ગજેન્દ્રના મોક્ષની કથા : મુશ્કેલ સમયમાં કોઈએ સાથ ન આપ્યો ત્યારે પૂર્વ જન્મના સત્કર્મોના પ્રતાપે મળી મદદ.

0
2445

ભાગવત દ્રષ્ટાંતકથા :

પુરાણોમાં પ્રસિધ્ધ એવા ક્ષીર સમુદ્રની વચ્ચે એક ત્રિકુટ નામે પર્વત હતો. વિશાળ પર્વત. દશ હજાર જોજન ઉંચો અને તેટલી જ લંબાઇ પહોળાઇ ધરાવતો આ પર્વત. તેની તળેટી પર રમણીય- વ્રુક્ષો, જંગલો, નદી સરોવરો આદિ હતા અને ત્યા અનેક પશુપક્ષીઓ અને જાનવરો મુક્તપણે ટહેલતા રહેતા હતાં. આ જંગલમા એક હાથી, ગજેંદ્ર, હાથીઓનો મહા બળવાન રાજા, તેની હાથણીઓ સાથે રહેતો હતો, અને હર હંમેશ મદોન્મત્ત બનીને વિહરતો હતો.

એક સમયે તે તેની સાથી હાથણીઓને લઈને સરોવરમા સહેલગાહે નહાવા માટે ગયો અને મુક્ત રીતે સરોવરમા તોફાન મસ્તી કરતો હતો. અચાનક જ તેને લાગ્યુ કે તેનો એક પગ ક્યાંક ફસાઇ ગયો છે. કદાચ કાદવ કે કળણમાં પગ પડી ગયો હશે એમ સમજીને તેણે જોર કરીને પગ ખેચી લેવા પ્રયાસ કર્યો. પણ પગમાં કારમી વેદના ઉપડી અને એ સાથે જ તેનો પગ વધારે અને વધારે ઉંડાણમાં જતો હોય તેમ લાગ્યુ.

વધુ કઈં સમજે વિચારે તે પહેલા તો તે આખેઆખો ખેચાતો જતો હોય તેમ લાગ્યુ. તેની સાથે રહેલી હાથણીઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો –પોતાની સુંઢથી બહાર ખેચવા પ્રયત્ન કર્યો પણ હાથીને બહાર ખેચવામાં નિષ્ફળ એવી એ બધી સ્વયં જ ભીતર ખેચાવા લાગી.

આથી ભયભીત બની ગયેલી તે હાથણીઓ કિનારા ઉપર જતી રહી. હવે સરોવરમાં હાથી એકલો જ રહી ગયો અને ચિત્કાર પર ચિત્કાર- ચિંઘાડ પર ચિંઘાડ નાખવા લાગ્યો પણ કોઇ તેની મદદે આવ્યુ જ નહી .

તેની પ્રિય હાથણીઓ પણ તમાશો જ જોતી હોય તેમ લાચાર બનીને કિનારે ઉભી હતી. હવે ગજેંદ્રને ખબર પડી કે તેનો પગ કોઇ કાદવ કે કળણમા ફસાયો નથી પણ એક મગરે તેનો પગ તેના જડબામાં મજબુત રીતે પકડી લીધો છે, અને જ્યારે પણ તક મળે તે હાથીને પાણીમા ખેચી જતો હતો.

તો બીજી બાજુ હાથી પણ બળવાન તો હતો જ – તે પણ જોર કરીને મગરને કિનારા પર ખેચી લાવવા પ્રયાસ કરતો હતો -બન્ને બળિયાતો હતા જ પણ મગર પાણીનો જીવ – જળચર પ્રાણી હતુ, તેનુ જોર પાણીમા વધારે કામ આપે અને હાથી માટે પાણીમા રહીને બચાવ કરવાનુ મુશ્કેલ બની રહ્યું.

બહુ લાબા સમય સુધી આ ખેચતાણ ચાલતી રહી પણ કોઇયે કારી ફાવતી નથી. હાથીના મદદનીશો કિનારા સુધી આવીને પાછા ફરી જતા હતા અને પોતાના રાજાને બચાવવા માટે નાઇલાજ હતા.

છેવટે એવો સમય આવ્યો કે જ્યારે હાથીની સહાયે કોઇ ના રહ્યુ – તેની હાથણીઓમાંથી પણ કોઇ ઉભી ના રહી. ફક્ત બે બળિયા યો ધાઓ જ રહ્યા – હાથી અને મગર, ગજ અને ગ્રાહ.

ધીમે ધીમે ગજેંદ્રનુ જોર સમાપ્ત થતુ લાગ્યુ અને મગર ગેલમા આવી ગયો. હવે તે મક્કમપણે બળ લગાવીને હાથીને ઉંડા અને ઉંડા પાણીમા ખેચવા લાગ્યો.

આ તબક્કે પોતાના પુર્વજન્મના પુણ્યના પ્રતાપે ગજરાજને યાદ આવ્યુ કે જ્યારે કોઇ સહારો ના રહે ત્યારે ભગવાનને યાદ કરો અને સાચા મનથી તેમને પોકાર પાડો એ જ્યા હશે ત્યાંથી દોડતા આવશે અને બચાવશે.

તેણે દયાર્દ્ર બનીને ભગવાનની સ્તુતિનો આશરો લીધો- “હે પ્રભુ, હે ભગવાન, હે નાથ, હે અંતર્યામી, હે સર્વજ્ઞ સર્વશક્તિમાન, હુ આપનો છું અને આપને શરણે છું. શરણાગતનુ રક્ષણ કરો. મને મારી ભુલ સમજાઇ ગઈ છે. હુ જેની પાછળ મોહિત હતો તે પૈકી કોઇ આજે મારી સાથે ઉભેલુ નથી અને મને નોધારો છોડીને સૌ જતા રહ્યા છે. હવે આપ જ મારા આધાર છો મને બચાવો. આપને સમર્પિત કરવા માટે મારી પાસે કશુ જ નથી..!”

આ પોકાર સાંભળીને ક્ષીરસમુદ્રમાં મહાદેવી લક્ષ્મી સાથે વાર્તાલાપ કરતા શ્રીહરિ વિષ્ણુ અચાનક ઉભા થયા અને ગરુડને બોલાવ્યુ. માં લક્ષ્મીએ પુછ્યુ, “પ્રભુ આપણો વાર્તાલાપ અધુરો મૂકીને ક્યા જાવ છો?”

પણ જવાબ આપ્યા વગર જ ગરુડ પર સવાર થઈને તેઓ સરોવરના કાંઠે આવી ગયા.

તેમણે જોયુ કે એક મગર હાથીને ઉંડા જળમાં ખેચી રહ્યો છે અને હાથી નિ:સહાય લાચાર બનીને પોકારો પાડે છે. તરત જ તેમણે પોતાના સુદર્શન ચક્રને સજ્જ કર્યુ અને પળવારમા ગજેંદ્રને બચાવી લીધો.

હાથી કઈં સમજે વિચારે તે પહેલાં તો તે મુક્ત થઈ ગયો અને આર્દ્ર બનીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. સરોવરમા એક કમળ ખીલેલુ હતુ એ તેણે ભગવાન વિષ્ણુને ભેટ ધર્યું.

એ કમળ લઈને ભગવાન પાછા મહાલક્ષ્મી પાસે ગયા અને કહેવા લાગ્યા કે, હે દેવી હુ તમારા માટે આ કમળ લેવા ગયો હતો, લ્યો, સ્વીકારો આ કમળ.

લક્ષ્મીજીએ કહ્યુ,” વાહ પ્રભુ વાહ, શુ તમારી લીલા છે..! મારા માટે કમળ લેવા ગયા હતા કે કમળ આપનારને બચાવવા ગયા હતા? હું સર્વે કઈં સાક્ષીભાવે નિહાળી રહી હતી.”

શ્રીહરિ હસ્યાં.

દેવી, તો આપ એ પણ જાણી લો કે એ ગજેન્દ્ર કે જેની સહાયે હું બધું યથાવત મૂકી દોડ્યો એ એનાં પૂર્વજન્મમાં મારો સાચો ઉપાસક અને અનન્ય ભક્ત હતો. દ્રવિડદેશના એ રાજા ઇન્દ્રદ્યુમ હતા. એકવાર રાજા સ્નાનવિધિ પતાવીને પોતાની વિષ્ણુ ઉપાસનામાં એટલા એકલીન થયા કે બહારનું જગત પણ ભુલાઈ ગયું, એવે વખતે અગત્સ્ય મુનિ તેમના શિષ્યો સાથે ત્યાં પધાર્યા, પણ પોતે ધ્યાનાવસ્થ હોવાથી તેમની આગતાસ્વાગતા ન થઇ.

રાજાએ મૌનવ્રત ધારણ કર્યું હતું. રાજાના હાવભાવ સ્થિતિમાં કોઈ ફરક ન પડતા, અગત્સ્ય મુનિ ક્રોધિત થયા અને એક અભિમાની રાજાની એક હાથી જેવી વર્તણુક બ્રાહ્નણ દેવતા માટે અપમાનિત માની શાપ આપી દીધો કે તેની હાથી જેવી જડબુદ્ધિ માટે તેને હાથીની યો નિપ્રાપ્ત થાય. શાપ આપી અગત્સ્ય મુનિ ત્યાંથી જતા રહ્યા, રાજાએ આ પણ ભગવાનની કૃપા સમજી તેમના ચરણોમાં વંદન કર્યું.

પછી, હજારો યોજન લાંબો વિશાલ અને ઊંચો એવા ત્રિકુટ પર્વત પર હાથીઓના ઝુંડમાં આ અતિ શક્તિશાળી અને કદાવર પરાક્રમી ગજેન્દ્રનો ઉછેર થયો અને આ શ્રાપિત રાજા હાથી તરીકે ઉછરતા ગયા. આમ પૂર્વજન્મના કર્મને પ્રતાપે, અને તે સાથે જ પૂર્વજન્મના પુણ્યસંસ્કારોને કારણે તેની પ્રભુસ્મરણની બુદ્ધિ કટોકટીના સમયે જાગૃત થઈ ગઈ એને પ્રભુસહાય માટે એણે ધા નાખી. ત્યારે મારુ પરમ કર્તવ્ય બન્યું કે તેની સહયાર્થે મારે વેળાસર પહોંચવું જ પડે.

“તો આપણો અધુરો વાર્તાલાપ પુનઃ આગળ વધારીએ?” -મહાદેવી લક્ષ્મીએ સ્નેહાળ સ્મિત સાથે પૂછ્યું.

“અવશ્ય દેવી. ચાલો.” – શ્રીવિષ્ણુ મીઠું મલકાઈને બોલ્યા.

– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)