ગામમાં આવેલા બહારવટિયાઓનું પડધરીના પુણ્યાત્માએ કર્યું હતું હ્રદય પરિવર્તન, વાંચો હ્રદયસ્પર્શી સ્ટોરી.

0
153

“હરિયા સો દરિયા”

ઘણા વર્ષો પહેલાં એટલે દોઢ સૈકા પહેલાંની આ બનેલ હકીકત છે. પડધરીના પુણ્યાત્મા હરિશંકર ત્રવાડીનો ધર્મનો નેજો એ સમયે આજુબાજુનાં અનેક ગામોમાં ફરકતો હતો. તે સમયના પ્રામાણિક વેપારીમાં તેમની ગણના થતી. લાખોએ લેખાં હતાં. અદાની ઉદારતા પણ અપાર હતી. તેમની સખાવતો અને ઔદાર્યથી લોકોએ એમને હરિયા સો દરિયાનું બિરુદ આપેલ હતું.

બ્રહ્મત્વના તેજથી ઓપતા પ્રતિભાશાળી તેમ જ ભાગ્યશાળી પુરૂષ તરીકે તેઓ પુણ્યશાળી જીવન જીવતા હતા. જરૂરિયાતવાળા કોઈ ઉછીના નાણાં લઈ જાય કે ઉધાર માલ લઈ જાય તો તેની ઉઘરાણી તેઓશ્રી કરતા નહિ. કોઈ આપી જાય તો ભલા ને ન આપી જાય તો વાહ વાહ!

દાદાની દેણુગી ઘણી. વ્યવહારકુશળતા અને ધર્મ વત્સલતાથી હર્યું ભર્યું જીવન, દેવદર્શન, દેવ પૂજા, અન્નદાન, વિદ્યાદાન અને જરૂરિયાતવાળાની જરૂરિયાતો પૂરી પાડવાની તેમની મનોવૃત્તિ ધણી ગહન હતી.

એક દિવસ પ્રભાતે નિત્ય નિયમ અનુસાર પૂજનથાળ હાથમાં લઇ, મુગટો પહેરી દર્શન, અર્ચન અને પૂજન અર્થે તેઓશ્રી પ્રક્ટેશ્વર મહાદેવના દર્શને જવા નીકળ્યા. ત્યારે દિવસ ઊગી ગયા છતાં બજારની કોઈ દુકાન ખુલી ન હતી. બજારમાં સોપો પડી જવા પામ્યો હતો. કોઈ દુકાન ઉઘાડી ન ભાળી તેમને અચંબો થયો.

એ જ વખતે કડાકા ભડાકાના અવાજ તેમને કાને સંભળાયા. ચડતા પહોરે પડધરી ભાંગવા માટે બહારવટિયાનું ધાડું ગામને પાદર આવ્યું હતુ. બ-ન-દૂ-કોના અવાજ કરનારા બહારવટિયાઓને જોઈને દાદાએ પડકાર્યા.

બહારવટિયાના સરદારે કહ્યું, ‘આડેથી ખસી જાવ નહીંતર નવાણિયા કુટાઈ જશે. સળી કરવાને બદલે ચાલતા થાવ. આ કાકી તમારી સગી નહીં થાય.’ કહી સરદારે બ-ન-દૂ-ક બતાવી.

દાદાએ ભાવભરી ભાષામાં કહ્યું, ‘બાપલા, પાપી પેટ માટે આવાં ધોર વકરમ શી સારુ કરો છો? તમારે કેટલી કોરીની ભૂખ છે? કહો એટલી હું આપું.’

‘અરે વાહ! દાનેશ્વરીના અવતાર! મોટા કર્ણ, અમારે પૂરી એક લાખ કોરી જોઈએ છે. તારાથી દેવાશે? છે તારી ગુંજાશ? બોલ બ્રાહમણ બોલ. દે જવાબ. હમણાં જ તારી ફેફરી બંધ થઈ જશે! બહારવટિયાના મુખીએ ઠેકડી ઉડાડતાં સુરે કહ્યું.

હરિશંકર ત્રવાડી દાદાએ હા ભણી અને વટથી કહ્યું, ‘બાપના બોલથી એક લાખ ને એક કોરી માથે. ચાલો મારે આંગણે. પ્રથમ તમારી પૂજા કરી લઉં. પછી પૂજા કરવા જઈશ ભોળાનાથ મહાદેવની.’

અને બહારવટિયાઓના ધાડાને લઈને દાદા પોતાને ધેર આવ્યા. સહુને આદર સત્કાર કરી બેસાડયા અને પટારો ખોલી કોરીઓની થેલી એક પછી એક ઉપાડી ઉપાડીને ફંગોળવા મંડચા. અને કહ્યું, ‘ગણે ભાઈઓ, એક થેલીમાં હજાર કોરી છે. સો થેલી ગણી લ્યો તમ તમારે!’

દાદાની ઉદારતા અને પરગજુપણાની આભાએ બહારવટિયાના મુખી ઉપર જબરી અસર કરી. તે લાગણીભર્યા અવાજે બાલી ઊઠ્યો, ‘ખમ્મા મારા દાદા, તમને લાખ લાખ ખમ્મા. અમને અમારી જીવન ભરની લૂં-ટ-મ-ળી ગઈ! આજથી લૂં-ટ-ફા-ટ-ના કાળા કામા હરામ છે. દાદાજી, હાલો અમે પણ તમારી સાથે પ્રકટેશ્વર મહાદેવજીને મંદિરે દર્શન કરીએ અને ભોળાનાથના થાળે પ્રતિજ્ઞા લઈએ!’

આ પ્રસંગની હકીકત એ સમયના જામબાપુએ સાંભળી. જામસાહેબ ખુદ પડધરી આવ્યા અને દાદાજીને ચરણે દશ હજર કોરી ભેટ ધરી! અંતરના અભિનંદન આપી આશીર્વાદ માગ્યા. દાદાના વંશ વારસોના દાણ માફ કરવાનો પટ્ટો કાઢી આપ્યો. દાદાના આશીર્વચન લઈ દાદાનું બહુમાન કરીને જામસાહેબ કૃતાર્થ ભાવ અનુભવતા જામનગર ગયા.

– ધૈર્ય ચંદ્ર બુદ્ધ