‘ગંગા પણ ગભરાય’ : દેવાયત ભમ્મર આ રચના તમને તમારા કર્મ વિષે વિચારવા માટે મજબુર કરી દેશે.

0
342

લઈ જઈશ મેલાં લૂગડાં, ગંગા પણ ગભરાય હો.

બાકી, પાપ વધી જાય પાધરા, ક્યાંય ભલા સમાય નો.

ડૂબકી લગાવીશ દો ગણી,

કોણ કાટ મનના કાઢશે?

સુતી ઘેર હોઈ જનની.

મ રતાં જો પાણી માંગશે!

જનેતાને આપી જોર દીકરા, જાતરાવું કરાય નો.

લઈ જઈશ મેલાં લૂગડાં, ગંગા પણ ગભરાય હો.

ભાગીરથી ભરીને લઈ જશે.

તાણીને મેલ તારા તન તણા.

ખળ ખળ એતો વહી જશે.

પણ તું સાવ ભૂંડ જેવો બન ના.

ધતિંગ હશે જો ધોતિયા, તૃષ્ણા ત્યાં તણાય નો.

લઈ જઈશ મેલાં લૂગડાં, ગંગા પણ ગભરાય હો.

ચિત્ત તારું ચંચળ ઘણું.

જ્યાં ત્યાં ભટકી જાય જો.

નદીયન જળ નિર્મળ ગણું.

પણ ડૂબકી દિલમાં થાય જો.

ઘસ્યા કરીશ ઘણું બધું, ગોજારા કર્મ ગંધાય હો.

લઈ જઈશ મેલાં લૂગડાં, ગંગા પણ ગભરાય હો.

રોગી તનના રોગને.

ગંગા માવડી મટાડશે,

પણ માવડી મનના ભોગને.

‘દેવ’ ક્યાંથી ઘટાડશે?

નદી જેવો નિસ્વાર્થ થા, તો નદી પણ હરખાય હો.

લઈ જઈશ મેલાં લૂગડાં, ગંગા પણ ગભરાય હો.

– દેવાયત ભમ્મર

(સાભાર અમિત સેવક, અમર કથાઓ ગ્રુપ)