ગંગા સપ્તમી વ્રત શા માટે ખાસ છે, જાણો તેની પૂજાનું મહત્વ.

0
157

જાણો કયારે છે ગંગા સપ્તમી, શું છે તેનું મહત્વ, તેમની પૂજા કઈ રીતે કરવી, જાણો વિસ્તારથી.

ગંગા માત્ર એક નદી નથી પરંતુ આસ્થાની દેવી છે. તે ખેડૂતો માટે જીવન દાત્રી છે. આ પ્રશ્ન હજુ પણ રહસ્ય છે કે કેમિકલ અને ફેક્ટરીઓની ગંદકી શોષી લીધા પછી પણ તેની પવિત્રતા કેવી રીતે અકબંધ રહે છે? જ્યારે કોઈ રહસ્ય જાહેર ન થાય ત્યારે તેને ચમત્કાર કહી શકાય. ગંગાનું આ રહસ્ય આ નદીને દેવી ગંગા બનાવે છે. જેના કારણે લોકોમાં પણ તેના પ્રત્યે ઊંડી શ્રદ્ધા છે.

પરંતુ શું તમે જાણો છો કે એક સમયે એક ઋષિ ગંગાજીને આખે આખી પી ગયા હતા. પછી દેવતાઓની વિનંતી અને ભગીરથના તપથી પ્રસન્ન થઈને તેમણે ગંગા મૈયાને મુક્ત કરી દીધા, જેથી તે ભગીરથના પૂર્વજોને મોક્ષ આપી શકે. જે દિવસે ગંગા મૈયાને ઋષિ દ્વારા મુક્ત કરવામાં આવ્યા તે દિવસ વૈશાખ માસના સુદ પક્ષની સપ્તમી (સાતમ) નો દિવસ હતો. એટલા માટે આ દિવસને ગંગા સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ વૈશાખ શુક્લ સપ્તમી પર બનેલી આ સમગ્ર ઘટના વિશે, જેની સાક્ષી પુરાણો આપે છે.

2022 માં ગંગા સપ્તમી ક્યારે છે?

આ વર્ષે ગંગા સપ્તમી 8 મે, 2022 ના રોજ છે. સપ્તમી પર સ્નાન અને પૂજા માટેના મુહૂર્ત નીચે મુજબ રહેશે.

સાતમ તિથિ શરૂઆત : 7 મે, 2022 ના રોજ, બપોરે 2:56 વાગ્યે શરૂ થશે.

સાતમ તિથી સમાપ્ત : 8 મે, 2022, સાંજે 5 વાગ્યા સુધી રહેશે.

મહર્ષિ જહાનુ ગંગાનું બધુ જ પાણી પી ગયા હતા :

પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ભગીરથે ઘણી તપસ્યા કરી અને ગંગા મૈયાને પૃથ્વી પર લાવવામાં સફળતા મેળવી. ભગવાન શિવે ગંગાના અનિયંત્રિત પ્રવાહને જતામાં લપેટીને નિયંત્રિત કરી, પરંતુ તેમ છતાં ગંગા મૈયાના માર્ગમાં આવતા અનેક જંગલો અને આશ્રમોનો નાશ થઈ રહ્યો હતો. ચાલતા-ચાલતા તે જહાનુ ઋષિના આશ્રમમાં પહોંચી. જ્યારે જહાનુ ઋષિએ ગંગાના કારણે થયેલ વિનાશને જોયો તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને ગંગાનું બધુ જ પાણી પી લીધું.

ભગીરથ પોતાના પ્રયત્નોને નિષ્ફળતા તરીકે જોવા લાગ્યા. તે જહાનુ ઋષિને પ્રસન્ન કરવા તપ પર બેઠા. દેવતાઓએ પણ મહર્ષિને વિનંતી કરી અને પૃથ્વી પર ગંગાના અવતરણના મહત્વ વિશે જણાવ્યું. હવે જ્યારે જહાનુ ઋષિનો ક્રોધ શમી ગયો ત્યારે તેમણે ગંગાને પોતાના કાનમાંથી મુક્ત કરી. એવું માનવામાં આવે છે કે આ કારણથી ગંગાને જાહ્નવી પણ કહેવામાં આવે છે. જે દિવસે તેમણે ગંગાને પોતાના કાનમાંથી મુક્ત કરી તે દિવસ વૈશાખ માસની શુક્લ સપ્તમીનો દિવસ હતો. તેથી જ તેને ગંગા સપ્તમી અને જહાનુ સપ્તમી પણ કહેવામાં આવે છે.

ગંગા સપ્તમી પૂજા વિધિ :

ગંગા સપ્તમી એક રીતે ગંગા મૈયાના પુનર્જન્મનો દિવસ છે, તેથી તેને ઘણી જગ્યાએ ગંગા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે.

ગંગા સપ્તમીના દિવસે ગંગામાં સ્નાન કરવાનું ઘણું મહત્વ છે.

જો ગંગા મૈયામાં સ્નાન કરવું શક્ય ન હોય, તો પણ સામાન્ય પાણીમાં ગંગાજળના થોડા ટીપા ભેળવીને તેમાં સ્નાન કરી શકાય છે.

સ્નાન કરતી વખતે, “ૐ નમો ગંગાયૈ વિશ્વરૂપિણયૈ નારાયણયૈ નમો નમઃ” મંત્રનો જાપ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

સ્નાન કર્યા પછી ઉત્તર-પૂર્વ દિશામાં ગંગા મૈયાની મૂર્તિ સ્થાપિત કરીને, ઘી નો દીવો પ્રગટાવો અને માતા ગંગાની આરતી કરો.

આ દિવસે ભગવાન શિવની પૂજા પણ શુભ માનવામાં આવે છે.

આ સિવાય વ્યક્તિ ભગીરથની પણ પૂજા કરી શકે છે, જે ગંગાને પોતાના તપથી પૃથ્વી પર લાવ્યા હતા.

ગંગાની પૂજાની સાથે-સાથે દાન-પુણ્ય કરવાથી પણ ફળ મળે છે.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.