ગામડામાં રહેતા માજીની આ સ્ટોરી વાંચીને તમારી આંખોમાં ઝળઝળિયાં આવી જશે, સમય કાઢીને અચૂક વાંચજો.

0
841

મંગુમા…

(- નટવરભાઈ રાવળદેવ થરા)

નામ એમનું મંગુ પરંતુ ગામ આખું મંગુમા કહીને જ બોલાવે. સીતેરેક વર્ષની ઉમર. ઘરડાં, જવાન બધાંય મંગુમા જ કહે. મંગુમા સાવ એકલાં. સૌથી મોટી દિકરી લીલા છે કે જેનાં બાળકોય પરણાવી દીધેલ છે એ એની સાસરીમાં સુખી છે. બે દિકરાઓ પ્રવિણ અને મહેશ છે એ બન્ને મુંબઈ ધંધે વળગીને સ્થિર થયા છે જે સુખી છે ને એમનાં બાળ બચ્ચાંય યુવાનીના ઉંબરે આવીને ઉભેલ છે.

દિકરાઓ વાર તહેવારે વતનમાં આવે ત્યારે મુંબઈ લઇ જવાનો ઘણોય આગ્રહ કરે છે પરંતુ મંગુમાનો એક જ જવાબ હોય, હું ભલીને મારુ આ ગામ ભલું. દિકરાઓ મુંબઈ જવા નિકળે ત્યારે એમની પત્નિઓ અને બાળકો તો મંગુમાને ઉંચકીને કારમાં બેસાડવાનો પ્રયત્ન કરે પરંતુ ડોશી ટસની મસ ના થાય! બન્ને વહુઓને બાથમાં ઝાલીને બોલી ઉઠે, અરે મારી ઢેગલીઓ(ઢીંગલીઓ) તમતમારે ખાવો પીઓ ને મજા કરો શે’રમાં, મને ના ફાવે ભઈલા. દિકરાઓનાં બાળકોનું તો પૂછવું જ શું? વતનમાં આવે એ દિવસથી મંગુમાનું માથું ખાઈ જાય.

દાદી પેલું પ્રભાતિયું ગાઓ ને! દાદી પેલા શિયાળ અને મોરની વાર્તા કહો ને! દાદી પેલું અડા ઘડાવાળું જોડકણું કહો ને! મંગુમા બાળકોની બધી ઈચ્છાઓ પુરી કરે, કંટાળાનું તો ક્યારેક નામોનિશાન નહિં.

પરિવાર મુંબઈથી આવે એ દિવસે લીલાં મરચાંની કઢી ને બાજરીના રોટલા તેમજ મોટા ભરડાનો લથબથ ઘીનો શીરો –આ ભોજન નક્કી જ હોય અને મુંબઈ જતી વખતે પણ! બાકી, જેટલા દિવસ રહે એટલા દિવસ વહુઓ એક સળી ભાગીને બે કટકા ના કરવા દે મંગુમાને! બન્ને વહુઓ મંગુમાને દરરોજ ઘસી ઘસીને નવડાવે, માથામાં તેલ નાખે, માથું ઓળી આપે,ને રાત્રે કલાક બે કલાક પગ દબાવે. દિકરાઓનાં બાળકોનું પૂછવું જ શું! મંગુમાને નાનાં બાળક જ બનાવી મૂકે!

સૌને ઈર્ષ્યા થાય એવો પરિવાર. મંગુમાના પતિ ભગાભાઈ પંચાવન વર્ષની ઉમરે ગુ-જરી ગયેલા પરંતુ દિકરા દિકરીને ભણાવી ગણાવીને, દિકરીને પરણાવીને, મોટા દિકરાને ઘંધે વળગાડીને. મંગુમા બાવન વર્ષે વિધવા થયેલ. આમ તો એ વખતે મંગુમા થોડાં પડી ભાગેલ પરંતુ પચાસ વિઘા જેટલી જમીન ને મોટો દિકરો કમાતો થયેલ એટલે રાહત હતી. ભગાભાઈ અને મંગુમાનું પરોપકારી જોડલું નંદવાયું એનું દુ:ખ આખા ગામને હતું પછી મંગુમાને કેટલો વસમો ઘા લાગ્યો હશે એ તો મંગુમા જ જાણે!

બન્ને દિકરા વહુઓનો અઢળક પ્રેમ ને સંતાનોનાં સંતાન પણ એટલાં જ વિવેકી અને માયાળું કે મંગુમાની જીંદગી કાયમ સ્વર્ગ જેવી જ રહી. ગામ લોકોનું તો પુંછવું જ શું! એટલો આદર સત્કાર કે વાત ના પુછો! નાની વહુવારુઓ કે આધેડ સ્ત્રીઓ -મંગુમા-મંગુમા કરતાં વાતે વળગી પડે. મંગુમા પણ સલાહ, સમજણને, સંસ્કારની જ વાતો કરે. કૌટુંબિક ઝગડાઓમાં સમાધાન તો મંગુમા જ કરાવી શકે.

દરરોજ આખા ગામનો એક આંટો તો ખરો જ. ભેગી થેલી હોય ને થેલીમાં સફેદ મસાલાવાળા ટીકડા. નાના બાળકોને આપતાં જાય ને પુછતાં જાય! અલ્યા ટેણીયા! કેનો દિકરો છે? અલી બેબલી! તારા બાપનું નાંમ શું? પછી માથે હેતાળ હાથ ફેરવે ને કહે, ભણજે હો! ભણ્યા વગર કાંય નથી હો! લાજ કાઢેલી નાની વહુવારુઓ તો મંગુમાને ભાળતાં જ પગ દબાવવા આવી જાય. મંગુમા મીઠો આવકાર આપીને કહે, કેની વઉ છે બેટા? ને પછી થેલીમાંથી ટીકડો કાઢીને પકડાવી દે હાથમાં!

બપોરનું ભોજન તો ગામમાં જ હોય પણ મફતમાં નહીં. જે ઘેર જમે એનાં બાળકોને પચાસની નોટ તો પકડાવી જ દે. મંગુમાનું ઘર પાછું મોટું, એની સાફ સફાઈની ક્યારેય મંગુમાને ચિંતા ના હોય! આડોશી પાડોશીઓએ સવાર સવારમાં એ બધાં કામ કરી દીધાં હોય!

દર રવિવારે મંગુમાને ઘેર ભજન સત્સંગ હોય એમાં મોટાભાગે લગભગ આખા ગામની દિકરી, વહુઓ અને ડોશીઓની હાજરી હોય. પ્રસાદની જોરદાર મિજબાની હોય!

‘ખાયા સો ખોયા ખિલાયા સો પાયા’ જીવનમંત્રને ખરેખર સાર્થક કરી રહ્યાં હતાં મંગુમા.

ગરીબોનાં તો સાચાં મદદગાર મંગુમા. માંદગી, સુવાવડ અને સામાજિક પ્રસંગોમાં જરૂરિયાતમંદ મંગુમાના ઘેરથી ક્યારેય કોઈ ખાલી હાથે પાછું ના જાય.

ખેતીના ભાગીયાઓ જો મંગુમા અઠવાડિયામાં એક વાર ખેતરે ના જાય તો સહ પરિવાર ઘેર આવીને વલોપાત કરે આવો અઢળક સ્નેહ મંગુમાનો.

કોઈ દુખીયારી વહુવારુને એના પતિનોત્રા સ હોય તો એ છાનાછપની મંગુમા આગળ આવીને વેદના ઠાલવી જાય. કોઈનેય ખબર ના પડે એમ મંગુમા એનો ઈલાજ શોધી કાઢે. ઘી ના ઠામમાં ઘી પડી જાય.

ક્યાંક માથાભારે વહુની એના ઘરવાળાને હે રાનગતિ હોય તો એનો આશરો મંગુમા.

દેરાણાં જેઠાણાંના અબોલા તો મંગુમા જ તોડાવે. આ તો સંસાર છે! એમાં દરેક વાતોનાં સમાધાન તો ના જ હોય! પરંતુ મંગુમા મોટાભાગે આવા કાર્યમાં ઘણાં સફળ.

બે ત્રણ મહિને એકાદવાર ગામની નિશાળમાં આંટો મારે મંગુમા. સાહેબ ખુરશી પરથી ઉભા થઈને મંગુમાને આવકારે. શાળાનાં બાળકો તો ‘મંગુમા આવ્યાં, વાર્તા લાવ્યાં’-કહીને તાળીઓની રમઝટ બોલાવી દે! એકાદ ટૂચકો કહીને બાળકોને હસાવે ને પછી કહે,જુઓ છોકરાઓ કાલે સવારે મારે ઘેર બધાં જમવા આવી જાજો. આમેય બાળકોને તો ખબર જ હોય કે, મંગુમા શાળાએ આવે તો જમવાનું આમંત્રણ જ હોય.

સાહેબને થોડા દુર લઈ જઈને મંગુમા કહે, જોવો સાયેબ, તમારેય મારા ઘરે પધારવાનું છે ને સાડલાના છેડે બાંધેલા રૂપિયામાંથી હજાર રૂપિયા કાઢીને સાહેબને આપે. આ રૂપિયામાંથી ગરીબ છોકરાંને સલેટ પેન ને બીજું કાંય એમને જોતું હોય એ આલતા રે’જો. આ મંગુમાનો બે ત્રણ મહિનાનો બાંધેલ નિયમ.

મંગુમા બાર મહિનામાં એકવાર નાથાભાઈનું ટ્રેકટર ભાડે કરીને ગામની ડોશીઓને વીસેક કિલોમીટરમાં આવેલ દેવી દેવતાઓનાં દર્શન કરાવવા લઈ જાય. જો જગ્યા ખાલી હોય તો ભેગી આધેડ સ્ત્રીઓ પણ ચડી બેસે ટ્રેકટરમાં.

એક દિવસ મંગુમા પોસ્ટ ઓફિસમાં ગયાં હાથમાં કાગળની ચબરખી પકડીને. જઈને પોસ્ટ માસ્ટરને કહ્યું કે, આ સરનાંમે સમાચાર મેલવા છે ભઈ!જરા મેલી આલોને!

પોસ્ટ માસ્તર મંગુમાને ઓળખતો જ હતો એટલે પુછ્યું, શું સમાચાર મોકલવા છે મા!

બીજું કાંય નઈ પણ દિકરાઓને સમાચાર આલો કે બે દા’ડાંમાં બાળ બચ્ચાં અને વઉઓ સાથે આંટો મારી જાય ને આવતાં બેનનેય એના ઘરેથી લઈને આવે ભેગી ભાંણીયાં, જમઈ બધાંયને..

પોસ્ટ માસ્તરે તાર કરી દીધો સરનામે! મંગુમાના કહેવા મુજબ……

ત્રીજા દિવસે સાંજે તો આખો પરિવાર હાંફળો ફાંફળો દોડી આવ્યો. અહિં તો મંગુમા એય ને આનંદથી પાડોશીઓ સાથે વાતો કરી રહ્યાં છે. દિકરી, દિકરાઓ અને તેમનો પરિવાર મંગુમાને ભેટી પડ્યો. સૌના મોંઢે એક જ વાત. મા તમે મજામાં તો છો ને!

હા ભઈ હા, આતો થોડો ટેમ થઈ જ્યો તમને બધાંને ભેગાં થ્યાને એટલે બધાંયને બોલાયાં.

સૌએ ભેગાં મળીને કાયમ આવતાંવેંતનું ભોજન શીરો, કઢી ને રોટલા….પેટ ભરીને ખાધાં…..

લગભગ રાત્રીના ત્રણેક વાગ્યા સુધી મન મુકીને વાતો ચાલી…..

સવારે ગાયોનું ધણ અને ખાડુ ગામને ગોંદરે ભેગું થયું છે, સવારના ચા-પાણી નાસ્તો પુરો થયો છે, એ વખતે મંગુમાએ આખા પરિવારને પાસે બોલાવ્યો. સૌને એમ કે માને સવાર સવારમાં કંઈક કહેવું હશે….

લ્યો, બધાંય આઈ ગયાં? સૌ કુતુહલથી મંગુમાને જોઈ રહ્યાં.

મોટા દિકરાએ માને કહ્યું, શું વાત છે મા?

બેટા કાંય નથી બીજુ પણ આપણા અંજળ અને લેખ હવે પુરા થઇ જ્યા સે! આ લીલાના બાપાને ભેગી થવા હતર અઢાર વરહથી ટળવળું છું પણ આ જગતના લેખે મને પકડી રાખી, પણ હવે ઈ ટે’મ આવી જ્યો સે. જેવા છો એવા રે’જો ને મારી આ ઢેગલીઓ તમને કઉં છું કે આ મારાં ડાયાં ડમરાં છોરુડાંને કાયમ સાચવજો અને વાર તેવારે આ ગાંમમાં આવતાં રે’જો ને હાથ કાયેમ છુટો રાખજો.

દિકરી લીલા તને કઉ છું કે સાસરામાં તેં અમને ખુબ શોભા અપાઈ છે. સુખી રે’જે

લ્યો તારે રાંમ રાંમ હૌને! જો જો કોયે રોવાનું નથી હો!

રાંમધૂન બોલાવજો ને મારી ચેડ્યેં ગરીબ ગરબાં માટે છુટો હાથ મેલી દેજો.

મંગુમાના પ્રાણ વિહિન શરીરના ચહેરા પર અલૌકિક તેજની આભા પ્રસરી રહી હતી. એ અલૌકિક આભા શાંતિમય પરિવાર અને પરગજુ જીવનની સાક્ષી પુરી રહી હતી.

લેખન – નટવરભાઈ રાવળદેવ થરા.