કમાન્ડો :
કાંટાળા તારની મજબૂત વાડની અંદર જ્હોન પોતાનું હથી યાર સજ્જ રાખીને ઉભો હતો.. બહાર સ્ત્રીઓ , પુરુષો… બાળકો અને સામાન સાથે દોડાદોડી કરતા , કાબુલ હવાઈ મથકની અંદર ઘુસવા મથતા હતા.. બહાર વારંવાર અંધાધુંધ ગોરી બાર થતો હતો.. ચીચીયારી થતી હતી.. પણ એ પત્થરની જેમ કંઈ અસર વગર પોતાની ફરજ પર હતો.
અચાનક ભીડને ચીરતી એક ઉંચી સ્ત્રી દોડી આવી. એના હાથમાં દોઢેક વરસની બાળકી હતી. એ કંઈક ચીસો નાખતી હતી. જ્હોનને એની ભાષા સમજાતી ન હોતી. પણ બ્રધર, બીરાદર, હેલ્પ , સેવ.. એ શબ્દો વારંવાર આવતા હતા.
એ કદાવર સ્ત્રીએ પુરી તાકાતથી બાળકીને જ્હોન તરફ હવામાં ઉછાળી. ચીત્તા જેવો ચપળ કમાન્ડો જ્હોન સાવધ થયો. બાળકીને ઝીલી લીધી. એને કાંઈ સમજાય. તે પહેલાં પેલી સ્ત્રી ભીડમાં અદૃષ્ય થઈ ગઈ.
‘કંઈક થયું છે.’ એમ જોઈ બીજા રક્ષકો સાવચેત થઈ ગયા. કમાન્ડર પણ દોડી આવ્યો. બાળકી રડતી હતી. કમાન્ડરે એને કેમ્પમાં લઈ જવા આદેશ કર્યો.

જ્હોન દુધ બીસ્કીટ લાવ્યો. બાળકી સામે મુક્યા. હજી એ રડતી જ હતી. જ્હોને બીસ્કીટનો ટુકડો દુધમાં પલાળી એના મોં સામે ધર્યો. એણે રોતાં રોતાં જ મોં ખોલ્યું. એક કોળિયો અંદર ગયો. રોવાનું બંધ થયું. ડુસકાં ચાલુ હતાં. એક પછી એક કોળિયા ગળે ઉતરતા હતા. બાળકીની નજર જ્હોનના ચહેરા પર ચોંટી ગઈ હતી. બાળકીએ આડો હાથ કર્યો. જ્હોનને સમજાયું કે એ ધરાઈ ગઈ છે.
બાળકીએ જ્હોનના ચહેરા તરફ હાથ લંબાવ્યો. જ્હોન જરા ઝુક્યો. એ ફુલ જેવો હાથ દાઢીના કાંટા જેવા વાળ પર ફરવા લાગ્યો. બાળકી હસી. જ્હોન પણ હસ્યો.
બીજે દિવસે જ્હોનને કમાન્ડરે બોલાવ્યો. બાળકીવાળી ઘટનાની વિગત પુછીને નોંધ ટપકાવી લીધી. પછી કહ્યું કે.. ”આજની ઉડાનમાં બાળકીને લંડનના શરણાર્થી કેમ્પમાં મોકલી દેવામાં આવશે.”
જ્હોન બોલ્યો.. “સર, એક વિનંતી છે.”
“હાં.. બોલો..”
“મેં મારી ગર્લફ્રેન્ડ સાથે વાત કરી લીધી. અમે લગ્ન કરીને આ બાળકીને દત્તક લેવા ઈચ્છીએ છીએ. આ છે એના નામ , સરનામું ને નંબર. એ બાળકીને લઈ લેશે. આપ એને સોંપવાની વ્યવસ્થા કરશો?” એમ કહી કાગળની ચબરખી આપી.
કમાન્ડર ઉભો થયો. સાવધાન મુદ્રામાં આવી સલામ કરી. જ્હોને પણ તેમ કર્યું.
“જ્હોન.. ધીસ સેલ્યુટ ઈઝ નોટ ફોર યુ. બટ ફોર હ્યુમેનીટી ઈન એ કમાન્ડો ઓફ માય ટ્રુપ..” (આ સલામ તારા માટે નથી. પણ મારી ટુકડીના એક કમાન્ડોની માનવતાને છે.)
– જયંતીલાલ ચૌહાણ ૨૧-૮-૨૧
સત્ય ઘટના આધારિત. (પ્રિવ્યૂ ફોટો પ્રતીકાત્મક)