ગપ્પા મારવા બેસેલા બે મિત્રોની વાતો સાંભળી તમે પેટ પકડીને હસશો, વાંચો જોરદાર ફની સ્ટોરી.

0
602

થોડું હસી લઈએ :

રગો અને બગો… બન્ને મિત્રો અમાસની અજવાળી રાતે, પહેલા પોરે વાતે ચડ્યા…. વાતમાં એ શરત કે હોંકારો ધરવો પણ ના પાડવી નઈ.

રગો – સાંભળ બગા, એક સાવ સાચ્ચી વાત કરુ તને! મારા પરદાદાના પરદાદા અવ સાન પામ્યા ત્યારે એમનું જલસાબંધ બારમું કરેલું. બારમામાં શીરો બનાવેલો. કેટલો શીરો ખબર છે?

નાત જમી, ગામ જમ્યું, આજુબાજુનાં ગામ જમ્યાં, જેને ઘેર લઈ જવો હોય એને છુટ હતી એટલે ઘણા લોકો ઘેર પણ લઇ ગયા તોય શીરો વધ્યો. પછી તો પશું પંખીને ખવડાવ્યો તોય શીરો વધ્યો. હવે! ગામમાં રસ્તા બનાવ્યા શીરાના, લોકોએ ભીંતો પર લીંપણ કર્યું તોય શીરો વધ્યો. પછી તો નાખ્યો ઉકરડે ને ખબર છે! એનું ખાતર સો વરસ સુધી આખા ગામના ખેડૂતોને ચાલ્યું. બોલ કેવું બારમું કહેવાય? કેટલા સુખી હશે એ વખતે અમારા પરદાદાના પરદાદા?

બગો – સાવ સાચું રગા હો… હવે મારો વારો છે બગા. તું ધ્યાનથી સાંભળ. હું પણ સાવ સાચ્ચી વાત કહું તને.

મારા પરદાદાના પરદાદા બહું સુખી હો. એટલી બધી એમની પાસે ભેંસો કે ગણી ગણાય નહિ ને વીણી વીણાય નહિ. ઘાસચારા માટે અને ભેંસોના તબેલા માટે દશહજાર વિઘા જંગલ ભાડે રાખેલું. ભેંસોને દોહવા માટે મોટું તળાવ ખોદાવીને પ્લાસ્ટર કરાવેલું. હજાર જણ તો દોહનાર મજૂર. વારાફરતી ભેંસોને તળાવની પાળે લાવીને દોહવાની.

વીસ પચ્ચીસ ગોળા છાશ આથણા માટે રેડાય ત્યારે તો દહીં થાય. દહીંથી આખું તળાવ ઉભરાય. મોટાં મોટાં પચાસ સુકાં ઝાડના રવાયા બનાવેલા. હજાર માણસો નેંતરાં ખેંચવા માટે રાખેલા. માખણ કાઢવા માટે તો સો તરવૈયા રાખેલા એ તળાવમાં પડીને બાથે બાથે માખણને બહાર કાઢે. પછી તો હજારો ઘીના ઘડા ભરાય!

રગા ખબર છે તને? એ ઘી મારા પરદાદાના પરદાદાએ તારા પરદાદાના પરદાદાના બારમામાં સબંધ સાચવવા માટે શીરો કરવા માટે મફતમાં આપ્યું હતું.

– નટવરભાઈ રાવળદેવ થરા (અમર કથાઓ ગ્રુપ)

આ આર્ટીકલને ફેસબુક પર શેર કરવાનું ભૂલતા નહિ.