ઘરની વહુએ પંચાયતની ચુંટણીમાં જે કામ કર્યું તે જાણીને સાસુ સસરાનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું.

0
678

(અડધો ભાગ લઘુકથા – ભાગ 6, 7)

(આગળના ભાગોમાં આપણે જાણ્યું કે, એક સંસ્કારી વહુએ લગ્ન પછી ફરવા જવાની જગ્યાએ વાયણું કરીને પરિવારજનોને રાજી કર્યા. પછી પોતાના પતિને લગ્ન જીવનમાં સમર્પણ એટલે શું? તે સમજાવ્યું. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.)

શાળા પ્રવેશ :

શાળાનું નવું મકાન બાંધવાનું શરુ થયું, ને જોતજોતામાં પુરું થવા આવ્યું. કનુભાઈના ઘરના સભ્યો, શિક્ષક ગણ અને આગેવાનોએ મળી શાળા પ્રવેશની તારીખ નક્કી કરી લીધી.

રુપાનો આગ્રહ હતો કે કામ ગામનું છે, એટલે બહારના કોઈને બોલાવ્યા વગર સાદો કાર્યક્રમ જ રાખવો.

અને એ શુભ દિવસ પણ આવી ગયો. અગાઉથી નક્કી કર્યા પ્રમાણે શાળા પાસે ફુલના હારની લાંબી સેર બાંધી હતી.

આખા ગામને ઉત્સાહ હતો, સવારના સાત વાગતા તો બધા આવવા લાગ્યા ને છોકરા છોકરીઓ તો નવા કપડા પહેરીને સૌથી વહેલા આવ્યા.

સંચાલન કરતા શિક્ષિકા બહેનની સુચના પ્રમાણે બધા છોકરા છોકરીઓ ફુલની સેર પાસે કતારબંધ ઉભા રહ્યા. રોજ બોલાતી, એ પ્રાર્થના બોલ્યા.. પછી સુચના મળતાં જ બધા એકી સાથે ફુલની સેર તોડી, શાળાના પ્રાંગણમાં દાખલ થયા.. ને તાલીઓનો ગગડાટ થયો.

સૌનો આગ્રહ થયો કે મુખ્ય દ્વારનું તાળું રુપા પોતે જ ખોલે. એણે આનાકાની કરી, પણ ગામ નાતે ભાભી થતી ચાર પાંચ બહેનો તેને પરાણે બારણા પાસે ઢસડી ગઈ. એક ભાભી પાસે નાની બાળકી હતી, રુપાએ તેને તેડી લીધી. ચાવી એના હાથમાં પકડાવી, તાળાને અડાડી. મુખ્યદ્વાર ખુલ્યું ને ફરીથી જોરદાર તાળીઓ વરસી.

છોકરાઓએ એક નાનું નાટક, અને છોકરીઓએ ચાર પાંચ નૃત્યો રજુ કર્યા.

ગામના લોકોએ છાનામાના નક્કી કર્યું હતું, તે પ્રમાણે ઉમરમાં સૌથી મોટા, ૯૦ વરસના જમનામાંના હસ્તે કનુભાઈના ઘરના ચારેય સભ્યોનું શાલ ઓઢાડી સન્માન કર્યું.

જમનામાં બોલ્યા.. ”આજ તો આખા ગામનો આનંદનો દિવસ છે.. તો બાયું, વહુ-દિકરીયું.. ઘરે જઈને કંસાર રાંધજો.. જે ના રાંધે એને આ જમના ડોશીના સમ..” સૌ ભાવ વિભોર થઈ ગયા.

ત્યાં દુકાનવાળા હરખચંદ ઉભા થયા.. ”ગામમાં બધા ય ઘર સરખા ના હોય.. જેના ઘરમાં આજે કંસારનું સીધું ના હોય, તે મારી દુકાનેથી મફત લઈ જજો.. આજ આ હરખાને હરખ ચડ્યો છે.”

અડોઅડ ખુરસીમાં બેઠેલી બેય વેવાણો, નિલમબેન અને સમજુબેન વારંવાર આંખો લુછતા હતા.

(સરપંચ)

નવા મકાનમાં શાળા ચાલુ થયા પછી પણ રુપા ત્યાં જાય, ત્યારે બાળકો માટે ચોકલેટ, પેન, પેન્સીલ જેવું કંઈક લઈને જ જાય. શિક્ષક વર્ગ અને વિદ્યાર્થીઓ તેને દીદી જ કહેતા.. ને હવે તો ગામના માણસો પણ દીદી થી ઓળખવા લાગ્યા.

પંચાયતની ચુંટણી નજીકમાં હતી, આ વખતે સરપંચની જગ્યા સ્ત્રી અનામત હતી. આગેવાનોએ મળી, વિચાર્યું કે દીદીનું નામ હજી આપણા ગામમાં જ છે. તેને સરપંચ કરીએ તો ગામે તેની કદર કરી કહેવાય.

પાંચ આગેવાનો કનુભાઈને મળવા આવ્યા અને પોતાની વાત મુકી. કનુભાઈએ કહ્યું..

“એ તમારી દિકરી છે.. મારાથી ના ન પડાય.. છતાંય ઘરમાં સૌને પુછીને નક્કી કરશું.”

ઘરમાં ચર્ચા થઈ. નિલમબેન અને વિવેકે તરત જ હા કહી દીધી. પણ રુપાએ કહ્યું ..

“હું આ કામમાં પડું ને ઘરમાં તમારું ધ્યાન ના રાખી શકું, એ મને ના ગમે.” પણ બધાના આગ્રહથીએ સહમત થઈ, પણ એક શરત મુકી..

”પપ્પા, એને કહેજો કે એક સરપંચ નહીં, બધી જ સ્ત્રી સભ્યો બને. અને પછી કોઈ પુરુષ અમારા કામમાં જરાય માથું ના મારે.. તો મારી હા.“

આગેવાનોએ શરત કબુલ રાખી. ચુંટણી માટે દરેક લતામાંથી એક એક ભણેલી વહુઓએ ફોર્મ ભર્યા. બધું સમજુતિથી ચાલતું હતું. બધી જ જગ્યાઓ બિનહરીફ જાહેર થઈ.

કનુભાઈને ઉઠવાની હજી વાર હતી. ત્યાં નિલમબેન છાપું લઈને ગયા. પરાણે ઉઠાડ્યા.

“જુઓ, આ વાંચો તો ખરા.”

છાપામાં આનંદપુર ગામની સ્ત્રી અનામત ચુંટણીનો વિગતવાર અહેવાલ હતો. રુપા અને બીજી સભ્યોના ફોટા હતા. સરકારે ગામને સમરસ જાહેર કર્યું હતું. ગામલોકોના સંપના વખાણ હતા.

કનુભાઈએ વાંચીને હસતાં હસતાં કહ્યું..

“જો, મહેનતે મને લક્ષ્મી આપી. લક્ષ્મી સરસ્વતિને લાવી. ને સરસ્વતિએ મને આબરુ આપી. આને કહેવાય ઈશ્વરની કૃપા.”

“રુપા, અહીં આવ તો…”

રુપા આવી.. કનુભાઈએ પોરસ કર્યો.. “ સાબાશ.. મારી દિકરી..”

– જયંતીલાલ ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ)