મારી ગીતાનો આ સંક્ષિપ્ત સાર દ્વારા કવિ એ વણી લીધો પોતાનો સંદેશ વાંચો શું કહે છે

0
455

કૃષ્ણએ મને મંદ મુસ્કાન સાથે પૂછ્યું,

બોલને શું વાત છે, આજે કેમ ઉદાસ છે?

જીવનમાં સંઘર્ષ કેમ?

ઉદ્દેશ્ય શું આ જીવનનો?

કાન્હા… બધું તો જાણો છો તમે,

તોયે પાછા પૂછો મને?

મોરલીધર મારી સામે જોઈ હસી પડ્યા અને બોલ્યા,

“જાણે છે તું?

જન્મ્યો એ પહેલા જ તો મને મૃત્યુ આપવા તૈયાર હતા મારા જ મામા.

હું જન્મ્યો જેલમાં,

જીવન આખું સંઘર્ષમાં,

દરેક ડગલે પડકાર,

જન્મ સાથે માં થી થયો અલગ,

બાર વર્ષે ગોકુળથી અલગ,

જેણે પ્રેમ આપ્યો એ મા યશો,

જેને પ્રેમ આપ્યો એ રાધા, ગોપી અને ગોવાળોને છોડ્યા,

મથુરા છોડ્યું, દ્વારકા વસાવ્યું.

જીવનમાં આ સંઘર્ષ કેમ?

કોઈનેય જન્મકુંડળી નથી બતાવી,

ના કોઈ ઉપવાસ કર્યા,

ના ખુલ્લા પગે ચાલવાની બાધા માની,

ના ઘરની બહાર લીંબુ મરચા બાંધ્યા,

ના કોઈ માનતા માની.

મેં તો યજ્ઞ કર્યો તે ફક્ત અને ફક્ત કર્મનો,

કુરુક્ષેત્ર મેદાનમાં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાંખ્યા,

ત્યારે ના અર્જુનના જન્માક્ષર જોયા,

ના કોઈ શુભ મુહૂર્ત જોયું,

ના તો કોઈ દોરો કે તાવીજ આપ્યા,

બસ એને એટલું કહ્યું,

આ તારું યુદ્ધ છે. તારે જ કરવાનું છે.

હું માત્ર તારો સારથી છું. કર્મ તું કર, માર્ગ હું બતાવીશ.

મારું સુદર્શન ચક્ર ચલાવી સંહાર કરી શકત આખી કૌરવ સેનાનો,

પણ તારું ધનુષ્ય તું ઉપાડ, તારા તીર તું ચલાવ.

હું આવીને ઉભો રહીશ, કોઈને કોઈ સ્વરૂપમાં.

તારા પડખે, તારી સાથે, તારો સારથી બનીને.

મેં ના અપેક્ષા રાખી,

ના કોઈથી કાંઈ માંગ્યું.

બસ વિશુદ્ધ પ્રેમ આપ્યો.

દુનિયાની તકલીફોમાં, તું જાતે લડ.

હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ.

કર્મ તું કર. તારી તકલીફોને હું હળવી કરીશ,

બસ હું આવું ત્યારે ઓળખજે.

મારી ગીતાનો સંક્ષિપ્ત સાર છે.

નથી તારા કોઈ ઉપવાસ, કોઈ માનતા કે બાધા જોઈતી,

માત્ર શુદ્ધ કર્મ કર, ખુલીને જીવનને આવકાર.

પ્રત્યેક ક્ષણને ભરપૂર માણ.

હું આવતો રહીશ, બસ ઓળખજે મને.

– ચિરાગ પટેલ (અમર કથાઓ ગ્રુપમાં કરવામાં આવેલી પોસ્ટ)