આજકાલ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા સામાન્ય વાત છે. પણ કેટલીકવાર આ વિવાદો મોટા પ્રમાણમાં વધી જાય છે. જો કે, આ વિવાદો પાછળના કારણો ખૂબ જ નાના હોય છે. પતિ-પત્ની વચ્ચેના સુખી અને શાંતિપૂર્ણ સંબંધો માટે જરૂરી છે કે, આપણે આપણા ઈગો એટલે કે અહંકારને આગળ ન આવવા દઈએ અને વ્યક્તિગત જવાબદારીને ધ્યાનમાં રાખીએ.
પતિ-પત્ની કોઈ પણ ભૂલ માટે એકબીજા પર દોષારોપણ કરે તો બંનેને નુકસાન થાય છે અને સંબંધોમાં પણ ખટાશ આવે છે. પરિવારમાં અન્યની જીત પણ તેમની પોતાની જીત છે. જો તમે દલીલ કરીને બીજા સભ્યને નીચે ઉતારો તો હાર તેની નહીં પણ તમારી છે. આજે આ અમે તમને એક એવી ઘટના જણાવવા જઈ રહ્યા છીએ, જે સમજાવે છે કે પતિ-પત્ની વચ્ચે સુમેળ જાળવવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ.
ઝઘડાખોર પતિ-પત્ની આ રીતે પોતાની ભૂલ સમજી ગયા :
એક શહેરમાં બે પરિવારો નજીકમાં જ રહેતા હતા. બંને પરિવારમાં સભ્યોના નામે માત્ર પતિ-પત્ની જ રહેતા હતા. આમાંથી એક પરિવાર મોટે ભાગે ઝઘડા જ કરતો હતો, તેમની આ હરકતોથી આસપાસના લોકો પણ પરેશાન રહેતા હતા. જ્યારે અન્ય પરિવાર શાંતિથી રહેતો હતો. તેમના ઘરમાંથી ક્યારેય કોઈ પ્રકારનો ઝગડવાનો અવાજ આવતો નહોતો.
એક દિવસ ઝઘડાખોર પરિવારની પત્નીએ તેના પતિને કહ્યું, “પતિ-પત્ની તો આપણા પડોશમાં પણ રહે છે, તેઓ કેટલા શાંત છે, તેમના ઘરમાંથી કોઈ દિવસ ઝઘડાનો અવાજ નથી આવતો. તમે જાઓ અને જુઓ કે તેઓ આટલું સારું જીવન જીવવા માટે શું કરે છે.” પછી પતિ ત્યાં ગયો અને સંતાઈને જોવા લાગ્યો.
તે ઘરમાં જે પત્ની હતી તે હૉલમાં પોતું કરી રહી હતી. એવામાં રસોડામાંથી કોઈ અવાજ આવ્યો એટલે તે રસોડામાં ચાલી ગઈ. તે સમયે તેનો પતિ પોતાના રૂમમાંથી બહાર આવ્યો ત્યારે તેની ઠોકર વાગવાને કારણે પાણી ભરેલી ડોલ માંથી બધુ જ પાણી ભોંયતળિયે ઢળી ગયું ને હોલમાં પાણી પાણી થઈ ગયું.
પત્ની રસોડામાંથી આવી અને જોયું કે આખા ભોંયતળિયે માત્ર પાણી જ પાણી છે. તેણે તેના પતિને કહ્યું, “આ મારી ભૂલ છે કે મેં રસ્તામાંથી ડોલ સાઈડ ઉપર ના મૂકી.”
પતિએ જવાબ આપ્યો, “ના, આ મારી ભૂલ છે, કારણ કે મેં ધ્યાનથી જોયું ન હતું અને ભૂલથી મારો પગ ડોલ સાથે અથડાઈ ગયો.”
બંને પતિ-પત્નીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને પોતાના કામમાં લાગી ગયા. ઝઘડાખોર પરિવારના પતિએ આ બધું જોયું અને જઈને બધી વાત તેની પત્નીને જણાવી.
ઝઘડાળુ પતિ-પત્ની થોડીવાર ચૂપ રહ્યા અને પછી પતિએ કહ્યું, “તેમનામાં અને આપણામાં ફરક એટલો જ છે કે આપણે ભૂલ માટે એકબીજાને દોષ આપીએ છીએ, જ્યારે તેઓ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર હોય છે. આ કારણે તેમનો પરિવાર ખુશ છે.
ઝઘડાખોર પતિ-પત્નીને તેમની ભૂલનો અનુભવ થયો અને તેઓએ આ ઘટનામાંથી ભવિષ્ય માટેનો બોધ પણ શીખ્યો.
આ સ્ટોરીનો નિષ્કર્ષ એ છે કે, પતિ અને પત્ની ગાડીના બે પૈડા જેવા છે. જો એકમાં પણ કોઈ સમસ્યા હોય તો ગાડી યોગ્ય રીતે ન ચાલી શકે. ગૃહસ્થ જીવનની ગાડી પરસ્પર સંવાદિતા પર ટકે છે. જો તેનામાં થોડો પણ અહંકાર હોય, તો તેને ચલાવવું ઘણું મુશ્કેલ બની જાય છે.