ઘરવાળાએ શોધેલા સુશીલ અને સંસ્કારી મુરતિયાને યુવતીએ પસંદ ન કર્યો, પછી જે થયું તે ચોંકાવનારું છે.

0
317

વસુદેવ દેવકી :

– અશ્વિન રાવલ

જનકભાઈની ૨૪ વર્ષની પુત્રી દેવકી ને જોવા આજે એક મુરતિયો આવવાનો હતો. ઘર અને કુટુંબ પૈસે ટકે સુખી હતું અને છોકરો સોફ્ટવેર એન્જિનિયર હતો. એ લોકો અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા હતા.

જનકભાઈની પત્ની મૃદુલાને પિયર પક્ષમાં બહોળું કુટુંબ હતું. એટલે એની ભાભીએ જ આ મુરતિયા વિશે વાત કરી હતી કે છોકરો ખૂબ જ ખાનદાન અને દેખાવડો પણ છે.

છોકરો-છોકરી એકબીજાને જોઈ લે અને પસંદ કરી લે તો અત્યારે વેવિશાળ નક્કી કરી દેવું અને ચાર મહિના પછી એપ્રિલ મે માં લગન રાખવાં એવું બધાએ વિચાર્યું હતું. બંનેની કુંડળી પણ સારી મળતી હતી.

જૈમિન એક સંસ્કારી છોકરો હતો. મા-બાપની પસંદગી પ્રમાણે જ એ લગ્ન કરવા માગતો હતો. એણે પપ્પાના મોબાઈલમાં દેવકી નો ફોટો જોયો હતો. દેવકી એને ખૂબ જ પસંદ આવી હતી.

લગભગ સાડા પાંચ વાગ્યે મહેમાનો આવી ગયા. બધાએ ઉભા થઇ મહેમાનોનું સ્વાગત કર્યું અને સોફામાં બેઠક લેવાની વિનંતી કરી.

” અમે તો અડધા કલાકથી તમારી રાહ જોતા હતા. ” જનકભાઈના પપ્પા ચંદ્રકાંતભાઈ બોલ્યા.

” હા વડીલ… પણ અમદાવાદનો ટ્રાફિક તો તમે જાણો છો ને? અને એમાં પણ સાંજનો ટાઇમ !! ” જૈમિને જ જવાબ આપ્યો.

મહેમાનોમાં જૈમિન, એનાં મમ્મી રસીલાબેન, પપ્પા ગિરીશભાઈ અને નાની બહેન હિરલ હતાં.

થોડીવાર આડીઅવળી વાતો ચાલી. ચાઇનામાં વધી રહેલા કો-રો-નાના કેસો ની પણ ચર્ચા નીકળી. ત્યાર પછી નાસ્તાની પ્લેટો આવી. ઠંડીમાં કોલ્ડ્રિંક્સ લેવાની કોઈની ઈચ્છા નહોતી એટલે છેલ્લે ચાના કપ લઈને દેવકી પોતે આવી.

દેવકી એટલી બધી સુંદર લાગતી હતી કે પહેલી જ નજરે બધાને ગમી ગઈ. જૈમિનની બહેન હિરલને તો દેવકી ફોટા કરતાં રૂબરૂમાં એટલી બધી વહાલી લાગી કે ના પૂછો વાત !

દસેક મિનિટ ચા નાસ્તો કર્યા પછી જનકભાઈએ જૈમિનને કહ્યું.

” જૈમિન કુમાર તમારે દેવકી સાથે કંઈ પણ અંગત વાત કરવી હોય તો તમે બંને જણા અંદર બેડરૂમ માં બેસો. અમારે તો વાતો ચાલતી રહેશે” અને જૈમિનને લઇને દેવકી એના બેડરૂમ માં ગઈ. જનકભાઈ મહેમાનો સાથે વાતે વળગ્યા.

” દેવકી નામ સરસ રાખ્યું છે ” જૈમિને બેડની સામે ગોઠવેલા સોફા ઉપર બેસતાં જ કહ્યું.

” જી. દાદાજીએ પાડેલું છે ” દેવકી બોલી અને એણે બેડ ઉપર બેઠક લીધી.

થોડીવાર મૌન છવાયું. જૈમિને નોંધ લીધી કે દેવકી થોડી ગંભીર છે. લગ્ન માટે ઉત્સુક કન્યાના ચહેરા ઉપર પ્રથમ મિલન વખતે જે શરમ સંકોચ અને છૂપો રોમાંચ હોવો જોઈએ તે એનામાં નથી.

” તમે આ લગ્નથી ખુશ નથી? યુ કેન બી ફ્રેન્ક વિથ મી. મનમાં જે હોય તે મને કહી શકો છો. તમે મારો આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો. મનમાં જરા પણ સંકોચ ના રાખશો.” જૈમિને કહ્યું.

” થેન્ક્સ જૈમિન…. સાવ સાચું કહું તો હું કોઈની સાથે રિલેશનશિપમાં છું. ધવલ અમારી કાસ્ટ નો નથી એટલે મારા મમ્મી પપ્પા મારી વિરોધમાં છે. દાદા આ વિશે કંઈ પણ જાણતા નથી. હું ઇચ્છું છું કે તમે જ સામે ચાલીને મને રિજેક્ટ કરો”

” પણ હું તો તમને જોઈને જ તમારા પ્રેમમાં પડી ગયો છું દેવકી. મારા માટે તમે પોઝિટિવલી ના વિચારી શકો? તમારા પાસ્ટ સાથે મને કોઈ મતલબ નથી. મારી સાથે લગ્ન કરીને પસ્તાવાનો વારો નહીં આવે. ” જૈમીને હસીને કહ્યું.

” સ્ટોપ ઈટ જૈમિન !! મને મજાક પસંદ નથી. આઈ એમ સિરિયસ. ધવલ મારો પાસ્ટ નથી, વર્તમાન છે. હું ધવલને દિલથી પ્રેમ કરું છું. હું એને દગો દેવા નથી માગતી. મારા દાદા નો સ્વભાવ ખૂબ જ ગરમ છે એટલે હું ઇચ્છું છું કે તમે જ ના પાડી દો. ચાર છ મહિનામાં હું અને ધવલ લગ્ન નો પ્લાન કરી જ રહ્યાં છીએ. ” દેવકી આવેશમાં બોલી.

” પણ મારી વાતથી ગુસ્સો આવતો હોય તો પછી આ મીટીંગ શા માટે રાખી? ” જૈમિનને પણ દેવકીની વાતથી થોડો ગુસ્સો આવ્યો.

” મમ્મીના આગ્રહથી. મેં તો ચોખ્ખી ના જ પાડી હતી ” .

થોડીવાર બંને વચ્ચે મૌન છવાયું.

દેવકીને લાગ્યું કે પોતે જરા વધુ પડતો ગુસ્સો અને નારાજગી જૈમિન તરફ બતાવી રહી હતી. જૈમિન પોતાને જોવા આવ્યો એમાં એનો તો કોઈ દોષ જ નહોતો.

” સોરી જૈમિન… મારાથી કંઈ વધુ પડતું બોલાઈ ગયું હોય તો ! ”

” ઇટ્સ ઓકે.. ! ઓલ ધ બેસ્ટ !!”

જૈમિનને ગુસ્સો તો એટલો આવ્યો હતો કે ના પૂછો વાત પણ એ કંઈ બોલ્યો નહીં અને સડસડાટ બેડરૂમમાંથી બહાર નીકળી ગયો. એ ડ્રોઈંગરૂમમાં આવી ને પોતાની જગ્યાએ બેઠો. દેવકી પણ પાછળ પાછળ આવી અને એની મમ્મીની બાજુમાં ગોઠવાઈ ગઈ.

” હવે બોલો વરરાજા… અમારી લાડકી પસંદ આવી કે નહીં ? ” ચંદ્રકાંતભાઈ બોલ્યા.

” વડીલ તમારી દેવકી તો દેવકી જ છે પણ એનો વસુદેવ હું નહીં બની શકું સોરી. હું આ સંબંધમાં આગળ વધવા માગતો નથી. મને માફ કરી દેજો સ્પષ્ટ બોલવા માટે. ” કહીને જૈમીને ચંદ્રકાંતભાઈ તરફ બે હાથ જોડ્યા.

આખા હોલમાં નિરાશાનું મોજું છવાઈ ગયું. એકમાત્ર દેવકી ને બાદ કરતાં !! જૈમિને પોતાની વાત માન્ય રાખી.

જૈમિને આટલી રૂપાળી દેવકીને કેમ ના પાડી એનું આશ્ચર્ય બધાંને હતું. પણ સત્ય હકીકત માત્ર જૈમિન અને દેવકી જ જાણતાં હતાં.

” જૈમીને દેવકીને કેમ ના પાડી એ સમજાતું નથી. સ્વભાવે તો ખૂબ સારો લાગ્યો. સોફ્ટવેર એન્જિનિયર થયેલો છે. આટલો સારો પગાર છે તોપણ નમ્રતા કેટલી? દેવકી સાથે કંઈક તો વાતચીત એવી થઇ જ હશે. ” મહેમાનો ગયા પછી ચંદ્રકાંતભાઈ બોલી ઉઠ્યા.

” તમારે બંનેને એવી તે શું વાતો થઇ કે જૈમિનકુમારે ના પાડવી પડી? ” છેવટે જનકભાઈ એ દેવકીને પૂછ્યું.

” હવે એ બધી વાતો જવા દો ને પપ્પા. એમની ઇચ્છા નથી તો આપણે પણ આગળ વધવું નથી.” દેવકી ઊભી થઈ ગઈ અને પોતાના બેડરૂમમાં ચાલી ગઈ.

થોડી વાર પછી મૃદુલાબેન દેવકીના બેડરૂમમાં ગયાં અને કહ્યું. ” આટલો સારો છોકરો મારી ભાભીના સગામાંથી તને જોવા આવ્યો તો એ તારાથી નારાજ થઈને કેમ ગયો? ભાભી તો એની કેટલી પ્રશંસા કરતા હતા !! મારે પિયરમાં નીચાજોણું થયું. તેં કંઈક તો એવું કહ્યું જ હશે ને? નહીં તો આટલો સંસ્કારી છોકરો ના ન પડે !! ”

” અને જૈમિનકુમાર સાથે તારાં લગ્ન થયાં હોત તો સૌથી વધુ ખુશી મને થાત. મારો ડાયાબીટીસ પણ હાઈ છે. બીપી પણ રહે છે. જિંદગીનું કોઈ ઠેકાણું નથી. તને સુખી જોઈને જવાની કેટલી બધી ઈચ્છા હતી !!” મૃદુલાબેન બોલ્યાં.

દેવકી મમ્મીની વાત સાંભળી રહી હતી. એને પણ જૈમિનનો સ્વભાવ ગમી ગયો હતો પણ પોતે તો એની સાથે ઋક્ષ વ્યવહાર જ કર્યો હતો !! મારે આટલો ગુસ્સો કરવા જેવો ન હતો. એણે ધાર્યું હોત તો લગ્ન માટે હા પાડી શકતો હતો છતાં મારું માન રાખ્યું.

દેવકી ધવલને ખૂબ જ પ્યાર કરતી હતી. ધવલે એમ.બી.એ કર્યું હતું અને નરોડામાં એક પ્રાઇવેટ ફેક્ટરીમાં એ સારી પોસ્ટ ઉપર હતો. દેવકી અને ધવલ કોલેજમાં ભણતાં હતાં ત્યારથી જ એકબીજા તરફ આકર્ષાયાં હતાં.

આ બાજુ જૈમિનને પણ દેવકી આકર્ષી ગઈ હતી. આટલી સુંદર યુવતીને ગુમાવવાનો એને અફસોસ થતો હતો પણ એનું દિલ ઉદાર હતું. એણે એની સાથે અતડો વ્યવહાર કર્યો હતો તો પણ એણે દેવકીના પ્યારનું રિસ્પેક્ટ કર્યું… દુનિયામાં બધાને બધું ક્યાં મળે છે?

” અરે જૈમિન.. તમારી બંને વચ્ચે એવી તો શું વાત થઈ કે તેં આટલી રૂપાળી કન્યાને ફટ દઈને ના પાડી દીધી? ” ગીરીશભાઈ એ ઘરે આવીને જૈમિન ને પૂછ્યું.

” બસ પપ્પા એમ જ… મને લાગ્યું કે એ આપણા ઘર માટે યોગ્ય નથી. બસ રિજેક્ટ કરી દીધી.” જૈમિનને કહેવાની ઇચ્છા થઈ કે દેવકી કોઈ ની સાથે રિલેશનશિપમાં છે પણ એ કહી ના શક્યો. હમણાં મારે ઘરમાં કંઈ કહેવું નથી. આગળ ઉપર જોયું જશે. જૈમિને વિચાર્યું.

સમયને સરકતાં વાર નથી લાગતી. નિયતિ એની રીતેજ ચાલતી હોય છે !! ચાઇનામાં ફેલાયેલા કો-રો-નાએ ભારત ઉપર આક્રમણ કર્યું. કો-રો-નાના કેસ ભારતમાં વધતા ચાલ્યા. ૨૫ માર્ચ થી દેશ માં લૉક ડાઉન ચાલુ થઈ ગયું. દેશ આખો જાણે કે સ્થગિત થઈ ગયો. જીવનની ગતિ વિધિ થંભી ગઇ !!

એક પછી એક ઘટના ચક્રો આકાર લેતાં ગયાં. લગ્નના તમામ મુહૂર્તો કેન્સલ થતાં ગયા. લગ્નની ખરીદી પણ અટકી ગઈ. એકબીજાને મળવાનું સુધ્ધાં બંધ થઈ ગયું !!

અમેરિકામાં પણ કો-રો-ના ના કેસ વધવા લાગ્યા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ બંધ થઈ ગઈ. જૈમિનની એચ1બી વિઝાની તક પણ આ વર્ષ માટે હાથમાંથી ચાલી ગઈ. જો કે ઇન્ડિયામાં એની જોબ ને કોઈ વાંધો ના આવ્યો. એ ગાંધીનગર ઇન્ફોસિટી માં સારી કંપનીમાં નોકરી કરતો હતો. એ વર્ક ફ્રોમ હોમ કરતો રહ્યો.

જૂન મહિનામાં ચંદ્રકાંતભાઈને કો-રો-ના પોઝિટિવ આવ્યો. બે-ત્રણ હોસ્પિટલોમાં એમને દાખલ કરવા માટે દોડાદોડ થઈ પડી પણ છેવટે જૈમિનની ઓળખાણથી એક સારી હોસ્પિટલમાં એમને એડમિશન મળી ગયું અને એ બચી ગયા.

ચંદ્રકાંતભાઈ તો બચી ગયા પણ એક મહિના પછી દેવકીની મમ્મી મૃદુલાબેન ને પણ કો-રો-ના પોઝિટિવ આવ્યો. શ્વાસોશ્વાસની ખૂબ જ તકલીફ થઈ. એમને ડાયાબિટિસ તો હતો જ એટલે હાલત વધુ ગંભીર બની. અથાગ પ્રયત્નો છતાં એ બચી ના શક્યાં. દેવકીને મમ્મીના જવાનો ખૂબ જ ઘેરો આઘાત લાગ્યો.

અને આ લોક ડાઉન માં ધવલ ની પોઝીશન પણ બગડતી ચાલી. એ નરોડાની જે ફેક્ટરીમાં જોબ કરતો હતો ત્યાંના બધા કારીગરો વતનમાં ચાલ્યા ગયા અને ફેકટરી બંધ કરવાનો વારો આવ્યો. ધવલ ની જોબ પણ જૂન મહિનામાં છુટી ગઈ. એણે નવો ફ્લેટ લીધો હતો જેના હપ્તા ચાલુ હતા. એ હવે આર્થિક તકલીફમાં મુકાઈ ગયો.

દેવકી મૂંઝાઈ ગઈ હતી. લોક ડાઉન ના કારણે મે-જૂનમાં ધવલ સાથે લગ્ન કરી લેવાનું એનું સપનું તૂટી ગયું.. ધવલ ની જોબ પણ છૂટી ગઈ . જૈમિન સાથે લગ્ન કરાવવાનું મમ્મીનું સપનું હતું પણ એ અધૂરું મૂકીને ચાલી ગઈ. કિસ્મત પોતાને કઈ તરફ લઈ જતું હતું કંઈ સમજાતું નહોતું. જુલાઈ પૂરો થવા આવ્યો હતો. ધવલ સાથે મળીને કંઈક તો વિચારવું જ પડશે !!

એ પોતે પ્લાન કરે તે પહેલાં જ ધવલ નો ફોન આવી ગયો. એ પોતે જ દેવકી ને મળવા માગતો હતો.

” પરમ દિવસે રવિવારે લો ગાર્ડન પાસે સ્વાતિ માં આપણે મળીએ છીએ. હું બારેક વાગે આવી જઈશ. તું પણ પહોંચી જજે. લંચ ત્યાંજ લઈશું. ” ધવલે કહ્યું.

” દેવકી……. ખોટું ના લગાડતી પણ મારી પોઝિશન ધાર્યા કરતા વધુ ગંભીર બની ગઇ છે…. બે મહિનાથી નોકરી છૂટી ગઈ છે. સેલેરી પણ બાકી છે… નવો ફ્લેટ લીધો છે એના હપ્તા ચઢતા જાય છે…. મમ્મીને પણ કો-વિ-ડ થઈ ગયો અને હોસ્પિટલમાં બે લાખ જેટલો ખર્ચ થયો… બેંક બેલેન્સ કંઈ રહ્યું નથી. ”

” કો-વિ-ડ ના કેસ વધતા જાય છે અને લોક ડાઉન લંબાતું જાય છે. હવે લગ્ન નો વિચાર જ મારે છોડી દેવો પડશે. અત્યારે મને મારું કોઇ ભવિષ્ય દેખાતું નથી. ” ધવલે નિરાશાથી દેવકીને પોતાના મનની વાત કરી.

દેવકી કંઈ બોલી નહીં. એ પોતે પણ મૂંઝાઈ ગઈ હતી. ધવલ સાચું જ કહેતો હતો. હવે એની સાથે લગ્ન કરીને પોતાનું ભવિષ્ય શું? પૈસા વગર તો પ્રેમ ની ગાડી પણ ચાલે એમ નથી.

” તારી વાત સાચી છે ધવલ. હું પણ ભયંકર ટેન્શનમાં આવી ગઈ છું. તને છોડવાનું મારું જરા પણ મન નથી. ઘરવાળા લગ્ન માટે ઉતાવળ કરે છે. મમ્મી મારા લગ્નનાં સપનાં જોતી જોતી વિદાય થઈ ગઈ. ”

” જૈમિન સાથે લગ્ન કરી લે દેવકી. તું કહે છે એમ જો એ ખરેખર સારો છોકરો હોય તો હવે મારા માટે રાહ જોઇશ નહીં. ” ધવલે દેવકીનો હાથ હાથમાં લઇને કહ્યું.

અને આમ સ્વાતી રેસ્ટોરન્ટની એ દિવસની બંનેની મુલાકાત છેલ્લી બની રહી.

હવે શું? દેવકી રાત્રે વિચારી રહી હતી. એણે તો પહેલેથી જ જૈમિન સાથે તોછડો વ્યવહાર કર્યો હતો. તો પણ દાદાને હોસ્પિટલમાં દાખલ કરવા માટે જૈમિને જ દોડાદોડી કરી હતી. મમ્મીના વખતે પણ જૈમિન નો આખો પરિવાર આવ્યો હતો. જૈમિને એ વખતે પોતાની સામે પણ જોયું નહોતું. જો કે એનો ગુસ્સો સાચો જ હતો.

પણ હવે જૈમિન સાથે આગળ કઈ રીતે વધવું? અને હું કોઈ બીજા પુરુષ સાથે આટલાં વર્ષો સુધી રિલેશનશિપ માં હોઉં ત્યારે એ મારો સ્વીકાર કેવી રીતે કરે? ભલે હું કું વારીછું પણ એને તો શંકા હોય જ ને? મારે એક વાર વાત તો કરવી જ પડશે !

” મારે તમને એકવાર મળવાની ઈચ્છા છે. મળી શકશો? ” બીજા દિવસે સવારે ૧૦ વાગે દેવકીએ જૈમિન ને ફોન કર્યો.

” કેમ હવે શું કામ મળવું છે? ”

” મળો તો હું તમને કહું ને? ” દેવકી બોલી.

” ઠીક છે. ક્યાં મળવું છે? ”

” મારા ઘરે આવી શકો? આપણે પહેલીવાર જ્યાં મળ્યા હતા એ બેડરૂમમાં. થોડી ચર્ચા કરવી છે. ”

” દાદા મને લગ્ન અંગેના કોઇ સવાલો પૂછશે તો? ”

” તો હું જ જવાબ આપી દઈશ. તમે ચિંતા નહીં કરતા. કાલે સાંજે સાત વાગ્યે મળીએ ”

” ઠીક છે ” અને બીજા દિવસે સાંજે સાત વાગ્યે દેવકીના ઘરે જૈમિન પહોંચી ગયો.

ચંદ્રકાંતભાઈ તો જૈમિનને જોઈને જ ખુશ થઇ ગયા. હોસ્પિટલમાં દાખલ કરવામાં જૈમિને ખૂબ જ દોડાદોડી કરી હતી. .

” આવો આવો જૈમિન કુમાર….. અરે દેવકી બેટા, જૈમિનકુમાર આવ્યા છે ” દાદાએ બેડરૂમ તરફ જોઈને દેવકીને ટહુકો કર્યો.

” હા દાદા…. હું આવું જ છું ” દેવકીએ બેડરૂમમાંથી જવાબ આપ્યો.

જૈમિને ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેઠક લીધી. થોડીવારમાં દેવકી પણ પાણી લઈને આવી.

” આવો ને આપણે બેડરૂમમાં જ બેસીએ ” દેવકી એ જૈમિનને કહ્યું.

જૈમિન ઊભો થયો અને દેવકીની પાછળ પાછળ બેડરૂમ માં ગયો.

“આવો ” દેવકી એ બેડરૂમમાં જૈમિન નું સ્વાગત કર્યું. જૈમિન ગયા વખત ની જેમ સોફા ઉપર બેઠો. દેવકીએ દરવાજો સહેજ આડો કર્યો અને બેડ ઉપર બેઠી.

” બોલો કેમ મળવું હતું? ” જૈમિને કહ્યું.

” ધવલ સાથે મારું બ્રેક-અપ થઈ ગયું છે. બસ આ સમાચાર આપવા જ મેં તમને બોલાવ્યા છે. ”

” હમ્… પણ એમાં હું શું કરી શકું? એ નિર્ણય તમારા બંનેનો અંગત છે. ” જૈમિન બોલ્યો.

” અમારા બ્રેક-અપથી તમે ખુશ નથી?” દેવકીએ જૈમિનની સામે જોઇને પૂછ્યું.

” તમે મારી સાથેના લગ્નથી જ ખુશ નથી તો તમારા બ્રેક અપથી મને શું ફરક પડે દેવકી? મેં આ જ રૂમમાં તમને કહેલું કે – મારા માટે તમે પોઝિટિવલી ના વિચારી શકો? મારી સાથે લગ્ન કરીને તમને પસ્તાવાનો વારો નહીં આવે.- ત્યારે તમે ગુસ્સે થઈને મને બોલતો જ બંધ કરી દીધેલો !! મારા પ્યાર ભર્યા શબ્દોને તમે મજાક કહ્યા !! ”

” મારો એ ગુસ્સો હજુ પણ તમે યાદ રાખેલો છે જૈમિન? ”

” તમારી કોઈની સાથે રિલેશનશિપ છે એ જાણ્યા પછી પણ હું તમને અપનાવવા તૈયાર થયેલો અને પ્રપોઝ કરેલું. પણ મારી પ્રેમની લાગણીને તમે ના સમજી શક્યા !! ”

” મને રડાવવી છે તમારે? એ વખતે હું ધવલના પ્રેમમાં પાગલ હતી જૈમિન. હું તમને ઓળખી શકી નહોતી. મારા આવા ઋક્ષ વર્તન પછી પણ દાદાની માંદગી વખતે તમે જે દોડાદોડી કરી, મમ્મી વખતે આવીને ઊભા રહ્યા એ બધી ઘટનાઓ એ તમારો સાચો પરિચય કરાવ્યો ! ”

જૈમિન કંઈ પણ બોલ્યો નહીં. દેવકી હવે એની સાથે લગ્ન કરવા માગતી હતી એ એને સમજાઈ ગયું.

” તમે મને માફ ના કરી શકો? મેં પહેલીવાર તમને નારાજ કર્યા એનું મને બહુ જ દુઃખ છે. મારો આખો પરિવાર તમને પસંદ કરે છે. મારી મમ્મી પણ અંત સુધી મારા લગ્ન તમારી સાથે જ થાય એમ ઈચ્છતી હતી પણ હું મૂરખ તમને ઓળખી ના શકી. અને હા મારી મમ્મીના સોગંદ ખાઈને કહું છું કે આજે પણ હું કું વારીછું જૈમિન ! ”

” કો-રો-ના એ મારા પ્રેમની પાંખો કાપી નાખી છે અને હું ધરતી પર આવી ગઈ છું . અત્યાર સુધી હું નાદાન હતી…. આઈ એમ સોરી જૈમિન !! મને માફ કરી દો ” અને દેવકીની આંખોમાં થી આંસુની ધારા વહેવા લાગી.

” સોરી દેવકી પણ આપણી પ્રથમ મુલાકાત હું ભૂલી શકું એમ નથી. મારા મમ્મી પપ્પા મારી બહેન બધાંને તું ગમી ગઈ હતી. અમે બધાં કેટલા ઉત્સાહથી તને જોવા માટે આવ્યાં હતાં. અરે ખુદ તારા દાદાની ઈચ્છા હતી કે હું તને પસંદ કરું. તને પહેલી નજરે જોઈને હું તારા પ્રેમમાં પડયો ત્યાં જ તેં મને રિજેક્ટ કરી દીધો !! મારા સ્વભાવથી વિરુદ્ધ મારે બહાર જઈને તને રિજેક્ટ કરવી પડી. અને મમ્મી-પપ્પા આગળ પણ ખોટું બોલવું પડ્યું. હવે બ્રેક-અપ થઈ ગયો એટલે મારી યાદ આવી? ”

” મને માફ કરી દો જૈમિન !! તમારે મને જે સજા કરવી હોય તે કરો પણ મારો હાથ પકડી લો પ્લીઝ !! મારા એ દિવસના વર્તન માટે હું વારંવાર તમારી માફી માગું છું. ”

જૈમિન થોડીવાર સુધી કંઈ બોલ્યો નહીં પણ પછી સોફામાંથી ઊભો થયો અને દેવકીની બાજુમાં બેડ પર બેસી ગયો. દેવકીનો હાથ હાથમાં લીધો.

” ઠીક છે. હવે રડીશ નહીં. તારી વાતોમાં મને સચ્ચાઈ દેખાય છે એટલે દિલથી તને માફ કરી દઉં છું. હવે મને વસુદેવ બનવામાં કોઈ જ વાંધો નથી. ” જૈમિને દેવકીની સામે જોઈને કહ્યું.

અને દેવકી પણ આજે મુગ્ધ નજરે જૈમિનને જોઇ રહી. ખરેખર એ જ એનો સાચો વસુદેવ હતો !! એ જૈમિન ને પ્રેમના આવેશમાં વળગી પડી. વસુદેવ દેવકી નું એ મિલન લોક ડાઉન ની જેમ ઘણું લાંબુ ચાલ્યું !!

– અશ્વિન રાવલ (અમદાવાદ) (અમર કથાઓ ગ્રુપ)