આનંદ-કિલ્લોલ કરતો પરિવાર ઘડીના છઠ્ઠા ભાગમાં હતો ન હતો થઈ ગયો, વાંચો હૈયું કંપાવી દે તેવો પ્રસંગ.

0
1978

“રામ રાખે તેમ રહીએ”

લેખક – જયંતિભાઈ આહીર.

ચાલીસેક વર્ષ પહેલાની વાત છે. સવારે છાપામાં કંપારી છૂટી જાય તેવા એક કરૂણ સમાચાર વાંચ્યા જે આજેય માનસપટ પરથી હટતા નથી. એ સમાચારની વાત નામમાં ફેરફાર સાથે અહીં રજૂ કરું છું.

અમદાવાદના શ્રમજીવી વિસ્તાર બાપુનગરમાં અરજણ પત્નિ જમના સાથે રહેતો હતો. મૂળ ગામડાના અરજણ કડીયા કામ જાણતો હતો, તો જમના મજૂર તરીકે કામ કરતી. અરજણ ખૂબ મહેનતું અને કડીયા કામમાં હોંશીયાર તો જમના નિષ્ઠાથી મજૂરી કામ કરતી. કામ પ્રત્યેની ધગશ અને નિષ્ઠા ગમતા લોકો સામેથી કામે બોલાવતા આ દંપતી સારૂ એવું કમાવા લાગ્યા.

અરજણ – જમના અમદાવાદમાં સ્થિર થતા તેના સુખના દિવસો શરૂ થતા ગામડે મા-બાપને પણ મદદ કરતા. જોકે લગ્નના સાતેક વર્ષ વીતવા છતાં આંગણે ખોળો ખુંદનાર ન હોય જમના દુ:ખી હતી, તે જોઈ અરજણ તેને હૈયાધારણ આપતો.

ધાર્મીકવૃત્તિના કડીયા દંપતિએ શેર માટીની ખોટ પુરવા દેવી-દેવતાની માનતા માનવા સાથે વૈદો-હકીમોની સારવાર લેવાનું શરૂ કરતા તેના આંગણે લગ્નના આઠમા વર્ષે પુત્રનો જન્મ થયો. દીકરાનો જન્મ થતા અરજણે તેને દેવે દીધેલો માની દેવજી નામ રાખ્યું, સૌ હેતથી તેને દેવલો કહી બોલાવતા.

શેર માટીની ખોટ પુરાતા કડીયા દંપતિ ખુશ હતો. અરજણ હવે કડીયાથી મીસ્ત્રી બનતા આવક પણ સારી એવી વધી. નાના બાળકને લીધે જમનાએ મજૂરી કામ છોડી દીધું. ઈશ્વર મહેરબાન હોય તેમ જમનાએ બીજા વર્ષે બીજા દિકરાને જન્મ આપતા અરજણે સગા-વહાલા તેડાવી ધામધૂમથી નામકરણ વિધિ કરી તેનું નામ ‘મનસુખ’ રાખ્યું.

અરજણની કડીયા કામની સૂઝ અને કામ પ્રત્યે નિષ્ઠાના લીધે તે સ્વતંત્ર કામો રાખવા લાગતા કામ સાથે નામ અને તેની કમાણીમાં પણ વધારો જોવા મળ્યો. અરજણે આવક વધતા ભાડાની જગ્યાએ પોતાની માલીકીનું બે માળનું મકાન લીધું. સ્વજનોને પણ ઈર્ષા આવે તેવી કડીયા દંપતિની સુખ-સમૃદ્ધિ વધતા જાણે ભગવાન મહેરબાન હોય તેમ મનસુખના જન્મ પછી ત્રીજા વર્ષે જમનાએ વળી એક દિકરાને જન્મ આપતા તેનું નામ ‘સુરેશ’ રાખ્યું.

ઘરની સંભાળ સાથે ત્રણ દિકરાની મસ્તી વચ્ચે જમનાનો દિવસ ક્યારે પૂરો થઈ જતો તેની તેને ખબર ન રહેતી. નાનો સુરેશ સાત-આઠ મહીનાનો થતા ભાખડીયા ભરતો થઈ ગયો.

ચોમાસું ઉતરતા દિવાળીના તહેવારો પહેલા કડીયા કામની મોસમ જામી હતી. અરજણ પાસે કામ ઝાઝા અને દિવસો થોડા હતા. દિવાળી તહેવારો માથે હોય સૌને પોતાના કામ પૂરા કરવાની ઉતાવળ હતી.

’આ વર્ષે કામ બહુ રાખ્યા છે, મજુરો મળતા નથી’ને દિવાળી માથે આવી છે ત્રીસની જગ્યાએ ચાલીસ રૂપિયા આપવા છતાં મજૂરો મળતા નથી !’

’આ બે તોફાની’ને ઉપરથી સુરીયાને રેઢો મેલવો પોસાય નહીં નહીંતર હુંય તમારી સાથે કામે આવી જાત !’

’તું ઉપાધી ન કર્ય થોડીક મજૂરી વધુ આપી બાકી કામો પૂરા કરી નાંખીશ; જોકે આ દિવાળીએ કમાણી પણ સારી થશે !’

‘હા, તમે રાત-દિ’ મે’નત કરો છો પછી કમાણી તો થાય ને !’

‘હા, તુંય ઘર, છોકરા ‘ને મે’માનમાંથી ક્યાં ઉંચી આવશ લે ત્યારે હું નાકે આંટો મારી આવું !’

’તમે નાકે આંટો મારી આવો ત્યાં સુધીમાં હુંય વાળુંની તૈયારી કરી લવ !’

’અરે, મગનશેઠ કદાચ કંત્રાટના રૂપિયા આપવા આવશે, જરા સંભાળીને મૂકજે !’

’ભલે તમે ચિંતા ન કરો, ઈ’ તો હું સાચવીને મૂકી દઈશ !’

ફળિયામાં કોલસાની સગડી પર જમના રસોઈ કરવા બેઠી, શાક-ખીચડી તૈયાર થતા જમનાએ બાજુમાં ગોદડી પાથરી સુરેશને સુવડાવી કથરોટમાં બાજરાનો લોટ મસળવાનું શરૂ કર્યું. દિવાળીના તહેવારો નજીક હોય દેવજી અને મનસુખ સગડીના તાપે નાની ફુલઝરો સળગાવી બાળ સહજ મસ્તીએ ચડ્યા, એટલામાં ડેલીએથી મગનશેઠે સાદ કર્યો,

’અરે, અરજણ ઘરે છે કે?’

‘આવો, શેઠ ઈ’ હમણાં જ નાકે ગયા થોડીવારમાં આવી જશે !‘

’બેન, મેં અરજણને બપોરે કીધુ’તું કે સાંજના તારે ઘરે આવી હિસાબ કરી જઈશ, લો આ પાંચ હજાર રૂપિયા સો-સોની પચાસ નોટ છે, જરા ગણી લેજો !’

’ના રે શેઠ, તમે ગણ્યા હોય પછી મારે શું ગણવાના શેઠ છાંટોક ચા પીશો તમારા ભાઈ આવતા જ હશે !’

’ના, બેન મારે ઉતાવળ છે પછી કયારેક આવીશ લો રામ રામ !’

જમનાએ રૂપિયા બાજુમાં મૂકી લોટનો પીંડો હાથમાં લેતા ગીત ગણગણતી રોટલો ઘડવા લાગી.

એ વખતે દેવજી સગડીમાં સળગતા કોલસાથી ફુલઝરને સળગાવી ધાબે ચડયો. ઇ’ જોઈ મનસુખે માના ઢીંચણ પાસે રૂપિયાનું બંડલ જોતા બાળસહજ તેને કાગળ સમજી તે સગડીમાં નાંખી ફુલઝર સળગાવવા હાથ લંબાવ્યો. મનસુખે હાથ લંબાવતા સગડીમાં ભડકો થયો. અચાનક ભડકો થતા જમનાએ ચમકતા પતિના પરસેવાની કમાણી સગડીમાં ખાખ થતી જોઈ. ઇ’ જોતા જ જમના ક્રોધમાં બેકાબુ થતા રાડ પાડી.

‘મનસુખીયા !’

માની રાડથી મનસુખ ગભરાતા તેના હાથમાં પકડેલ ફુલઝર પડી જતા ગભરાટમાં વાંકા વળી ફુલઝર લેવા જતા હાથમાં ફુલઝરની જગ્યાએ શાક સુધારવાનું ચા-કુ પકડી સીડી તરફ ભાગ્યો. એ જોઈ ક્રોધમાં ભાન ભૂલેલી જમના હાથમાં તાવીથો લઈ મનસુખ પાછળ દોડી. માના ગુસ્સાથી ડરેલો મનસુખ ધાબાની સીડી ઝડપથી ચડવા લાગ્યો ત્યારે દેવજી માની રાડ સાંભળી નીચે શું થયું? તે જોવા ધાબા ઉપરથી નીચે આવવા ઝડપથી સીડીના પગથિયા ઉતરવા લાગ્યો.

હાથમાં ખુલ્લા ચા-કુ સાથે ઝડપથી સીડી ચડી રહેલા મનસુખનો ભેટો ઉતાવળે સીડી ઉતરી રહેલા દેવજી સાથે થતા મનસુખના હાથમાં રહેલું ચા-કુ દેવજીના પેટમાં ઉતરી ગયું, અચાનક કુમળા પેટમાં ધારદાર ચા-કુ વાગતા દેવજી સીડી પરથી ધડામ કરતો ફળિયામાં પડ્યો. તો બીજી બાજુ મનસુખ માના ક્રોધથી બચવા ગભરાટમાં સીડી પૂરી થતા ધાબા ઉપર દોટ મૂકતા પેરાફીટ કૂદતા ધાબા પરથી સીધો રોડ પર પડ્યો.

ક્રોધમાં ભાન ભૂલેલી જમનાએ અચાનક દેવજીને સીડી પરથી ફળિયામાં નીચે પડતો જોયો. દેવજીને સીડી પરથી પડતો જોઈ જમના ગભરાતા પાછી ફરી સીડી ઉતરતા નીચે આવી દેવજીના પેટમાં ચા-કુ જોયું. પેટમાંથી નીકળતા લો-હી સાથે દેવજીને તડફડીયા મારતો જોઈ જમના મોટેથી રોક્કળ કરવા લાગી. જમનાને રોતી સાંભળી પાડોશીઓ દોડી આવ્યા, એ સાથે ધાબા ઉપરથી રોડ પર પડેલ મનસુખને લો-હીલુહાણ હાલતમાં કેટલાક લોકો ઉંચકી અરજણના ઘરમાં લાવ્યા.

જમનાએ કલૈયા કુંવર જેવા બે દિકરાના મૃતદેહો જોતા તે હેબતાઈ ગઈ. ગભરાટમાં બેબાકળી થયેલી જમનાની નજર અચાનક સગડી પાસે ખાલી પડેલી ગોદડી તરફ જતા તે અવાચક થઈ ગઈ. ગળામાંથી અચાનક અવાજ જતો રહેતા ચકકળ વકકળ આંખોના ઇશારે તે લોકોને ખાલી ગોદડી બતાવવા લાગી.

બેબાકળી અવાચક જમનાના ઈશારા સમજતા લોકો સુરેશને શોધવા ઘરનો ખૂણેખૂણો ફેંદી વાળ્યા, પરંતુ સુરેશ ક્યાંય જોવા ન મળ્યો. અચાનક એક ભાઈની નજર ફળિયામાં આવેલી પાણીની કુંડી પર પડતા સુરેશની લા-શ પાણીમાં તરતી જોઈ. ઘડીના છઠ્ઠા ભાગમાં આનંદ- કિલ્લોલ કરતો પરિવાર હતો ન હતો થઈ ગયો.

આપણા શાસ્ત્રોમાં સંસારને ક્ષણભંગુર કહ્યો છે. જોકે આ બધી જ્ઞાનની વાતો કેટલી પીડાદાયક છે? તે તો પીડા સહન કરનાર જ કહી શકે ! સુખ અને દુ:ખ કોને કહેવાય? ભગવાન કયારે આપણા હાથમાં લોલીપોપ આપી રાજી કરે? અને કયારે પાછો છીનવી લે? તેની કોઈને કંઈ ખબર નથી ! આવા કરૂણ પ્રસંગો આપણને હચમચાવી મૂકી ઈશ્વરની સર્વોપરીતા સ્વીકારવા મજબૂર કરી દે છે.

નરસીં મહેતાની પ્રખ્યાત પંક્તિ ‘ભલુ થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ’ વાંચવી-સાંભળવી ખૂબ ગમે. પરંતુ નરસીં મહેતાની જેમ આસક્તિભાવ છોડી સાક્ષીભાવ કેળવી સુખ-દુ:ખ સમાન સમજી સ્થિતપ્રજ્ઞ થવું આપણા જેવા સંસારીઓ માટે અઘરું જ નહીં અશક્ય છે. જોકે સદાચારી જીવન, સદૈવ ઈશ્વર સ્મરણ સાથે સમર્પણ ભાવ મનુષ્યમાત્રને મહાસંકટમાંથી ઉગારે છે.

લેખક – જયંતિભાઈ આહીર.