‘ઘડતર પાછળ ખર્ચેલા સમયનું વળતર’ આ સરસ મજાની સમજવા માટેની સ્ટોરી છે, આખા કુટુંબ સામે વાંચજો.

0
676

દિપેન નો સ્વભાવ આમતો આનંદી.. તેની હાજરી જ્યાં હોય ત્યાં સમય પસાર કરવા માં તકલીફ કોઈ ને ના પડે….

દિપેન ના લગ્ન થયા….આમ તો ઘર ની જવાબદારી અમે ઉપાડી શકીયે તેટલી અમારી આર્થિક સધ્ધરતા હોવા છતાં….મેં દિપેન ની માથે અમુક જ્વબદારી જાણી જોઈ ને નાખી હતી…

મેં તેને કીધું હતું બેટા તારે દર મહિને અમને 20,000 રૂપિયા ઘરખર્ચના આપી દેવા. ઘટતા રૂપિયા અમે ઉમેરીશું.

દિપેને પણ કોઈ પણ પ્રકાર ના સવાલ જવાબ કર્યા વગર હા પાડી….અને દર મહિને 20,000 રૂપિયા અમને આપવા લાગ્યો…

સ્મિતા પણ અમે એકલા હોય ત્યારે મને વઢતી…. શુ તમે પણ દિપેન ને હેરાન કરો છો….આમ રૂપિયા તેની પાસે થી લેવાતા હશે?

હું સ્મિતા ને કહેતો.. સ્મિતા… બાળકો ને થોડી જ્વાબદારી આપતા શીખવાડવી જોઇયે…. આપણી ગેરહાજરી માં અચાનક જ્વાબદારી માથે આવે તો….

દિપેન અને તેની પત્ની ડિમ્પલ ઉપર મને માન હતું.. કદી તેણે મને ત્રણ વર્ષ દરમિયાન પૂછ્યું નથી પપ્પા તમે 20,000 રૂપિયા નું કરો છો શુ?

પણ હમણાં ઘણા સમય થી દિપેનના રમતિયાળ સ્વભાવ માં પરિવર્તન આવ્યું હોય તેવું મને લાગતું હતું…ઓફિસે થી આવી થોડો સમય અમારી સાથે બેસી રૂમ માં જતો રહે…

રોજ સવારે ઉભો થઇ અમને પગે લાગનારો કોઈ કોઈ વખત પગે લાગવા નું ભૂલી જવા લાગ્યો… મને તેના વર્તન અને વ્યવહાર ઉપર શંકા જવા લાગી….

આજે સવારે હું મંદિરે જતો હતો ત્યારે તેનો મિત્ર તુષાર મને મળ્યો.. એ મને પગે લાગ્યો.. મેં ખબર અંતર પૂછી.. વાત વાત માં જે હકીકત હું જાણતો ન હતો એ વાત તુષાર દ્વારા જાણવા મળી… તુષાર તો વાતો કરી જતો રહ્યો પણ મારા શરીર માંથી અચાનક શક્તિ સંચાર જતો રહ્યો હોય તેવું મને લાગ્યું…

હું મંદિરે થી દર્શન કરી ઘરે તો આવ્યો….ન જમવા માં મન લાગે ન TV જોવા મા.. સ્મિતા એ પૂછ્યું.. કેમ તમારી તબીયત સારી નથી?

મેં કીધું….થોડું એવું લાગે છે…

હું મારા બેડ રૂમ માં આરામ કરવા જતો રહ્યો…

સાંજે દિપેન ઘરે આવ્યો.. બેઠકરૂમમાં મને બેઠેલો ન જોયો એટલે તેને પૂછ્યું… મમ્મી પપ્પા ક્યાં ગયા?

એ સુતા છે.. તેમની તબિયત આજે સારી નથી એવું કહેતા હતા…

દિપેન…. રોજ ની જેમ કો-રો-ના ને કારણે સીધો નહાવા જતો રહ્યો પછી.. મારા રૂમમાં તરત જ આવ્યો અને મારા માથે હાથ ફેરવી કહે પપ્પા તમારી તબિયત આજે સારી નથી?

ઘડપણ માં સંતાનો જ્યારે માથે હાથ ફેરવે ત્યારે જિંદગી નો થાક ઉતરી જાય છે… અંદર થી મને સારું પણ લાગ્યું.

હું બેઠો થયો…અને મેં દિપેન નો હાથ પકડી સામે પૂછ્યું… બેટા તારી તબિયત સારી છે? તને કોઈ તકલીફ તો નથી ને?

પપ્પા મારી તબિયત સારી છે… તમારી હાજરી જ્યાં હોય ત્યાં થી તકલીફ ભાગી જાય… દિપેન વાત બદલવા નો પ્રયત્ન કરતો હતો…

બેટા તું સમજણો થયો ત્યારે મેં તને એક વાત કહી હતી…. હવે આપણે મિત્રો છીયે… તું મારી માન મર્યાદા રાખે છે… એ મારા માટે ગર્વ ની વાત છે..બાપ અને દીકરા વચ્ચે મૈત્રી ભર્યા સબંધો… દુનિયાની કોઈ પણ મુસીબત સામે લડવા માટે હિંમત અને તાકાત આપે છે… પણ તું તકલીફ માં છે અને મને જાણ ન કરે… એ તો મને યોગ્ય ન લાગે…. ત્રણ મહિના થી પગાર નથી થયો છતાં તું મને દરમહીને 20,000 રૂપિયા ક્યાંથી આપે છે? મેં ભીની આંખે દિપેનને પૂછ્યું

દિપેન બોલ્યો પપ્પા.. તમને શું થયું છે.. આમ ઢીલા કેમ થઈ ગયા…

બેટા તારો મિત્ર તુષાર મળ્યો હતો.. તારી કંપની માં ત્રણ મહિના થી પગાર નથી થયો… કર્મચારીઓ ને છુટા કરે છે… આવી તકલીફો હોવા છતાં.. તું મને કહેતો નથી..

મારી બાજુ માં પડેલ ટૅબલ ઉપર થી ચેક લઈ મે દીપેંના ના હાથ માં મુક્યો… લે બેટા ચિંતા ન કરતો..

દિપેન એ ચેક માં રકમ જૉઈ.. 7.5 લાખ રૂપિયા.. અરે પપ્પા આટલા બધા રૂપિયા…

હા બેટા તેરા તુઝકો અર્પણ…

તારા લગ્ન પછી હું તારી પાસે થી 20,000 રૂપિયા દર મહિને ઘર ચાલવવાનું કારણ બતાવી લેતો હતો.. આ રકમ નું મેં પોસ્ટઓફીસ માં તારા નામે રીકરીંગ કરાવ્યું હતું….

ના પપ્પા… આ ચેક પાછો લ્યો.. તમે અમને ભણાવી પગ ઉપર ઉભા કર્યા હવે ઋણ ઉતારવાનો સમય આવ્યો છે..

પપ્પા એક વાત સમજો…

કો-રો-નાના બહાના હેઠળ ઘર ના સ્થિર ખર્ચ માં કોઈ રાહત તમને મળશે? ઇલેક્ટ્રિક બિલ, ગેસ નું બિલ, મેડિકલેમ, LIC, મોબાઈલ નું બેલેન્સ, કાર ,સ્કૂટર ના ઇન્સ્યોરન્સ ના પ્રીમિયમ , થર્ડ પાર્ટી નો ઇન્સ્યોરન્સ જો આ બધી જ રકમ ની મારે વ્યવસ્થા કરવી પડતી હોય તો ઘર ચલાવવા ની રકમનું કેમ નહિ? અને આ તો મારી નૈતિક પ્રથમ જ્વાબદારી છે પપ્પા…

અરે બેટા… લગ્ન પછી ઘણી વખત છોકરાઓ ઉડાઉ બની જાય છે.. મુસીબત વખતે બચત હોતી નથી… લાચાર થઈ ને ફરતા મેં જોયા છે…. પછી કુટુંબ પાસે સગા સંબંધીઓ પાસે અપેક્ષા રાખે…. અપેક્ષા પુરી ન થાય એટલે સામેની વ્યક્તિ ના અવગુણ દેખવા લાગે…. આમ સામાજિક સંબધો ધીરે ધીરે તૂટવા લાગે છે

ધીરે થી રૂમનું બારણું ખુલ્યું…

સ્મિતા બોલી શુ કરો છો બાપ દીકરો?

અમે બન્ને એ ભીની આંખ લૂછતાં કીધું..

સ્મિતા તું મને વઢતી હતી ને આ દિપેન પાસે થી 20,000 રૂપિયા લઈ તમને શું મજા આવે છે?

આજે વ્યાજ સાથે હું તેને પરત કરું છું.

સ્મિતા હસી.. બોલી વાહ…. આ વાત તમે મારા થી અત્યાર સુધી છાની કેમ રાખી?

સ્મિતા દિપેન સામે જોઈ બોલી બેટા.. વર્તમાન સંજોગો એવા છે… તમારી હોય તેટલી આવક વાપરી નાખો.. તો મુસીબત સમયે જીવન બોજા રૂપ લાગે…. આનંદ કરો પણ દેખાદેખી કદી ન કરો… દર્દ, દુશ્મન અને દેવું જેટલું વધારો તેટલું તેનું પરિણામ ભયાનક હોય..

યાદ રાખજે બેટા ઈર્ષા માંથી અસંતોષ નો જન્મ થાય છે..

અસંતોષ માંથી અશાંતિ નો જન્મ થાય… અને અશાંતિ હમેશા ઘર ની સુખ શાંતિ છીનવી લે છે..

મેં કીધું બેટા ..

હું દુનિયા નો સૌથી સુખી વ્યક્તિ છું… જે મેં પ્રાપ્ત કર્યું છે એ મારા પ્રારબ્ધ અને મહેનત નું પરિણામ છે.

મારી પાસે જે છે તેમાં હું સુખી છું….

મને મારા ભૂતકાળ માં રસ નથી..

મારા વર્તમાન ને હું સાચવી લઈશ.. તો મને મારા ભવિષ્ય ની ચિતા નથી….

સુખ માં છકી ન જવું અને દુઃખ થી ડરી ન જવું….જન્મ ની સાથે સુખ અને દુઃખ આ જોડીયા ભાઈઓ આપણી સાથે આવે છે… બસ આવું વિચારી જીંદગી જીવી લેવી…

લે બેટા આ બ્લેન્ક ચેક મારા તરફ થી… મેં દિપેન ના હાથ માં ચેક મુક્યો…

દિપેને પેન ઉઠાવી….ચેક ને ક્રોસ કર્યો….

રકમ શબ્દો માં લખ્યુ “I Love you papa”

અને આંકડા માં લખ્યું 00000 પછી ચેક મારા હાથ માં મુક્યો અને બોલ્યો લ્યો પપ્પા મારા ખાતા માં જમા કરાવી દેજો….

મેં ચેક હાથ માં લીધો…. ચેક માં લખેલ વેલ્યુ અને “I Love you papa” વાંચી મારી આંખો માંથી હરખ ના આંસુ વહેવા લાગ્યા… બેટા તારા ભણતર પાછળ રૂપિયા અને તારા ઘડતર પાછળ ખર્ચેલ અમારા સમય નો અમને યોગ્ય સમયે વળતર મળી રહ્યું છે..

અરે પપ્પા… જેમ એકડા વગર “0” ની કોઈ કિંમત નથી તેમ તમારા પ્રેમ વગર આ રૂપિયા ની મારી દ્રષ્ટિ એ કોઈ કિંમત નથી.. કહી દિપેન મને ભેટી પડ્યો અને બોલ્યો

Papa you are my strength….I Love you papa

મિત્રો, મમ્મી પપ્પા દીવાલે ફોટો બની લટકી જાય તે પહેલાં તેમને પુષ્કળ પ્રેમ, આદર અને સમય આપો… લાખો રૂપિયા ખર્ચવા છતાં એ સમય પાછો નહિ આવે.

– સાભાર જયંતીલાલ નકરાણી (અમર કથાઓ ગ્રુપ)