નાની છોકરીએ તેના પપ્પાએ આપેલા રૂપિયા ભગવદ ગીતામાં મુક્યા, તેનું કારણ જાણીને તમને ગીતાનું મહત્વ સમજાશે.

0
486

એક વાર એક નાની છોકરીને તેના પપ્પાએ ૧૦ રૂપિયા આપ્યા…

છોકરીએ ઘણીવાર વિચાર કર્યા પછી આ દસ રૂપિયાની નોટ શ્રીમદ્દ ભગવદ ગીતા માં મુકી દીધી.

તેના પપ્પા આ બધુ જોઇ રહ્યા હતા..

તેણે છોકરીને બોલાવીને કહ્યુ : ” બેટા તે આ દસ રૂપિયાની નોટ આ પુસ્તકમાં જ કેમ મુકી?”

ત્યારે છોકરીએ સરસ જવાબ આપ્યો : “પપ્પા હુ આ નોટ ગમે ત્યા મુકુ તો એ કોઇ ચોરી પણ જાય… તેથી મે આ નોટ આ પુસ્તકમાં મુકી… કેમ કે ચોરી કરવાવાળા ક્યારેય આ પુસ્તક ખોલશે નહી… અને જે આ શ્રીમદ્દ ભગવદ ગીતા ખોલશે એ ક્યારેય ચોરી નહી કરે.

આવો વાચક મિત્રો જરા ગીતાનું મહત્વ જાણી લઈએ. અધ્યાત્મના વિષયમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ માટે એકમાત્ર પ્રમાણિક સાધન ઉપનિષદ ગ્રંથો છે, જે વેદોના જ્ઞાનના સારરૂપ છે. આ ઉપનિષદોનો સાર ગીતામાં આપેલો છે. પ્રસિદ્ધ લેખક અને ચિંતક ગુણવંત શાહના શબ્દોમાં કહીએ તો “વેદો આપણા મૂલ્યવાન સંદર્ભગ્રંથો છે, ઉપનિષદો આપણાં પાઠ્યપુસ્તકો છે અને ગીતા આપણી ગાઈડ છે.”

ભારતીય સંસ્કૃતિનાં ધરોહરસમાં શાસ્ત્રો વિશે એમ કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિનો આત્મા વેદ છે, ઉપનિષદો એનું નવનીત (માખણ) છે, ગીતા એનું હૃદય છે અને રામાયણ અને મહાભારત એની આંખો છે.

ગીતાએ પ્રકાંડ પંડિતો, ઉચ્ચ કોટીના વિદ્વાનો, તત્વજ્ઞાનીઓ, વિચારકો, ફિલસૂફો, ચિંતકો, સંતો, ધર્માચાર્યો, કવિઓ, સાહિત્યકારો, ગીતકારો, કથાકારો અને ભજનીકોની સાથે સાથે સાધારણ મનુષ્યોને પણ એકસરખા આકર્ષ્યા છે. એટલે તો દરેક હિન્દુના ઘરમાં અન્ય કોઈ ધર્મગ્રંથ હોય કે ન હોય, ગીતાનું એકાદ પુસ્તક તો અવશ્ય હશે જ. વેદ કે ઉપનિષદનું નામ જાણતા ના હોય એવા હિંદુઓ મળી આવે ખરા, પણ તમને ગીતાનું નામ ના જાણતો હોય એવો કોઈ હિંદુ નહિ મળે. ગીતા વિશ્વના સૌથી વધુ વાંચન, પઠન, ચિંતન, વિવેચન અને અનુવાદ ધરાવતા ગ્રંથોમાં પણ આગળપડતું સ્થાન ધરાવે છે.

એવું કહેવાય છે કે માનવીના જીવનનું એકપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ગીતાજ્ઞાન ઉપયોગી ન બનતું હોય. આ વિધાન પરથી ગીતાનું મહત્વ અને મહાનતા સમજી શકાય છે. જીવન કેમ જીવવું તેનું માર્ગદર્શન અને જીવનમાં આવતી સમસ્યાઓના સચોટ ઉકેલ ગીતામાં છે. એમ કહેવાય છે કે મનુષ્ય જો ગીતામાં બતાવેલ રસ્તે ચાલીને પુરુષાર્થ કરે તો તેનું જીવન દિવ્ય, ભવ્ય અને યથાર્થ તો થશે જ પરંતુ કૃતાર્થ પણ થશે.

ભારતીય શાસ્ત્રોમાં ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા, એ ત્રણેય ગ્રંથો ઊંડું ચિંતન અને તત્વજ્ઞાન ધરાવતા ગ્રંથો ગણાય છે. આ ત્રણેય ગ્રંથો ભારતીય તત્વજ્ઞાનના મૂળભૂત અને આધારભૂત ગ્રંથો હોવાથી આ ત્રણેય ગ્રંથોને વેદાંતની પ્રસ્થાનત્રયી કહે છે. જીવ, જગત અને ઈશ્વર વિશેના ચિંતનનો અર્ક આ પ્રસ્થાનત્રયીમાં સમાવિષ્ટ છે.

ધર્મની ગંગા, જમના અને સરસ્વતી જેવા આ ત્રણેય ગ્રંથો ભારતની સંસ્કૃતિના ગૌરવ જેવા છે. આ ત્રણેય ગ્રંથોમાં બ્રહ્મસૂત્ર ખૂબ કઠિન જ્ઞાન ધરાવે છે, જે પ્રકાંડ પંડિતો અને ઉચ્ચ કોટીના વિદ્વાનો માટે રચાયેલું છે. ઓછું કઠિન ઉપનિષદ વિદ્વાનો માટે છે. જયારે ભાવ અને ભાષા બંને રીતે સરળ ગીતા સાધારણ મનુષ્યો માટે રચાયેલ છે.