ગંગારામ દવે ભગવાન સ્વામિનારાયણના ભક્ત રત્નોમાંથી એક બની ગયા હતા, એમની ગઢડા મંદિરની સેવા આવી જોરદાર હતી

0
741

કારીયાણી પાસે ઝમરાળા ગામ છે. ત્યાં ગંગારામ દવે અને જીવા દવે એ બે ભાઇઓ રહેતા હતા. તેમને ખેતીવાડી હતી, વળી થોડી આવક યજમાનવૃત્તિથી મળી રહેતી હતી. બંન્ને ભાઇ ભારે હસમુખા. બંને પાકા સત્સંગી હોવાથી નિયમ – ધર્મ પાક્કા પાળતા. સદાચારમય જીવન ગાળતા અને હરિભક્તિમાં લીન રહેતા.

એકવાર બંને ભાઇઓ કોઇનું મૃત્યું થયુ હોય તેમ પોક મુકતા મુકતા કારીયાણીમાં આવ્યાં. ગંગારામ દવેએ માથે લોટનો મોટો ગાંસડો ઉંચક્યો હતો. અને જીવા દવેના માથા ઉપર દાળ અને ચોખાનો મોટો ગાંસડો તથા બગલમાં ઘી નો મોટો ઘાડવો હતો. બંન્નેને આમ પોક મુકતા જોઇ મુકુંદ બ્રહ્મચારીએ કહ્યું, “હવે ગાંસડાં નીચે મુકો અને દુ:ખ પડ્યું હોય તે મહારાજને કહો. જેથી કંઇ ઇલાજ થઇ શકે.”

બંન્ને રડતાં રડતાં બોલ્યાં, “મહારાજ જો અમારે ગામ આવવાનું વચન આપે તો જ છાનાં રહીશું. અને નહીં આપે તો આમ રડ્યાં જ કરીશું.”

શ્રીહરિએ કહ્યું, “હવે છાનાં રહો. અમે તમારે ગામ જરુર આવીશું. હવે તમારા ગાંસડાં ઉતારો.” પછી બંન્ને ભાઇઓએ ગાંસડાં તથા ઘી નો ઘાડવો શ્રીહરિના ચરણે ધર્યા અને સાષ્ટાંગ દંડવત પ્રમાણ કરી કહ્યું, “સંતોને જમાડવા માટે અમે આ સીધું લાવ્યાં છીએ.”

સીધાની રસોઇ થઇ. શ્રીહરિ તથા સંતો જમ્યાં. પછી શ્રીહરિએ કહ્યું. “બોલો, ગંગારામ…! અમે કાલે તમારાં ત્યાં આવીએ?” ગંગારામ કહે, “ના મહારાજ! આપ અમારે ત્યાં પધારવાના હોવ તો અમારે આપનું સ્વાગત કરવા યોગ્ય તૈયારી કરવી પડે. માટે આપ સાધુ – સંતોને લઇ પરમ દી ઝમરાળા જરુર પધારજો. ”

ત્રીજે દિવસે શ્રીહરિ સાધુઓની સાથે ઝમરાળા પધાર્યા. ગંગારામે સૌનું હાર્દિક સ્વાગત કર્યુ. શ્રીહરિને બાજોઠ ઉપર પધરાવ્યા અને સ્નાન કરાવ્યું. નવીન પિતાંબર પહેરીને શ્રીહરિ જમવા બિરાજ્યાં. પોતે સારી પેઠે જમ્યાં છે એ દર્શાવવા વારંવાર પેટ ઉપર હાથ ફેરવતાં. શ્રીહરિ બે દિવસ ઝમરાળામાં રોકાયા પછી કારિયાણી જવા રવાના થયાં.

ગંગારામે પોતાનું ગાડું જોડ્યું. એમાં નવું નક્કોર ગાદલું પાથર્યુ અને એમાં શ્રીહરિને પધરાવ્યાં. ત્યારપછી પોતે ગાડું હાંકવા બેઠાં. શ્રીહરિને ગંગારામના બળદની જોડ ખુબ જ ગમી ગઈ. ધોળાં, ગરુડના ઇંડા જેવા બળદ જોઇ શ્રીહરિ કહે, “ગંગારામ… આવા બળદ અમારે જોઇએ છે. અમારાં રથમાં જોડવા જેવા છે.” ગંગારામે કહ્યું, “મહારાજ! આ બે બળદની જોડ જ શા માટે? આ જ ક્ષણથી આ બે બળદની જોડ, આ ગાડું ને હું આપની સેવામાં કૃષ્ણાર્પણ છીએ.” એમ કહીને તેમણે બળદની રાશ શ્રીકૃષ્ણાર્પણ કહીને મહારાજના હાથમાં સોંપી દીધી.

શ્રીહરિ તેમની ભક્તિ જોઇ પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું, “ગંગારામ… તું દઇ ચૂક્યો… અને અમને પહોંચી ગયું.” એમ કહી શ્રીહરિએ તેમનો વાંસો થાબડ્યો.

કારીયાણી પહોંચ્યા એટલે શ્રીહરિએ સભામાં સૌને કહ્યું, ” જુઓ આ ગંગારામ…! અમે સહેજ કહ્યું કે તમારાં બળદ અમારી વેલ્યે જોડ્યાં જેવાં છે, એટલામાં તો પોતાના બળદ અને ગાડું અમને કૃષ્ણાર્પણ કરી દીધાં અને પોતે સેવામાં આવવા તત્પર બની ગયાં. અમારે તો તેનું કંઇ જોઇતું ન હતું પરંતુ બલિરાજની પેઠે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. સત્સંગમાં આવા ભક્તો પાક્યાં છે.” પછી ગંગારામને આશીર્વાદ આપી ઘરે મોકલ્યાં.

ગઢપુરમાં જ્યારે શ્રીહરિ મોટું મંદિર બાંધી રહ્યાં હતા તે વખતે ગંગારામ શ્રીહરિના દર્શન કરવા આવ્યાં હતા. શ્રીહરિએ કહ્યું, “ગંગારામ! દરેક સત્સંગીઓ મંદિર બાંધકામમાં પથ્થર લાવવા પોતાના ગાડાં લખાવે છે, તમારો કોઇ વિચાર થાય છે? ” ગંગારામે કહ્યું, “મહારાજ! હું તો અગાઉથી જ આ બળદ, આ ગાડું ને મારી જાતને કૃષ્ણાર્પણ કરી ચૂક્યો છું. એટલે મંદિર ચણાઇ જાય ત્યાં સુધી અમે ત્રણેય મંદિરની સેવામાં રહીશું.”

આમ ગંગારામે એક વર્ષ સુધી ખડે પગે ગઢડા મંદિરની સેવા કરી શ્રીહરિનો અપાર રાજીપો પ્રાપ્ત કર્યો હતો.
ગઢપુરમાં એક સમયે શ્રીહરિ કેરીઓ ચૂસતાં હતા. એમણે પોતે ચૂસેલી એક અરધી કેરી ગંગારામને ચૂસવા આપી. બ્રાહ્મણ હોય તે બ્રાહ્મણનું પણ એઠું ખાય નહીં. તેથી ગંગારામે કેરી ખાવાની ના પાડી.

થોડાં સમય પછી ગંગારામે શ્રીહરિ પાસેથી દિક્ષા લીધી અને ગંગારામ બ્રહ્મચારી થયાં. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે દિક્ષા લે તે બ્રહ્મચારી કહેવાય છે. તે શ્વેત કપડાં પહેરે છે. શ્રીહરિએ તેમને દિક્ષા આપી. જ્ઞાનસ્વરુપાનંદ સ્વામી નામ આપવાનો વિચાર મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યો. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, “મહારાજ…! એમનું નામ ધર્મસ્વરુપાનંદ સ્વામી પાડો. કારણ કે એમનું ધર્મનું અંગ અતિ બળવાન છે. પછી શ્રીહરિએ એમનું નામ ધર્મસ્વરુપાનંદ સ્વામી પાડ્યું.

શ્રીહરિ જ્યારે અક્ષરધામમાં પધાર્યા અને જ્યારે જ્યારે તેઓ કેરીની વાત કરે ત્યારે ત્યારે તેમની આંખોમાં ટપ ટપ આંસુ પડતાં. અને નિસાસા સાથે તેઓ કહેતા, “મારાથી મહારાજની કેરીની પ્રસાદી જમાણી નહીં.”

જય શ્રી સ્વામિનારાયણ.

– કલ્પેશસિંહ ગોહિલ, દિવ્ય સત્સંગ