ઘરમાં અનાજનો એક દાણો પણ ન હોવા પર પત્નીએ પતિ સાથે કર્યો ઝગડો, પછી જે થયું તે…

0
3225

પંચતંત્રની વાર્તા :

ઘણા સમય પહેલા એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ તે બ્રાહ્મણના ઘરે કેટલાક મહેમાનો આવ્યા. બ્રાહ્મણની હાલત એટલી ખરાબ હતી કે તે મહેમાનોને ખવડાવવા માટે ઘરમાં અનાજનો એક દાણો પણ ન હતો. આ સ્થિતિને કારણે જ બ્રાહ્મણ અને તેની પત્ની વચ્ચે થોડો વિવાદ થઈ ગયો.

બ્રાહ્મણની પત્નીએ કહ્યું, “તમને પેટ ભરવા જેટલું અનાજ કમાતા પણ નથી આવડતું. આના પરિણામે, આજે ઘરે મહેમાનો આવ્યા છે અને આપણી પાસે તેમને ખવડાવવા માટે કંઈ નથી.”

આના પર બ્રાહ્મણે કહ્યું, “કાલે કર્ક સંક્રાંતિ છે. કાલે હું ભિક્ષા લેવા બીજા ગામ જઈશ. ત્યાં એક બ્રાહ્મણે મને આમંત્રણ આપ્યું છે. તે સૂર્યદેવની તૃપ્તિ માટે કંઈક દાન કરવા માંગે છે. ત્યાં સુધી ઘરમાં જે પણ હોય તેનાથી મહેમાનોની સેવા કર.”

આ સાંભળીને બ્રાહ્મણની પત્ની કહે છે, “મેં તમારી પત્ની બનીને ક્યારેય સુખ અનુભવ્યું નથી. ક્યારેય ખાવા માટે બદામ અને મીઠાઈઓ મળી નથી કે કોઈ સારા કપડાં અને ઘરેણાં મળ્યાં નથી. આજે તમે કહી રહ્યા છો કે ઘરમાં જે પણ પડેલું હોય તેને મહેમાનોની સામે મૂકી દો. જ્યારે કશું જ ન હોય ત્યારે હું તેમની સામે શું મૂકું? ઘરમાં કાઈ છે તો માત્ર એક મુઠ્ઠી તલ. તો શું મહેમાનોને સૂકવેલા તલ ખાવા માટે આપવા સારા લાગશે?

આ સાંભળીને બ્રાહ્મણ કહે, “તારે આવું કહેવું જોઈએ નહિ. તેનું કારણ એ છે કે કોઈ પણ મનુષ્યને ઈચ્છા પ્રમાણે ધન નથી મળતું. આપણું પેટ ભરાવું જરૂરી છે, અને હું પેટ ભરવા જેટલું અનાજ તો લઇ જ આવું છું. વધુ ધનની ઈચ્છા રાખવી સારી નથી. તારે આવી ઈચ્છા છોડી દેવી જોઈએ. વધુ ધનની લાલસાને કારણે માણસના કપાળ પર કરચલી આવી જાય છે.

કપાળ પર કરચલીની વાત સાંભળીને બ્રાહ્મણની પત્ની ભારે આશ્ચર્ય સાથે બ્રાહ્મણને પૂછે છે કે, “વધુ ધનની ઈચ્છામાં કપાળ પર કરચલી આવે છે? મને કંઈ સમજાયું નહીં, તમારે જે કહેવું હોય તે સ્પષ્ટરૂપે કહો.”

પત્નીના આ પ્રશ્નનો જવાબ આપવા માટે, બ્રાહ્મણ તેની પત્નીને “શિકારી અને શિયાળની વાર્તા” સંભળાવે છે.

બ્રાહ્મણ વાર્તા શરૂ કરે છે…

એક દિવસ એક શિકારી જંગલમાં શિકાર શોધી રહ્યો હતો. જંગલમાં થોડા આગળ વધ્યા પછી શિકારીને એક કાળા રંગનું પર્વત જેવું વિશાળ ભૂંડ દેખાય છે. ભૂંડને જોઈને શિકારીએ તેનું ધનુષ્ય ઉપાડ્યું અને નિશાનો લગાવ્યો.

તેની કમાનમાંથી છોડવામાં આવેલું તીર ખુબ ઝડપથી ભૂંડ તરફ થાય છે અને તેને ઇજા પહોંચાડે છે. ઘાયલ થયેલું ભૂંડ પલટવાર કરે છે. તેના તીક્ષ્ણ દાંતથી શિકારીનું પેટ ફાટી જાય છે. આ રીતે શિકાર અને શિકારી બંનેનો અંત આવે છે.

આ દરમિયાન ખોરાકની શોધમાં નીકળેલા ભૂખ્યા શિયાળ ત્યાંથી પસાર થાય છે જ્યાં શિકારી અને ભૂંડના શબ પડ્યા હતા. મહેનત વિના આટલું બધું ભોજન જોઈને શિયાળ મનમાં ખૂબ જ ખુશ થાય છે અને મનમાં વિચારે છે કે, આજે ભગવાને મને આશીર્વાદ આપ્યા છે, જે મને એકસાથે આટલું સારું અને વધુ ભોજન મળ્યું છે. હું તેને ધીરે ધીરે અને આરામથી ખાઈશ, જેથી હું તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીશ. આ રીતે હું આ ભોજનથી મારી ભૂખને લાંબા સમય સુધી શાંત રાખી શકીશ.

આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને શિયાળ સૌથી પહેલા નાની વસ્તુઓ ખાવાનું શરૂ કરે છે. પછી તે શિકારીના શરીર પાસે પડેલું ધનુષ્ય જુએ છે. શિયાળના મગજમાં તેને ખાવાનો વિચાર આવે છે અને તે ધનુષ્યની દોરી ચાવવા લાગે છે.

શિયાળના ચાવવાથી તે ધનુષ્યની દોરી તૂટી જાય છે અને તેના લીધે ધનુષનો એક છેડો વેગથી શિયાળના કપાળને ચીરીને નીકળી જાય છે. ધનુષ્યનો તે છેડો જાણે શિયાળના કપાળ પર કરચલી બનાવીને નીકળી ગયો હોય તેમ દેખાય છે. થોડા સમય પછી, શિયાળ પણ ઈજાને કારણે મ-રુ-ત્યુપામે છે.

એમ કહીને બ્રાહ્મણ પોતાની પત્નીને કહે છે કે, એટલે જ કહું છું કે વધારે લોભને લીધે કપાળપર કરચલી આવે છે.

આ વાર્તા સાંભળ્યા પછી બ્રાહ્મણની પત્ની કહે છે કે, “ઠીક છે, જો આવી વાત છે ​​તો હું મહેમાનોને ઘરમાં બચેલા મુઠ્ઠીભર તલ ખવડાવી દઉં છું.”

આ સાંભળીને બ્રાહ્મણ સંતુષ્ટ થઈ ગયો અને ભિક્ષા માંગવા ઘરની બહાર નીકળ્યો. પછી બ્રાહ્મણની પત્ની ઘરમાં રહેલા તલને તડકામાં સૂકવવા માટે ફેલાવે છે. તે બીજા કામ માટે થોડી દુર જાય છે એટલામાં ક્યાંકથી એક કૂતરો આવે છે અને તે તલ પર પેશાબ કરે છે, તેનાથી બધા તલ ખરાબ થઈ જાય છે.

તલ બગડી જતાં બ્રાહ્મણની પત્નીને બહુ દુઃખ થાય છે અને વિચારે છે કે, આ તલ હું રાંધીને મહેમાનોને ખવડાવવાની હતી. પણ એ તો બગડી ગયા, હવે હું શું કરું? લાંબો સમય વિચાર્યા પછી તેણીએ એક રસ્તો કાઢ્યો.

તેણીએ વિચાર્યું કે, જો તે કોઈને આ ગંદા તલને બદલે સ્વચ્છ તલ આપવાનું કહેશે, તો કોઈને કોઈ સંમત થઈ જશે. કારણ કે કોઈને ખબર નથી કે આ તલ કેવી રીતે ગંદા થયા છે. આ વિચાર સાથે તે તલ લઈને ઘરે-ઘરે ફરવા લાગી.

બ્રાહ્મણની પત્નીની વાત માનીને એક સ્ત્રી એ તલના બદલામાં બીજા તલ આપવા તૈયાર થઈ ગઈ, પણ તે સ્ત્રીનો પુત્ર અર્થશાસ્ત્ર ભણતો હતો. તેણે પોતાની માતાને કહ્યું કે, આ તલમાં કંઈક ખામી હોવી જોઈએ, નહીં તો કોઈ તલ બદલવા શા માટે આવે. પોતાના પુત્રની આ વાત સાંભળીને સ્ત્રીએ બ્રાહ્મણની પત્નીના તલ લેવાની ના પાડી દીધી.

વાર્તામાંથી મળતી શીખ : આપણી પાસે જે કંઈ છે, આપણે તેમાં ખુશ રહેવું જોઈએ. વધુ વસ્તુઓ જોઈને દુઃખી થવું જોઈએ નહીં.