“ગામના મોંઢે તો ગરણું નહિ બંધાય” – આ લઘુકથા દ્વારા સમજો સમાજની વિચારસરણી વિષે.

0
934

ઢબુડી

– માણેકલાલ પટેલ

ઢબુડી માંડ બે વર્ષની હતી એટલે પાડોશીઓને એ ખૂબ વહાલી હતી. બધા રમાડે. એ હતી જ ઢીંગલી જેવી તેથી બધાંને ગમતી.

અચાનક એવું શું બન્યું તે ઢબુડીની મમ્મીએ એને ઘર બહાર કાઢવાનું જ બંધ કરી દીધું. હવે આ વિષય ચર્ચાનો બન્યો. અંદરોઅંદર વાતો થવા માંડી : ” બાળક તો ભગવાન કહેવાય. આ જિજ્ઞા આવું શું કામ કરતી હશે?” પણ, એને કોઈ કંઈ પૂછતું નહિ.

એમણે આ સોસાયટમાં એક વર્ષ પહેલાં જ મકાન ખરીદ્યું હતું એટલે એમને ઢબુડી સારાં પગલાંની લાગતી હતી.

પૃથ્વી પણ સરળ વ્યક્તિ હોઈ સોસાયટીમાં બધાંની સાથે સારી રીતે ભળી ગયો હતો. ઢબુડી તો એની આંખના રતન જેવી હતી. વહાલી પણ એવી જ.

પણ, જિજ્ઞા એને બહાર જવા દેતી ન હોઈ એણે પૂછ્યું : “ઢબુડીના આકાશ આડે આડશ ઉભી કરનાર આપણે કોણ?”

જિજ્ઞાએ કહ્યું : ” આ રીટાબેન અને આશાબેન વાતો કરતાં હતાં કે ઢબુડી જિજ્ઞા જેવી રમતિયાળ તો છે, પણ પૃથ્વીભૈ જેવો જરાય અણસાર કેમ આવતો નથી? બોલો મારે એ બધાંને શું કહેવું?”

પૃથ્વી વિચારમાં પડી ગયો.

જિજ્ઞાએ પૂછ્યું : ” સાચી વાત આપણે જાણીએ છીએ. પણ, ગામના મોંઢે તો ગરણું નહિ બંધાયને?”

” તારી આંગળીએ આવેલી આ ઢબુડી આપણી જ દીકરી છે એમાં કોઈ મીનમેખ નહિ થાય એવું તો મેં તારી સાથે પુનર્લગ્ન કરતી વખતે વચન આપેલું જ છે ને?” અને પૃથ્વી ઢબુડીની આંગળી પકડી રીટાબેન, આશાબેન અને બીજી મહિલાઓ બેઠી હતી ત્યાં એને રમવા માટે મૂકવા ગયો.

– માણેકલાલ પટેલ