ગામડાનું બાળપણ :
પાદર, ખેતર, રખડી રઝળી, દિલ નહોતું ભરાતું.
શેરી, ઓટા, ગામ ગપાટા, ભઈ કેવું કેવું થાતું!
વડલો, પિપર, ચીકુ, આંબા.
રોણ, કરમદા, ને તાડ લાંબા.
ક્યાં જાવું ને ક્યાં ના જાવું એ જ નહોતું સમજાતું.
નદીયું, નાળા, ધોરીયા, પાળા,
ગોરી ગાય ને બળદ રૂપાળા.
આ વાડીથી પેલી વાડી ભઈ બેફિકર થઈ ફરાતું.
લગી, ગોટો, જાળી ગરિયો,
છાપું, પત્તા, લાવે હરીયો.
મિત્ર મંડળની મહેફિલ જામે સરગમાં વિચરાતું.
નભ, તારા ને ખુલ્લું ફળિયું.
વાર્તા કાને ને આંખ્યું ઢળીયું.
મીઠાં મીઠાં સપનાં જોતાં ભઈ સુખેથી પોઢાતું.
વાદળ, વર્ષા, સોડમ, માટી.
અંગ ઉઘાડા ને હડિયાપાટી.
યાદ કરું એ વીત્યાં વરહ ‘દેવ’ દલડું ખૂબ હરખાતું.
દેવાયત ભમ્મર.