એક મહાત્માએ તાવીજ આપીને નિરાશ યુવકને સફળતા અપાવી, એક મહત્વની શીખ આપી જાય છે આ સ્ટોરી. વાંચવાનું ચૂકશો નહીં.
એક ગામમાં શ્યામ નામનો યુવક રહેતો હતો. તે ખૂબ જ મહેનતુ હતો, પરંતુ તેના મનમાં હંમેશા શંકા રહેતી કે તે તેના કાર્યક્ષેત્રમાં તે સફળ થશે કે નહીં! કેટલીકવાર આ ચિંતાને લીધે તે આવેશમાં આવી જતો અને બીજા પર ગુસ્સે પણ થઈ જતો.
એક દિવસ એક પ્રખ્યાત મહાત્માજી તેના ગામમાં આવ્યા. સમાચાર મળતાં જ શ્યામ મહાત્માજીને મળવા ગયો અને કહ્યું, મહાત્માજી, હું સખત મહેનત કરું છું, હું સફળતા મેળવવા માટે તમામ પ્રયત્નો કરું છું; પરંતુ તેમ છતાં મને સફળતા મળતી નથી. મહેરબાની કરીને તમે જ કોઈ ઉપાય સૂચવો.
મહાત્માજીએ હસતાં હસતાં કહ્યું – દીકરા, તારી સમસ્યાનું સમાધાન આ ચમત્કારી તાવીજમાં છે, મેં તેની અંદર કેટલાક મંત્રો લખ્યા છે, જે તારા તમામ અવરોધો દૂર કરશે. પરંતુ તેને સિદ્ધ કરવા માટે તારે એકલાએ સ્મશાનમાં એક રાત પસાર કરવી પડશે.
સ્મશાનનું નામ સાંભળતા જ શ્યામનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. પણ હું આખી રાત એકલો કેવી રીતે રહીશ… શ્યામે ધ્રૂજતા ધ્રૂજતા કહ્યું.
ચિંતા કરીશ નહીં આ કોઈ મામૂલી તાવીજ નથી, આ તને દરેક સંકટથી બચાવશે. મહાત્માજીએ સમજાવ્યું.
પછી શ્યામે આખી રાત સ્મશાનમાં પસાર કરી અને સવારે મહાત્માજી પાસે ગયો અને કહ્યું, હે મહાત્મન! તમે મહાન છો, ખરેખર આ તાવીજ દિવ્ય છે, નહીંતર મારા જેવો કાયર વ્યક્તિ તો સ્મશાનમાં રહેવાનું તો દૂર, તેની પાસે પણ ન જઈ શકે. હવે હું ચોક્કસ પણે સફળતા મેળવી શકીશ.
આ ઘટના પછી શ્યામ સાવ બદલાઈ ગયો હતો, હવે તે જે પણ કરતો તેમાં તેને વિશ્વાસ હતો કે તાવીજની શક્તિને કારણે તે તેમાં સફળ થશે. અને ધીમે ધીમે એવું જ થયું. તેની ગણતરી ગામના સૌથી સફળ લોકોમાં થવા લાગી.
આ ઘટનાના લગભગ 1 વર્ષ પછી એ જ મહાત્મા ફરી તેના ગામમાં આવ્યા. શ્યામ તરત જ તેમને મળવા ગયો અને તેમણે આપેલા ચમત્કારિક તાવીજની પ્રશંસા કરવા લાગ્યો. ત્યારે મહાત્માજીએ કહ્યું – દીકરા! તારા તાવીજને બહાર કાઢ અને મને આપ. મહાત્માએ તાવીજ પોતાના હાથમાં લીધું અને તેને ખોલ્યું.

તેને ખોલતાં જ શ્યામ ચોંકી ગયો. કારણ કે તાવીજની અંદર કોઈ મંત્ર લખાયેલો ન હતો. તે માત્ર ધાતુનો ટુકડો હતો. શ્યામ બોલ્યો, મહાત્માજી આ શું છે, આ તો સામાન્ય તાવીજ છે, તો પછી આણે મને સફળતા કેવી રીતે અપાવી?
મહાત્માજીએ સમજાવતા કહ્યું – તેં સાચું કહ્યું, તને સફળતા આ તાવીજે નહીં પણ તારા વિશ્વાસની શક્તિએ અપાવી છે. દીકરા, આપણને મનુષ્યોને ભગવાને એક વિશેષ શક્તિ સાથે અહીં મોકલ્યા છે. તે છે વિશ્વાસ. તું તારા કાર્યક્ષેત્રમાં એટલા માટે સફળ થઈ શકતો ન હતો, કારણ કે તને તારા પોતાનામાં વિશ્વાસ નહોતો. પરંતુ જ્યારે આ તાવીજને કારણે તારામાં વિશ્વાસ ઉત્પન્ન થયો, ત્યારે તું સફળ થતો ગયો.
મહાત્માજીએ આગળ કહ્યું કે, કોઈપણ તાવીજમાં વિશ્વાસ કરવાને બદલે તારા કર્મ, તારી વિચારસરણી અને તારા નિર્ણય પર વિશ્વાસ કરતા શીખ.
શ્યામ મહાત્માજીની વાત ગંભીરતાથી સાંભળી રહ્યો હતો અને તેને આજે એક મોટો બોધપાઠ મળ્યો કે તેણે કોઈપણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો તેના પ્રયત્નોમાં વિશ્વાસ રાખવો પડશે. જો તે પોતાની જાત પર વિશ્વાસ રાખશે તો તેની સફળતાની ટકાવારી હંમેશા વધશે.
મિત્રો, સફળતાનો સીધો સંબંધ તમારી આંતરિક વિશ્વાસ સાથે છે. જો તમે તમારામાં વિશ્વાસ કરો છો, તો તમારે તમારા હાથ પર વિવિધ પથ્થરો, તાવીજ કે વીંટી પહેરવાની જરૂર નથી. ફક્ત તમારા મનમાં વિશ્વાસ હોવો જરૂરી છે કે તમે તે કરી શકો છો, તમે સફળ થઈ શકો છો અને પછી તમે ચોક્કસ સફળ થશો.