ગામની ડોસીઓની “સાત ભવ” ની આ સ્ટોરી ઘણી રસપ્રદ છે, ઘણાને તો આવો અનુભવ થઈ ચુક્યો હશે.

0
876

સાત ભવ?

એક સરસ મજાનું ભક્તિ ભાવ વાળું ગામ હતું, આમતો ખેતીપ્રધાન ગામ હતું. રોજ લોકો સવારે પોતાનો નિત્યક્રમ પતાવી વાડીએ જાય, પુરુષ વર્ગ ખેતરમાં પૉણત કરે, એરંડા, કપાસ વિણવા નું કામ કરે ને બૈરાં ઢોરઢાંખર સંભાળે. દૂધ દોહીને ઘરે જાય વધારાનું દૂધ ડેરીમાં ભરાવે એટલે મહિલા વર્ગ પાસે અંગત રકમ ખરી, જરૂર પડે પાંચ પચ્ચીસ ખર્ચવાની ક્ષમતાય ખરી…!

રાત્રે વાળું ઍઠવાડ પોતું પતાવી ખાટલા પાથરીને બૈરાં મહોલ્લાના ચોકમાં બેસી ભજન ધૂન જેવું કરેને વચ્ચે થોડોક નિંદા રસ પણ માણીલે, જ્યારે પુરુષ વર્ગ સાંજે પરવારીને ગામના ગોદરે મોડી રાતસુધી બેસી ગપ્પાં મારીને દિવસભરનો થાક ઉતારે… આમ નિત્યક્રમ ચાલે..!

આમ એક દિવસ મહિલા મંડળમાં પોતાના મનખા જીવ ઉપર બળતરાનો વિષય નિકળ્યો….!! એમાં સાઈઠે પહોંચેલા કંકુમાએ બળતરા કાઢી જોકે બધાં ય બેઠક વાળા કંકુમાની ઉંમરની આસપાસના જ હતાં, જવાન બૈરાંની બેઠક અળગી રહેતી… કંકુમાએ બળાપો કાઢ્યો.. ” બળ્યું જે દાડાના પૈણી ન આયા ત્યારનાં બસ મજુરી મજુરી જ બસ, નાં ભાળ્યું કાં ય હારૂ કે ભલું..!

મેના માએ ટાપસી પુરી … હાચી વાત પૈણી ન આયા એવાકમાં ચોક ચોક મેળે માલવા લ‌ઈ જતાં પણ પસ છોકરાં થ્યા પછી મેળો કે ફેળો… !!! બસ આખી જિંદગી ડોહાએ મજુરી જ કુટાઈસ….!! મીતો આવખત ડોહા ન ક‌ઇ દીધું કે આ ઉનાળામાં ગમેતે થાય પણ ઉણતો હરદવાર જ‌ઉજ સ, મીરાત માએ ટાપસી પુરી…..!!!

બધી ડોશીઓએ વારા ફરથી બળાપા કાઢ્યા કે મીતો ક‌ઇ દીધું આ વખતે ઑય જવું સ ન જવું સ…. બધી ડોશીઓને ખબર છે કે ડોહા ચોય લ‌ઈ જાય ઈમ નથી ને કોઈ ડોશીઓએ ઍમના ડોહોને કાંઈ કીધું ય નથી, ખાલી ખાલી ઘરમાં અમારું ચાલસ એવો એક બીજા ઉપર વટ પાડતી’તી, પણ બધાંના એકજ કચવાટ હતો કે હાવ આવું મારવાડી જેવું ઘર ચ્યોંથી ભટકાયું.

જોકે આ વખતે “માવડીઓ” એ પોતાના ધણીયો આગળ બીજી ડોશી ઓનાં બહાનાં લ‌ઈ જાત્રાએ જવાનો પોગરોમ તૈયાર કર્યો, ને ઘર છોકરાં વહું ઓને ભળાવી, દશ ડોશીઓ દશ ડોહાને ભેળો લીધો ઈમનો ગોરમહારાજ… ઉપડ્યા જાત્રાએ, રીવાજ પ્રમાણે ગામ વાળા વળાવવા આયાં, બધાંને હાર પેરાયા ને પચા પચા રુપિયા ય આલ્યા. સંઘ પહોંચ્યો હરદવાર, પણ ડોહા એવા ચીકણા કે ચૉય મંદિરમાં પૈસોય મેલાદે કે કૉય હારું ભલું ખાવાદે …! ક્યાંય ભાળ્યું નોભાળ્યુ ન બસ હેંડો જ હેંડો…. ડોહો એ નક્કી કર્યું કે એવી જાતરા કરાવો કે ડોશીઓ જીંદગીમાં જાતરા નું નૉમ ન લે…!

ડોશીઓ તો બરાબરની કંટાળી જઈ તી ન છેવટે માંય માંય એક બીજા આગળ ગણ ગણવા મંડી.. ભૈસા’બ…! ” આવા કૂતરાં ભેળાં ચ્યોંથી આયાં ઓનાં કરતાં ઘેર રહ્યાં હોત તો હારું હતું..!!” ડોહો ને એમકે અમે ડોસીને જાતરા કરાઈ અને ઉપરથી ડોશીઓ ઉપર વટ મારે, જાતરાએ આવેલી બાપડી ડોશીયો બોલેય શું…!!

ચાલતાં ચાલતાં એટલામાં એક શિવજીનું મંદિર આવ્યું, ને ગોરે કીધું આ શિવજીનાં દર્શન કરવાથી જે માગો એ મળે ને બધાં પેઠાં મંદિરમાં….. મંદિરના પુજારી તો આ જોડાં જોઈને ખુશ ખુશ થઈ ગયા ને બધા જોડાંને શિવલિંગની ચારેબાજુ બેસાડી પૂજા કરાવી ને પૂજારીએ બધાને ઉભા થવાનો આદેશ કર્યો ને માજીઓને હથેળી ધરવાનું કહી દરેક માજીઓની હથેળીમાં શિવજીને અભિષેક કરવા ઝારીથી ગંગાજળ આપ્યું ને કહ્યું હું મંત્રોચ્ચાર કરીને તમને આશિર્વાદ આપીશ ને જેમ બોલાવું તેમ બોલી શિવલિંગ ઉપર હથેળીના પાણીથી જલાભિષેક કરવો… જેથી તમારી મનોકામના પૂર્ણ થશે…!

માડીઓએ પૂજારીની સૂચના પ્રમાણે હથેળીમાં ગંગાજળ લીધું ને પૂજારીએ લાંબી આશાએ બરાબરના મંત્રો, શ્લોક બોલી અખંડસૌભાગ્યવતી ભવ: ના આશીર્વાદ આપી શિવજીને પ્રાર્થના કરાવી કે બોલો……… ” હે શિવજી ! મને આ ભવે જે પતિ મળ્યા છે તે આવતા સાત ભવ સુધી મળજો..! ”

આવું સાંભળતાં જ માજીઓએ હથેળીનું ગંગાજળ કોઈ ભાળે નહીં એ રીતે મંદિરના અંધારાનો ને ગીરદીનો લાભ લ‌ઈ બાજુમાં કપડાં ઉપર ઢોળી દીધું… અને ખાલી અંજલિનો શિવલિંગ ઉપર એમના ધણીઓ ભાળે નહીં એ રીતે વાંકા વળીને અભિષેક કર્યો, ને એમના ધણીઓને પૂજારીને દક્ષિણા આપવાનું કહી, પૂજારીને મનમાં મણ મણની તોળતી તોળતી મંદિર બહાર પોતાના ધણીયોની રાહ જોતી બેઠી ને…..

મેના ડોશીથી ન રહેવાયું ને હળવેકથી બોલાઈ જવાયું, ” મારા પીટ્યા એય બૉમણાન ચ્યોં ખબરશે કે ઑમના હારે એક ભવ ચમ ચમનો કાઢવો એતો મન જૉણસ…. અન ઉપરથી કે’ હાત ભવ…. મારો રૉયો ..!!! ” મીતો કોઈ ભાળનો ઈમ હાચવીન ગંગાજળ બાજુમાં રેડી દીધું… ભુલથીય શિવજી ઉપર છોટોય નો પડ. તે બાકીની બધી ડોશીઓએ એકી અવાજે સૂર પૂરાવ્યો ” તાણ મેનાભાભી અમે ચ્યાં બૉભણ માર્યો તો… તે હાત ભવ …!! ”

અચાનક અવાજ થયોને મેના ડોશી સફાળા જાગ્યા ને જોયું તો પોતે એરંડાના ખળામાં વડગુંદા ના છોયડા નીચે ઝોકાઇ ગયેલાં ને વચેટ છોકરાની વહું બપોરનું ભાત લઈ ને આવેલ ને નીચાડા ખેતરમાં વરીયાળીનું પૉણત કરતા સસરાને બૂમ મારી ” ભા ! હેંડો એક વાજ્યો રોટલા ખાઈ લ્યો ”

ડોહો ડૉમુ વાળીને ભાત ખાવા આવ્યો ને મેના માએ તોહળા માં બરાબરનો રોટલો મસળીને આપ્યો જોણે શિવજીને ઘસી ઘસીને નવરાવતા હોય અને ઉપરથી દૂધની બરોબરની ધાર કરી જોણે ગંગાજળનો અભિષેક કરતાં હોય ઈમ અને મનોમન પોતાની જાતને ઠપકો આપતાં હોય એમ ” મને મુઈને ચ્યોંથી જાતરા હુજી…. માર ત ચૉય નહીં જવું ડોહો બીચારો ચ્યોં ખોટો શે…!!” બીચારા મેના માની આંખો પસ્તાવાથી ભરાઈ ગ‌ઇ..!

(ઉત્તર ગુજરાતના મિત્રો અચુક ટીકા લખો ગમશે)

– દિનેશ પટેલ (અમર કથાઓ ગ્રુપ)