવવામાં આવે છે. એક કથા અનુસાર, 400 વર્ષ પહેલા સુધી, બાંકે બિહારીના મંદિરમાં મૂર્તિની સામે પડદો લગાવવાની કોઈ પ્રથા નહોતી. ભક્તો જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી મંદિરમાં રહી ઠાકોરજીના દર્શન કરી શકતા હતા .

એકવાર એક ભક્ત બાંકે બિહારીના દર્શન કરવા માટે શ્રીધામ વૃંદાવનમાં આવ્યો. પછી તે ભગવાન બાંકે બિહારીજીની મૂર્તિને સતત જોવા લાગ્યો. તે દરમિયાન, ભગવાન તે ભક્તના પ્રેમમાં વશ થઈને ભક્તની સાથે જતા રહ્યા. જ્યારે પૂજારીએ મંદિરમાં જોયું કે ભગવાન કૃષ્ણની મૂર્તિ નથી, ત્યારે તેમણે ભગવાનને ઘણી વિનંતી કરી અને તેમને મંદિરમાં પાછા આવવા માટે કહ્યું. અને ત્યારથી દર 2 મિનિટના અંતરે ઠાકોરજીની સામે પડદો લગાવવાની પરંપરા શરૂ થઈ.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.