‘ફુલકાં’ : બાળપણના પાડોશીઓની આ રસપ્રદ સ્ટોરી વાંચવાની તમને મજા પડશે.

0
349

” લ્યો.. ઠંડા પાણીના માટલા… ” એવો અવાજ સાંભળીને પત્ની બહાર ગઈ.. ઘણીવાર લાગી , એટલે જગદીશને થયું કે.. ‘રશ્મિ ભાવતાલમાં લપ કરતી હશે.. જોઉં તો ખરો..’

છાપું મુકી એ પણ બહાર આવ્યો.. એક સ્ત્રી માટલાની લારી ભરીને આવી છે.. એનું મોં જોતાં જ ઓળખી ગયો.. પુછ્યું.. ” વનીતા કે નહીં..?”

પેલી સ્ત્રી પણ ઓળખી ગઈ..” તમે.. તું .. જગદીશ.. ને..?”

બન્ને બચપણની યાદોમાં ખોવાઈ ગયા..

વનીતા નાથા કુંભારની દિકરી.. જગદીશના બાપુજી દેવજી સુતાર.. સાવ અડોઅડ ઘર.. બેય સરખી ઉમરના .. સાથે જ રમતા..

ગામની બધી છોકરીઓ ફરાક પહેરતી.. એકલી વનીતા જ ઘાઘરી પોલકું પહેરતી.. જગદીશ એને ‘વનકી ઘાઘરી’ કહીને ખીજવતો.. તો વનીતા એને ‘જગલો ચડી’ કહેતી..

જગલાને વારતા કહેવાનું સારું આવડે.. અને થોડી થોડી વારે વચ્ચે ‘પછી છે ને..’ એમ બોલ્યા કરે..

વનકી કોડીની ચતબઠની રમતમાં ઉસ્તાદ.. જગલો બધી કોડી હારી જાય, એટલે છેલ્લે વનકી થોડીક કોડી પાછી આપી દે..

જગલાને વનકી સાથે જ રમવું ગમે.. એકવાર બાએ ઠપકો પણ આપ્યો.. ” તું મોટો થયો.. હવે છોકરી ભેગું ના રમાય..”

એકવાર બેય બાઝી પડ્યા હતા..

જગલાએ ચની બોલીમાં ચીડવી.. ” ચતું ચકુ ચત ચરી..” ૧

વનકીએ ફલની બોલીમાં જવાબ વાળ્યો.. ” ફલતું ફલમીં ફલદ ફલડો.. ” ૨

વનીતાએ સાતમું પુરું કર્યું, ત્યારે સગાઈ થઈ ગઈ.. ભણવાનું છોડી દીધું.. રમવા બહાર નિકળવાનું બંદ થયું.. એ આખો દિવસ ઘરકામ, માટીકામમાં વળગી રહેતી.. બે વરસ પછી લગ્ન થઈ ગયા..

જગદીશ ભણીને શહેરમાં નોકરીએ ચડ્યો..

વચ્ચે પંદરેક વરસ વિતી ગયાં હતાં..

જગદીશે પત્નીને ઓળખાણ કરાવી.. ” આપણા બાજુના ઘરવાળા નાથાકાકા કુંભારની દિકરી, આ વનીતા.. તેં એને જોઈ ના હોય.. અમે ખુબ કોડીએ રમતા..”

ભાવતાલ અટકી પડ્યો.. વનીતાએ કંઈ દીધા વગર માટલું રાખી લેવા આગ્રહ કર્યો..

રશ્મિએ ભાવની બોલી કરતાં વીસ રુપિયા વધારે, પરાણે આપ્યા..

” આ તો તમારા ભાઈનું ઘર કહેવાય.. સાડલો તો દેવો પડે ને..? “

જગદીશે વનીતાને ઘરમાં આવવા કહ્યું..

રશ્મિ ચા બનાવી લાવી..

જતાં જતાં વનીતા લારીમાંથી બે તાવડી લઈ આવી..

” લ્યો ભાભી.. આમાં રોટલી સારી ઉપસશે.. મારા ભાઈ અને છોકરાંવને ફુલકાં કરીને ખવડાવજો..”

– જયંતીલાલ ચૌહાણ ૧૫-૫-૨૧

૧ – તું કુતરી , ૨ – તું મીંદડો