પાળિયાની દુનિયામાં વાઘા બારીનું સ્થાન અનોખુ છે. ‘બારી’ એ રાજપૂતોની ‘મકવાણા’ પેટા શાખા છે. કચ્છના રાપર તાલુકાની સરહદ ઉપર પ્રાચીન(ધૃતપદી) હાલનું ગેડી નામે ગામ છે.ગેડીમાં અનેક શાખાના રાજપૂતો આવીને વસ્યા છે.વાઘેલાઓ ત્યાંના રાજકર્તા હતા.રાજપૂતો તેમને દિલોજાનથી મદદ કરતાં.સંવતનો સત્તરમો સૈકો વીતી ગયો હતો. અઢારમાં સૈકાની શરૂઆત થઈ ગઈ હતી.વાઘેલા રાણા પચાણજીનો રાજઅમલ ગેડી ઉપર તપતો હતો.વાઘો બારી એમનો માનીતો હતો. પાંચ હાથ પુરો, હાથીની સુઢ જેવી ભુજાઓ ધરાવતો વાઘો તેની શક્તિ અને સાહસ માટે રાજપૂતોમાં પણ જાણીતો હતો.
એક વખત વાઘાની પત્ની તલના તેલની ધાણી કઢાવવા બાજુના ગામમાં ગઈ.ઘાંચીએ તલ લઈ પીલવાનું શરૂ કર્યું. બાઈ ખાલી સુડલો તેલનો ગાડવો અને કપડાનો એક ટુકડો લઈ દૂર બેસી ઘાણીમાંથી બહાર આવતા તેલને નીરખી રહી હતી. તાજા તેલની સુવાસ આસપાસના વાતાવરણમાં ફેલાઈ રહી હતી.તલ લગભગ પિલાઈ જવા આવ્યા હતા. બાઈ ઊભી થઈ. ઘાંચીએ ઘાણી ઊભી રાખી તેલનું ઠામ લેવા એ નીચો વળ્યો ત્યાં બારણાંમાંથી ત્યાંના વણોલ શાખાના રાજપૂત વજાએ કહ્યું(વણોલ એ ગોહિલોની પેટા શાખા છે) “આ ઘોડાનો તોબરો એ તેલમાં બોળી દે ”
ઘાંચી ચમકી ગયો. વજો એનો પરિચત હતો. ગામમાં એની રાડ બોલતી હતી ભલભલા શૂરવીરો તેનાથી છેટા ભાગતાં. આવા માણસને ના પાડવાનું જોખમ એ જાણતો હતો, તો સામે વાઘા બારીનો પણ તેને ખ્યાલ હતો, બારીના તેલમાં વણોલ પોતાના ઘોડાનો તોબરો બોળી જાય એ બારી સહન કરી લે એમ ન હતું. એની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી. હાથ જોડીને એ બોલ્યો ” વજાભા આ તેલતો વાઘા બારીનું છે.એને ખબર પડે તો મારું તો ચામડું ચીરી નાખે. તમારે પણ ઉપાધિ થાય લાવો હું એ તોબરાને બીજા તેલમાં બોળી રાખીશ પછી લઈ જજો.”
“બારીનું હોય કે એના બાપનું હોય, મારો તોબરો તો એ તેલમાં જ બોળીશ, બારીની માંએ જ રાજપૂત જણ્યા છે તે બીજા રાજપૂત મરી ગયા છે ?
ઘાંચી ગભરાયો પણ હિંમત રાખી બોલ્યો; તમારી વાત સાચી વજાભા. પણ હું રહયો નાનો માણસ મારાથી એવો મોટાનો હદડો ખમી શકાય નહીં. મે તો મારી ફરજ બજાવી હવે તમને એમ લાગતું હોય કે બારી કરતાં તમે સવાયા રાજપૂત છો તોય મને વાંધો નથી.મારે તો બેય કોર નુકશાન છે માટે તમારે તોબરો બોળવો જ હોય તો જાતે જ બોળો, જેથી મારો કાંઈ વાંક ગણાય નહિ.”
વજાભા ઘોડાથી નીચે ઊતર્યા. ખોંખારો ખાઈ મુંશે વળ દીધો અને પોતાના હાથે જ તલના ફોરમ મારતા તેલમાં બોળી થોડીવાર તેલ ડખોડી ચાલતો થયો. તોબરામાંથી ટપકતું તેલ તેની નિશાની મુકતું ગયું. ઘાંચી અવાસક શો ઉભો રહ્યો. મહામહેનતે એણે પોતાની સ્વસ્થતા પાછી મેળવી. બોલ્યો”
“બા, હવે જે થવાનું હતું તે થઈ ગયું. લાવો મારા તેલમાંથી તમારૂં ઠામ ભરી આપું. મેં તો મારાથી બનતા બધા પ્રયત્નો કર્યો પણ મારે તો તળાવમાં રેહવું ને મગરમચ્છ સાથે વેર બાંધવા જેવું છે. જરાક આડું પડે તો હું ગરીબ માણસ માર્યો જાઉ.”
બાઈએ કહ્યું એમાં તમારો વાંક નથી ભાઈ જે થવાનું હતું તે થઈ ગયું હવે તો બારી જાણે ને તારા વજાભા જાણે તું તારે આનંદ કર. તારૂં તેલ મારે ન ખપે.”
બાઈએ ખાલી સુડલો,ગાડવો અને કપડું ઉપાડી લીધાં ને ઝડપથી ઘાણી બહાર નીકળી ગઈ તેનું રૂપાળું મોં ગંભીર થઈ ગયું હતું. આખો અગ્નિ જેવી ધખીને લાલ થઈ ગઈ હતી. છાતી ધમણની જેમ હાંફતી હતી.ઓરડામાં આવી એણે સુડલો બાજુ પર ફેંક્યો. બારણાં બંધ કરી તે ટૂંટિયું વાળી એક તરફ પડી રહી.
સૂરજના દાઝતા અજવાળા સકેલાઈ આછી ચાંદની રેલાઈ પણ બાઈ એમને એમ પડી રહી. એને સમયનું ભાન નહોતું.મોડે મોડે વાઘો બારી ઘેર આવ્યો. ઘરમાં અંધારૂં જોયું.ઓરડામાં ખંખોળતો એ પત્ની પાસે આવ્યો. ” કેમ આજે અંધારૂં છે. ?” તેણે પૂછ્યું પણ બાઈએ કાંઈ જવાબ આપ્યો નહિ.
” નથી સંભળાતું ?” બારીનો ઘોઘરો અવાજ ઓરડામાં પડઘા પાડી રહ્યો.બાઈ રડી પડી.
” કોણ મરી ગયું છે ? ” બાઈને રડતી જોઈ વાઘાએ ઠેબુ મારતા પૂછ્યું.
બાઈએ કહ્યું ; ” મારો ધણી મરી ગયો છે એનું મોં વાળું છું. ”
વાઘાના રૂંવાડા અવળા થઈ ગયા. એનો હાથ તરવાર પર ગયો. ” મીધુ બોલે છે કે આ વળગાડું ?” વાઘાએ ત્રાડ નાંખતા કહ્યું.
” નબળો ધણી બૈયર પર શુરો.” બાઈએ ફરી મહેણું માર્યું. મને મારશો તો તમારી બહાદુરી જોઈ વણોલ ખુશ થઈ જશે.”
વાઘાને લાગ્યું કે નક્કી વણોલ રાજપૂતો તરફથી પોતાની પત્નીનું કાંઈક અપમાન થયું છે. નહિતર રાજપુતાણી આમ ન બોલે એણે ધીમે ધીમે બધી વાત જાણી લીધી. વજાએ પોતાનું ભયંકર અપમાન કર્યું છે તે જાણતાં જ તેણે તરવાર બહાર કાઢતાં કહ્યું. રોવાનું છોડ. જો અત્યારે જ વજાનું માથું કાપી તારી પાસે ન લાવું તો મારા નામનું નાહી નાખજે. ” બાઈ રડવાનું બંધ કરી ઘોડા પર ચાલ્યા જતા પતિ પાછળ જોઈ રહી. શંકા આશકાથી એનું હૃદય ધ્રૂજી ઊઠ્યું.
મધરાતનો ગજર ભાંગ્યો ત્યાં ઘોડાના ડાબલા સંભળાયા.ફટાક કરતાં કમાંડ ઊઘડી ગયાં, લે તારા બળતાં કાળજાને ઠાર. આ તારું અપમાન કરનાર વજાનું માથું કહી વાઘા બારીએ અંધારામાં બાઈ તરફ માથું ફેંક્યું. બાઈ ઊભી થઈ દીવો સળગાવ્યો. માથા તરફ જોયું અને સંતોષથી પતિ સામે જોયું માથામાંથી ટપકતું લોહી આંગળીએ લઈ કપાળે ચાંદલો કર્યો અને પતિના ચરણમાં ઢળી પડી.
આમ વાઘા બારીની ધાક વણોલ રાજપૂતો ઉપર બેસી ગઈ. સમય સરવા લાગ્યો વિક્રમની 1715ની સાલ બેઠી. લોકોએ દિવાળી આનંદભેર ઊજવી ન ઊજવી ત્યાં વાવ-થરાદના રાણા ચાંદોજી પોતાની સાથે જાડેજા મૂળવાજીને કોળી જોસાની મદદ લઈ ગેડી પર ચડી આવ્યાં. જોસો કોળી ખુબ બહાદુર ગણાતો.તેની પાંચસો કોળીની ફોજ હતી.આ ફોજની વચ્ચે સોનાંની પાલખીમાં બેસી કોળી જોસો ગામમાંથી પસાર થતો ત્યારે ભલભલા દરબારોની મૂછના પાણી ઉતરી જતા.
ગેડીના રાણાઓએ રાજપૂતોનો સાથ લીધો.લડાઈ પૂરજોશમાં ચાલી અતુલ પરાક્રમ દાખવી યોધ્ધાઓ સ્વર્ગ સિધાવ્યા પણ હારજીતનો ફેંસલો થયો નહિ.
રાણા લખધીરજીએ વાઘા બારીને બોલાવ્યો. આમ જો ચાલતું રહેશે તો ગેડીને નીચુ જોવું પડશે તેની વાત કરી. કોળી જો રાજપૂતોથી વધી જાય તો રાજપૂતોનું નાક જાય વાઘા બારીએ બધી વાત સાંભળી લીધી પણ કાંઈ બોલ્યો નહિ. લખધીરજી નિરાશ થયા.
બીજા દિવસે યુધ્ધમાં વાઘા બારીએ અપૂર્વ વીરતા બતાવી અનેક સૈનિકોનો ધાણ કાઢ્યો, કોળી જોસા પાસે જઈ તેનું માથું ઉતારી લીધું. લશ્કરમાં હાહાકાર છવાઈ ગયો. વાઘેલા ચાંદોજી તેના પર તૂટી પડ્યા. વાઘો ખૂબ બહાદુરીથી લડ્યો. ચાંદોજી રણમેદાન ઉપર જ કામ આવી ગયા. અનેક ઘાથી વેતરાયેલો વાઘો લખધીરજી પાસે પોહચ્યો ત્યારે તેની નસેનસ તુટતી હતી.ચારે તરફ લાગેલા ઘામાંથી લોહી વહી રહ્યું હતું. આંખે અંધારા આવતા જતા હતા. જોસા કોળીનું મસ્તક લખધીરજીના ખોળામાં ફેંકી તેણે હાથ જોડ્યા. પળવારમાં જ તેનું પ્રાણપંખી સ્વર્ગની સીડી તરફ ઊડી ગયું. લખધીરજીની આંખ ભીની થઈ ગઈ.
યુદ્ધ બંધ થઈ ગયું. રાણાશ્રી ચાંદોજી તથા કોળી જોસા જેવા વિરવરોના મૃત્યુંથી નાસીપાસ થઈ મૂળવોજી નાસી ગયા. ગેડીની જીત થઈ પણ તે માટે વાઘા બારી જેવા મોંઘાંમુલા શૂરવીરનો ભોગ આપવો પડ્યો. ગેડીથી આથમણે આવેલા મીઠા તળાવમાં વાઘા બારીનો પાળિયો તેના અદભૂત શૂરાતનની વાતો કરતો આજે પણ ઊભો છે.
TYIP – નરેશસિંહજી ગોહિલ(વાગડ)
સાભાર હરવર્ધનસિંહ ડાભી (અમર કથાઓ ગ્રુપ)