દીકરો અને વહુ રાખતા ન હતા બીમાર માં ની સંભાળ, પછી નોકરાણીએ જે કર્યું તે હૃદયને સ્પર્શી જશે.

0
3000

ઘડપણની લાકડી કોણ?

ઓફિસેથી આવ્યા પછી વિનીત તેની ફાઈલોમાં ખોવાઈ ગયો હતો અને માધવી તેના મોબાઈલમાં. પછી લતા (તેમની જૂની નોકરાણી) ચા અને કટલેસ લઈને આવી. માધવીએ તેની સામે વખાણ કરતી નજરે જોયું અને કહ્યું, “જો તમે ન હોત તો ખબર નહીં શું થાત! ઓફિસેથી થાકીને આવીને ચા પીવા માટે પણ મહેનત કરવી પડી હોત.”

લતાએ કહ્યું, “અરે વહુરાણી, તમે શું વાત કરો છો. હું માત્ર સત્તર વર્ષની હતી અને વિનુભાઈ માત્ર પાંચ વર્ષના હતા ત્યારથી અહીં આવું છું. પૂરના કારણે થયેલી તારાજીને કારણે મારું ઘર અને મારો પરિવાર છીનવાઈ ગયો. બધું ભગવાને લઈ લીધું.” હજુ તો લતા તેના શબ્દો પુરા કરે ત્યાં તો વિનીતની માતા શાલિનીજીનો ઉધરસનો અવાજ સાંભળીને લતાએ વિનીતને કહ્યું, “વિનુભાઈ મમ્મીની દવાઓ પુરી થવાની છે. તમે લાવ્યા છો? ગઈકાલે મેં તમને કાગળ આપ્યું હતું.”

વિનીતે બૂમ પાડતા કહ્યું “તમે જોતા નથી, હું અગત્યનું કામ કરું છું. અને વચ્ચે અવાજ કરી રહ્યા છો.” માધવીએ પણ વિનીતની તરફેણ કરી અને કહ્યું, “હા, લતાબેન મમ્મીનું તો આ દરરોજનું થઈ ગયું છે. અમે બંને અમારું બધું કામ છોડીને તેમની સેવા માટે બેસી ન શકીએ. હું તેમની રોજની બિમારીઓથી કંટાળી ગઈ છું.”

લતાએ નિસાસો નાખ્યો અને કહ્યું, “ભાઈને દવા પર થોડું ડિસ્કાઉન્ટ મળે છે, એટલે જ મેં તેમને લાવવા કહ્યું હતું. નહીં તો હું લઈ આવી હોત.” રડવા જેવી હાલતમાં લતા તેમના રૂમમાંથી બહાર આવી અને સીધી શાલિનીજીના રૂમમાં ગઈ. તેમને પાણી આપ્યું અને તેમની પીઠ પર હાથ ફેરવવા લાગી.

શાલિનીજીએ પોતાના આંસુઓ અંદરને અંદર પીતાં લતાને કહ્યું, “અરે ગાંડી, મારું કોઈ કામ એ બંનેને ન કહેતી. મારી પાસે હજુ મારી વૃદ્ધાવસ્થા માટે પૈસા છે. તું જ મારી દવા લાવ્યા કર, ભલે ગમે તેટલી મોંઘી હોય. લતાએ તેમને ગળે લગાવીને કહ્યું, “મારા જેવી અનાથ પર દયા કરીને તમે મને તમારી સાથે તમારા ઘરે લઈ આવ્યા હતા. તમે તો મને મારા લગ્ન માટે કેટલી વાર પૂછ્યું છે, પણ મમ્મી, મેં આ ઘરને મારી દુનિયા સમજી લીધી છે. અને તમે તો મારા માટે મારા મમ્મી-પપ્પા કરતાં વધુ છો. તમારુ દુઃખ હું જોઈ શકતી નથી”.

“સારું, હવે ચુપ થઈ જા. તું મને રડાવિશ કે શું? મારા કારણે તને ફરી ઠપકો આપે એ પહેલાં માધવીને પૂછ કે જમવામાં શું બનાવવાનું છે, અને જમવાની તૈયાર કરી લે.” લતા ઊભી થઈ અને બોલી, “વહુરાણી તો કંઈક તેલવાળું કહેશે, જે તમને નુકસાન પહોંચાડશે. તમારા માટે થોડું તુરિયાનું શાક બનાવી દઉં છું. લતાને પ્રેમથી ઠપકો આપતાં કહ્યું, “તું હંમેશા મારી ચિંતા કર્યા કરે છે. અરે મારા કરતા તો તારી આ ઘરમાં વધુ કદર થાય છે. હું આ ઘરમાં એવી અનિચ્છનીય વસ્તુ છું કે જે ઘરમાં રાખી હોય તો ફેંકી શકાતી નથી અને ઘરમાં કટક્યા કરે છે.”

શાલિનીજીની આ વાતથી લતાનું હૃદય ખૂબ જ તૂટી ગયું. તે એક પણ શબ્દ બોલ્યા વગર માધવીના રૂમ તરફ જઈ રહી હતી… ત્યાં જ વિનીત અને માધવીના ઝગડાના અવાજોથી તેના પગ થંભી ગયા. તેણીએ પોતાના કાને જે સાંભળ્યું તેના પર તેને વિશ્વાસ થઈ શક્યો નહિ. માધવી તેની સાસુને હજુ સુધી વૃદ્ધાશ્રમમાં ન મોકલવા બાબતે વિનીત સાથે ઝગડી રહી હતી. વિનીત તેને કહી રહ્યો હતો કે, “થોડી ધીરજ રાખ, મેં ચાર-પાંચ જગ્યાએ તપાસ કરી છે. હું ક્યારેય તેમને અચાનક જ ક્યાંય પણ મૂકી નહીં આવું. છેવટે, તે મારી માં છે.” લતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું.

પ્રતીકાત્મક ફોટો

એવામાં માધવી પગ પછાડતી ત્યાં આવી અને લતા પર ગુસ્સો કરતા બોલી “તમે અહીં ઉભા રહીને અમારી વાતો સાંભળી રહ્યા હતા… હવે આ ઘરમાં રહેવું મારા માટે મુશ્કેલ છે”. લતાએ મામલો સંભાળતા કહ્યું, “વહુરાણી, હું ખાવામાં શું બનાવું તે પૂછવા તમારા રૂમ તરફ આવી રહી હતી.” માધવી પણ બધું સમજતી હતી, પણ લતાને નારાજ કરે તો તેનું કામ થઈ શકે એમ ન હતું, તેથી તેણીએ ઝડપથી બધું કહી દીધું અને બહાર બાલ્કનીમાં ગઈ.

લતાએ તરત જ ભોજન બનાવવાનું શરૂ કર્યું. જમવાનું બનતા જ તે શાલિનીજી માટે જમવાનું કાઢીને હજી રસોડામાંથી બહાર જ આવી રહી હતી કે માધવીએ તેમને અટકાવીને કહ્યું, “તમને કેટલી વાર કહ્યું છે કે આજકાલ તુરિયા બહુ મોંઘા છે, લાવવા નહીં. ખબર નથી પડતી? એક દિવસ મમ્મી મલાઈ-કોફ્તા ખાય લે તો તેમને કંઈ થશે નહીં.

કહેવાય છે કે કોઈને કોઈ દિવસે દરેકની સહનશક્તિ જવાબ આપે છે… આજે લતા સાથે પણ કંઈક આવું જ થયું. લતાની આંખો, નાક અને કાન બધું જ લાલ થઈ ગયું. તેમણે બૂમ પાડી “બસ કરો માધવી વહુ… બસ કરો.” હું જાણું છું કે કેવી રીતે મમ્મીએ વિનીતને ઉછેરવામાં દિવસ-રાત એક કર્યા છે. બાપુજી મોટાભાગે શહેરની બહાર રહેતા હતા. વિનીતની બહેન કાજલને મમ્મી એમ કહીને ચીડવતા કે, “તું લગ્ન કરીને પરદેશ જતી રહેશે, પણ મારી વહુ દીકરી બનીને આવશે.” પણ ભગવાને કદાચ તેમના નસીબમાં દીકરીનું સુખ લખ્યું નથી.

અકસ્માતમાં કાજલના મ-રુ-ત્યુ પછી પણ માતા બધાને એક જ વાત કહેતી રહી કે “ભગવાને દીકરી છીનવી લીધી પણ મારી કાજલ વિનીતની વહુ બનીને પાછી આવશે. પણ તેમને શું ખબર, દીકરી તો ઘણી દૂરની વાત છે તેમની વહુ તો વહુ પણ નહીં બની શકે.” પછી વિનીત ગુસ્સામાં ત્યાં આવ્યો અને લતાના મોઢા પર ત-મા-ચો મા-ર્યો અને કહ્યું, “નોકરાણી છે… નોકરાણી બનીને રહેજે, તારી ભાભીની માફી માંગ.”

શાલિનીજી, જે આટલા લાંબા સમય સુધી પોતાના રૂમમાં ચુપચાપ બેસીને બધું સાંભળી રહ્યા હતા, તે લથડાતા લથડાતા ત્યાં આવ્યા અને લતાને ભેટીને કહ્યું, “ગાંડી, ભગવાને મને પહેલેથી જ એક દીકરી આપી છે, પણ હું જ તને ઓળખી શકી નહીં.”

ચાલ તારો અને મારો સામાન પેક કર. વિનીતના પપ્પાને ખબર નહિ મારી કેટલી ચિંતા હતી કે તેમણે મારા માટે બીજો ફ્લેટ પણ લઇ રાખ્યો હતો. હવે આપણે બંને ત્યાં જ રહીશું. હું નકામી અહીં દીકરા-વહુના મોહમાં પડી રહી… એમ કહી લતાનો હાથ પકડીને શાલિનીજી તેમના રૂમ તરફ ગયા. અને પછી બંને જણા ઘર છોડીને જતા રહ્યા.