વહુના હાથમાંથી છૂટી શ્રીકૃષ્ણની મૂર્તિ, તે મૂર્તિને તપાસવા બોલાવવામાં આવ્યો ડોક્ટર, જાણો પછી શું થયું? ઘણા સમય પહેલાની વાત છે. એક નગરમાં એક છોકરી હતી તેનું કુટુંબ ઘણું જ ધાર્મિક હતું. એ કારણ હતું કે તે નાનપણથી જ ધર્મ કર્મમાં વિશ્વાસ ધરાવતી હતી અને લડ્ડુ ગોપાલ એટલે કે શ્રીક્રષ્ણની ભક્તિમાં લીન રહેતી હતી. તે છોકરી લગભગ દર મહીને લડ્ડુ ગોપાલના દર્શન કરવા વૃંદાવન જતી અને ત્યાં લડ્ડુ ગોપાલના દર્શન કરી પાછી તેના ઘરે આવી જતી.
ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને તે છોકરી મોટી થઇ ગઈ. પણ તેણે ક્યારેય પણ વૃંદાવન જવાનું બંધ ન કર્યું. થોડા દિવસો પછી તે છોકરીના લગ્ન થઇ ગયા. તે પછી પણ તે પોતાની સાસરીમાંથી દર મહીને લડ્ડુ ગોપાલના દર્શન કરવા વૃંદાવન જવાનું ભૂલતી ન હતી. થોડા વર્ષ વધુ પસાર થયા અને તેને બાળક પણ થઇ ગયું.
ધીમે ધીમે બાળક પણ મોટું થઇ ગયું અને તેના પણ લગ્ન થઇ ગયા, પરંતુ આ મહિલાએ વૃંદાવન જવાનું બંધ ન કર્યું. ઘણા વર્ષો પછી જયારે તે વૃદ્ધ થઇ ગઈ અને તેને ચાલવામાં તકલીફ થવા લાગી, તો તે વૃંદાવન જઈને લડ્ડુ ગોપાલની એક મૂર્તિ લઇ આવી અને ઘરમાં જ તેમની પૂજા કરવા લાગી. એક દિવસની વાત છે, જયારે પૂજા કર્યા પછી તેમણે પોતાની વહુને કહ્યું કે વહુ જરા મારા લડ્ડુ ગોપાલની મૂર્તિ રૂમમાં મૂકી દે.
વહુએ મૂર્તિ સાસુના હાથમાંથી ઉપાડી લીધી અને રૂમમાં જઈને મુકવા લાગી, પણ ત્યારે અચાનક ભૂલથી વહુના હાથમાંથી મૂર્તિ છૂટી ગઈ. મૂર્તિ નીચે પડતા મોટેથી અવાજ આવ્યો, તે સાંભળી વૃદ્ધ માં ગભરાઈ ગઈ અને જોરથી બુમો પાડવા લાગી. શું થયું વહુ? શું મારા લડ્ડુ ગોપાલ નીચે પડી ગયા?
તે સાંભળીને વહુ બોલી – હા મમ્મીજી, લડ્ડુ ગોપાલની મૂર્તિ ભૂલથી મારા હાથમાંથી પડી ગઈ. તે સાંભળીને મહિલા વધુ જોર જોરથી બુમો પાડવા લાગી અને રડી રડીને કહેવા લાગી, કોઈ જાવ અને ડોક્ટરને જઈને બોલાવી લાગો. મારા લડ્ડુ ગોપાલને વાગ્યું છે.
પોતાની સાસુના મોઢેથી આવી વાતો સાંભળીને વહુએ પહેલા વિચાર્યું કે, તે નાટક કરી રહી છે. પણ જ્યારે ઘણા સમય સુધી તેની સાસુ આ રીતે બુમો પાડતા રહ્યા, તો તેને લાગ્યું કે કદાચ ડોશી પાગલ થઇ ગયા છે. પછી સાંજે જયારે તે માજીનો દીકરો ઘરે આવ્યો, તો વહુએ તેને સંપૂર્ણ ઘટના જણાવી. તેની પત્નીની વાતો સાંભળીને દીકરાને પણ લાગ્યું કે, ક્યાંક વધુ ઉંમર થઇ જવાને કારણે માં પાગલ ન થઇ ગઈ હોય. પછી તેને પોતાના બાળકનો વિચાર આવ્યો અને તેમણે પોતાની માં ને પાગલખાનામાં મોકલવાનો નિર્ણય લીધો.
પણ કહેવાય છે ને કે, ભગવાન પોતાના ભક્તની હંમેશા મદદ કરે છે, અને અહિયાં પણ એવું બન્યું. તેમની પાડોશમાં એક ઘણો જ સજ્જન અને સમજુ માણસ રહેતો હતો. તેણે તે વૃદ્ધાના દીકરાને તેની પાસે બોલાવ્યો અને તેને સમજાવીને કહ્યું – જો દીકરા બાળપણ અને ગઢપણ એક જેવું હોય છે. એટલા માટે તું એક કામ કર, તું ડોક્ટરને બોલાવી લાવ. તું તે ડોક્ટરને પહેલા જ સમજાવી દેજે કે તમારે એક મૂર્તિની તપાસ કરવાની છે.
તે સાંભળીને વૃદ્ધાનો દીકરો બોલ્યો કાકા એક મૂર્તિની તપાસ કરવા કયા ડોક્ટર આવશે? ત્યારે તે વ્યક્તિએ કહ્યું દીકરા ડોક્ટરને જયારે પૈસા મળે તો તે જરૂર આવશે. આ રીતે તારી માં એ પાગલખાનામાં નહિ જવું પડે અને તેની જિદ્દ પણ પૂરી થઇ જશે. તે વ્યક્તિના સમજાવવાથી વૃદ્ધાનો દીકરો સમજી ગયો અને એક ડોક્ટર પાસે ગયો.
તેણે ડોકટરને તમામ વાતો જણાવી. પહેલા તો ડોક્ટરને લાગ્યું કે, આ કોણ ગાંડા જેવો તેની પાસે આવી ગયો છે. પછી વૃદ્ધાના દીકરાએ ડોક્ટરને કહ્યું, ડોક્ટર સાહેબ તમારે કાંઈ નથી કરવાનું બસ મારા ઘરે જઈને મૂર્તિની તપાસ કર્યા પછી બસ એટલું કહેવાનું છે કે, આ મૂર્તિમાં હવે કાંઈ પણ નથી રહ્યું જેથી મારી માં ને શાંતિ મળી જાય. તેના બદલે તમારી જે પણ ફી થશે હું આપી દઈશ. તે સાંભળીને ડોક્ટર રાજી થઇ ગયા.
બીજા દિવસે સવારે તે ડોક્ટર વૃદ્ધાના ઘરે આવ્યા અને આવતા જ વૃદ્ધાને પૂછ્યું – ક્યાં છે તમારા લડ્ડુ ગોપાલ? વૃદ્ધાએ મૂર્તિ દેખાડતા કહ્યું – આવો ડોક્ટર સાહેબ આવો, જરા જુઓ શું થઇ ગયું છે મારા લડ્ડુ ગોપાલને? ડોક્ટર દુરથી જ બોલ્યા માજી આમાં તો જીવ જ નથી, તે તો ખલાસ થઇ ગયા છે. તે સાંભળીને વૃદ્ધાને ગુસ્સો આવી ગયો. વૃદ્ધાએ ડોક્ટરને પૂછ્યું – ડોક્ટર તમારે કેટલા વર્ષ થઇ ગયા ડોકટરી કરવામાં? ડોક્ટર ગભરાઈ ગયા અને કહ્યું – ચાલીસ વર્ષ, પણ કેમ?
વૃદ્ધાએ કહ્યું ચાલીસ વર્ષ થઇ ગઈ ડોકટરી કરતા કરતા, પણ હજુ સુધી એ નથી સમજ્યા કે દર્દીને હાથ લગાવ્યા વગર તેની બીમારી વિષે ખબર નથી પડતી. તે સાંભળીને ડોક્ટરને લાગ્યું કે, કદાચ તે ઘણું જલ્દી પોતાનું કામ પૂરું કરી રહ્યા છે. પછી તેમણે જઈને મૂર્તિના હાથની નસ જોઈ અને કહ્યું કે, માજી કાંઈ નથી તમારા લડ્ડુ ગોપાલમાં. વૃદ્ધા બોલી ડોક્ટર સારી રીતે જુવો એવું ન બની શકે. ડોકટરે આ વખતે મૂર્તિની સાઈડ ઉપર હાથ લગાવ્યો પછી કહ્યું, માજી હવે કાંઈ નથી તમારી આ મૂર્તિમાં, તે ખલાસ થઇ ગઈ.
છતાં પણ વૃદ્ધાને વિશ્વાસ ન આવ્યો એટલે તેમણે ડોક્ટરને કહ્યું, તમારી પાસે જે મશીન હોય છે તેનાથી જરા ચેક કરી જુઓ. ડોક્ટર સમજી ગયા કે, વૃદ્ધ માં સ્ટેથોસ્કોપની વાત કરી રહ્યા છે. તે સાંભળીને ડોકટરે પોતાનું સ્ટેથોસ્કોપ કાઢ્યું અને તેને મૂર્તિની છાતી ઉપર લગાવ્યું. મૂર્તિ માંથી જોર જોરથી ધક ધકનો અવાજ આવ્યો. તે સાંભળીને ડોક્ટર ચકિત થઇ ગયા તેમને પોતાના કાનો ઉપર વિશ્વાસ આવી રહ્યો ન હતો. તેમણે વારંવાર ચેક કર્યું અને દર વખતે ધક ધકનો અવાજ આવ્યો.
ત્યાર પછી તે ડોકટરે તે વૃદ્ધાના પગ પકડી લીધા અને કહ્યું, માં આ દુનિયા તમને પાગલ કહે છે, પણ હકીકતમાં આ દુનિયા જ પાગલ છે જે આ મૂર્તિની પાછળ સંતાયેલી તમારી ભાવનાને નથી જોઈ શકી. આ મૂર્તિમાં જીવ ન હતો, પણ આ તો તમારી શ્રદ્ધા અને ભક્તિ હતી કે જેનાથી આ મૂર્તિમાં પણ જીવ આવી ગયો.
આ કથા સત્ય ઘટના પર આધારિત છે એવી કોઈ પુષ્ટિ નથી થઈ, આ ફક્ત લોકો દ્વારા કહેવામાં આવતી કથા છે.
આ માહિતી ધ ડિવાઇન ટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.