છોકરીએ ભગવાનને પ્રાર્થના કરી કે, “મારી મમ્મીને પણ તારી પાસે બોલાવી લે.” કારણ જાણીને ચોંકી જશો.

0
1037

એક ગરીબ પરિવારમાં પતિ-પત્ની પોતાના બે બાળકો સાથે રહેતા હતા. પતિ ગંભીર બિમારીમાં સપડાયેલો હોવાથી ઘર ચલાવવાની જવાબદારી પત્ની પર હતી.

એ બિચારી દિવસ-રાત કામ કરે પણ બધી જ કમાણી પતિની દવામાં ચાલી જાય. બે ટંક પેટ ભરીને જમી પણ ન શકાય એવી સ્થિતિમાં દિવસો ખેંચી રહ્યા હતા.

બિમાર ભાઇ પોતાની બીમારીથી અને પરિવારની સ્થિતીથી કંટાળ્યા અને પોતાની પાસે બોલાવી લેવા માટે ભગવાનને સતત પ્રાર્થના કરવા લાગ્યા. એક દિવસ ભગવાને એની પ્રાર્થના સાંભળી અને તેમણે દુનિયામાંથી વિદાય લીધી.

ઘરમાં શોકનું વાતાવરણ હતુ આથી વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે જમવાનું બાજુમાં રહેલા લોકોને ત્યાંથી આવતું. બંને નાના બાળકોએ થોડા દિવસ પેટ ભરીને ખાધુ.

શોકના દિવસો પુરા થયા એટલે બીજાને ત્યાંથી આવતું જમવાનું પણ બંધ થયુ અને ફરી ખાવાના સાંસા પડવા લાગ્યા. કમાવા જતી માં હવે બિમાર પડી આથી કમાણી પણ બંધ થઇ ગઇ. ઘણી વખત તો બાળકોને ભુખ્યા પેટે સુવાનો વારો પણ આવતો.

એક દિવસ તેમની નાની છોકરી ભગવાનને કંઇક પ્રાર્થના કરી રહી હતી. તેના ભાઇએ બહેનને એકાગ્રતાથી પ્રાર્થના કરતા જોઇ એટલે પ્રાર્થના પુરી થયા પછી ભાઇએ પુછ્યુ, “બહેન, તું ભગવાન પાસે શું પ્રાર્થના કરતી હતી?”

પ્રતીકાત્મક ફોટો

નાની છોકરીએ કહ્યુ, “હું તો ભગવાનને કહેતી હતી કે તે મારા પપ્પાને તારી પાસે બોલાવી લીધા એમ મારી મમ્મીને પણ જલ્દી જલ્દી તારી પાસે બોલાવી લે.”

છોકરાએ આશ્વર્ય સાથે પુછ્યુ, “પણ બેન આવી પ્રાર્થના કેમ?”

બહેને ભોળાભાવે જવાબ આપ્યો, “ભઇલા મમ્મી ભગવાન પાસે જાય તો આપણને બાજુવાળા ખાવા આપે અને આપણે પેટ ભરીને ખાઇ શકીએ.”

મિત્રો, આ દેશમાં અને આપણી આસપાસ કેટલાય લોકો એવા છે જે પેટ ભરીને જમી નથી શકતા. આપણે એમના માટે બીજુ કંઇ ન કરી શકીએ તો કંઇ નહી કમસેકમ આપણી થાળીમાં એંઠું મુકીને એમના ભાગનું ભોજન છીનવવાનું તો બંધ કરીએ.

આજે સંકલ્પ કરીએ કે જમતી વખતે હું એક દાણો પણ એંઠો નહી મુકું.

– રઘુવંશી હીત રાયચુરા (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે)