‘બેચેની’ – ગામના બે વ્યક્તિના જીવનમાં આવેલી બેચેનીની આ લઘુકથા તમારા હૃદયને સ્પર્શી જશે.

0
720

લઘુકથા – બેચેની :

– માણેકલાલ પટેલ.

ખાસ ટ્રાફિક ન હોવા છતાં એક બાઈકે સાઈકલને ટક્કર મારી. સાઈકલ સવારને વધારે વાગતાં તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

એ બચી તો ગયો પણ એની બન્ને આંખો ચાલી ગઈ. ટપાલીની નોકરીએ ગઈ.

અપૂર્વ અને નિકુલ એક જ ગામના હતા. વાંક નિકુલનો હતો. એ રોંગ સાઈડમાં સાઈકલ ચલાવતો હતો અને સામેથી આવતા અપૂર્વના બાઈક સાથે એ ટકરાઈ ગયો હતો.

નાનું ગામ એટલે સમાધાન થઈ ગયું હતું.

અપૂર્વ રોડ કોન્ટ્રાક્ટર હતો. નિકુલ બચી ગયો હતો એનો એને સંતોષ હોવા છતાંય આ ઘટના બન્યા પછી એ સતત બેચેન રહ્યા કરતો હતો.

નોકરી જવાથી નિકુલનો પરિવાર આર્થિક ભીંસમાં આવી ગયો હતો. ભૂલ એની હતી એટલે એણે અપૂર્વ પાસેથી સહાય લેવાની પણ ના પાડી દીધી હતી.

એને ચિંતા એના ઉંમરલાયક દિકરા- દીકરીની હતી. પોતાની નોકરી ગયેલી અને પાછો એ દિવ્યાંગ હોવાને લીધે એનાં બાળકોનાં સગપણ જ થતાં નહોતાં.

નિકુલની ચિંતાનો કોઈ પાર નહોતો. નોકરી જવાથી એની જિંદગીની બધી આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું.

ગામ અને સમાજ આખામાં આ ચર્ચાનો વિષય બન્યો હતો.

યુવાન દિકરા અને દીકરીનું ક્યાંય સંધાય નહિ ત્યારે મા- બાપ ઉપર શું વીતતી હશે એ નિકુલ અને એની પત્ની સિવાય બીજું કોણ સમજી શકે?

અને એક દિવસ નિકુલના ઘરે ઢોલ ઢબૂકવા લાગ્યા.

અપૂર્વએ એના દિકરા- દીકરીનો સંબંધ નિકુલને ત્યાં ગોઠવીને પોતાની બેચેની દૂર કરી દીધી હતી.

– માણેકલાલ પટેલ. (ફોટા પ્રતીકાત્મક છે)