એક મિત્રએ બીજા મિત્રને થપ્પડ મારી તો તેણે એ વાત રેતી પર લખી, તેની પાછળનું કારણ સમજવા જેવું છે. 

0
634

આપણી આસપાસ એવા ઘણા લોકો હોય છે જે ખૂબ જ ખાસ હોય છે. તેઓ આપણા મિત્રો પણ હોઈ શકે છે અને સંબંધીઓ પણ હોઈ શકે છે. કેટલીકવાર નાની-નાની બાબતોને લઈને આપણે તેમની સાથે ઝઘડો કરી દઈએ છીએ. ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આ એ જ લોકો છે જેમણે ખરાબ સમયમાં આપણને સાથ આપ્યો હતો.

આપણી આસપાસ એવા ઘણા લોકો છે જેઓ ક્યારેક આપણી સાથે ખરાબ વર્તન કરે છે તો ક્યારેક મુશ્કેલીમાં સાથ આપવા તૈયાર હોય છે. આવા લોકોની નાની નાની ભૂલો માફ કરવી જોઈએ. આજે અમે તમને એવી જ એક ઘટના જણાવી રહ્યા છીએ, જેનો સાર એ છે કે જે વ્યક્તિએ ખરાબ સમયમાં આપણું સમર્થન કર્યું છે તેને ક્યારેય ભૂલવા ન જોઈએ.

મિત્રો વચ્ચે થયો ઝઘડો :

એકવાર બે મિત્રો રણમાં સાથે જઈ રહ્યા હતા. રસ્તામાં બંને વચ્ચે ઝઘડો થયો. મામલો એટલો વધી ગયો કે એક મિત્રએ બીજાના ગાલ પર થપ્પડ મારી દીધી.

થપ્પડ ખાનાર મિત્રને ખૂબ દુ:ખ થયું પણ તે કશું બોલ્યો નહિ, તેણે માત્ર વાંકા વળીને ત્યાં પડેલી રેતી પર લખ્યું. “આજે મારા શ્રેષ્ઠ મિત્રએ મને થપ્પડ મારી.”

બંને મિત્રો આગળ ચાલતા રહ્યા અને તેમને પાણીનું નાનું તળાવ જોયું અને બંનેએ પાણીમાં ઉતરીને નહાવાનું નક્કી કર્યું. થપ્પડ ખાનાર મિત્ર દલદલમાં ફસાઈ ગયો અને ડૂબવા લાગ્યો, પરંતુ બીજા મિત્રએ તેને બચાવી લીધો. જ્યારે તે બચી ગયો, ત્યારે તેણે બહાર આવીને એક પથ્થર પર લખ્યું.
“આજે મારા શ્રેષ્ઠ મિત્રએ મારો જીવ બચાવ્યો.”

જે મિત્રએ તેને થપ્પડ મારી હતી અને પછી તેનો જીવ બચાવ્યો હતો, તે લાંબા સમય સુધી વિચારમાં પડ્યો રહ્યો અને જ્યારે તેનાથી રહેવાયું નહિ ત્યારે તેણે પૂછ્યું, “જ્યારે મેં તને થપ્પડ મારી ત્યારે તેં એ વાત રેતી પર લખી અને જ્યારે મેં તારો જીવ બચાવ્યો ત્યારે તેં એ વાત પથ્થર પર લખી, આવું કેમ?”

આના પર બીજા મિત્રએ જવાબ આપ્યો “જ્યારે કોઈ આપણા હૃદયને દુઃખ પહોંચાડે છે, ત્યારે આપણે તે અનુભવ વિશે રેતી પર લખવું જોઈએ, કારણ કે તે વસ્તુ ભૂલી જવી સારી છે. ક્ષમાનો પવન તેને જલ્દી ભૂંસી નાખશે. પણ જ્યારે કોઈ આપણું સારું કરે છે, આપણી પર ઉપકાર કરે છે, તો આપણે તે અનુભવને પથ્થર પર લખવો જોઈએ જેથી કોઈ તેને જલ્દીથી ભૂંસી ન શકે.”

બંને મિત્રો એક બીજાને ભેટી પડ્યા અને જૂની વાતો ભૂલીને આગળ ચાલવા લાગ્યા.

આ સ્ટોરીનો નિષ્કર્ષ એ છે કે, જ્યારે કોઈ આપણી સાથે ખરાબ વર્તન કરે તો તેને માફ કરી દેવા જોઈએ અને તે ઘટનાને ભૂલી જવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ખરાબ સમયમાં આપણો સાથ આપનાર વ્યક્તિને કોઈપણ પરિસ્થિતિમાં ભૂલવા ન જોઈએ. સમય આવે ત્યારે આપણે પણ તેનો સાથ આપવો જોઈએ.