અદેખાઈ અને ઈર્ષ્યા માણસને કેવી રીતે બરબાદ કરે છે તે જાણવા આ ચમત્કારી પથ્થરની સ્ટોરી વાંચો.
એકવાર એક વ્યક્તિએ ઘણી તપસ્યા કરી. ભગવાન તેની તપસ્યાથી પ્રસન્ન થયા અને પૂછ્યું તને શું વરદાન જોઈએ છે? વ્યક્તિએ કહ્યું, પ્રભુ, મને કોઈ એવી વસ્તુ આપો કે તેની પાસે હું જે માંગું તે તરત જ મળી જાય. ભગવાને તેને એક પથ્થર આપ્યો અને કહ્યું કે તું આની પાસે જે માંગશો તે મળશે.
તે વ્યક્તિ પથ્થર લઈને પાછો જઈ જ રહ્યો હતો ત્યારે ભગવાને કહ્યું, ઉભો રહે, આ પથ્થર સાથે બીજું એક વરદાન પણ જોડાયેલું છે. તે વરદાન એ છે કે આ પથ્થર પાસેથી તું તારા તમારા માટે જે પણ માંગશો, તેનાથી બમણું તારા પાડોશીને મળશે.
વ્યક્તિએ થોડા ઊંચા અવાજમાં કહ્યું, ભગવાન, આ કેવું વરદાન છે. મારા માંગવાથી મારા પાડોશીને બધું મળશે તો મને શું ફાયદો થશે, તેને તો કોઈ પણ પ્રયત્ન કર્યા વિના બમણું મળશે.
ભગવાન કાંઈ પણ કહ્યા વગર અદૃશ્ય થઈ ગયા. તે વ્યક્તિ ખૂબ જ દુઃખી મને ઘરે પાછો આવ્યો અને તેણે પથ્થરને એક બોક્સમાં બંધ કરી દીધો અને બોલ્યો કે, હું કંઈપણ માંગીશ નહીં. કારણ કે પાડોશીને મફતમાં બમણું મળશે.
થોડા દિવસો પછી તે જ્યાં રહેતો હતો તે વિસ્તારમાં દુષ્કાળ પડ્યો. અનાજ પાક્યું નહીં અને બધાને ખાવાના ફાંફા પડી ગયા. પેલા વ્યક્તિની પત્નીએ કહ્યું, તમે પેલા પથ્થર પાસે ખાવાનું માંગો. તો વ્યક્તિએ કહ્યું, ના, પાડોશીને આપણાથી ડબલ મળશે, એટલે હું નહીં માંગુ.
તેની પત્નીએ જ્યારે તેને ખુબ ઠપકો આપ્યો તો તેણે પથ્થર બહાર કાઢ્યો અને પછી હાથ જોડીને કહ્યું કે, અમને ભોજનની થાળી આપો.
તરત જ તેમની સમક્ષ સોનાની થાળીમાં 56 પ્રકારની વાનગીઓ આવી ગઈ. પછી પોતાના પાડોશીને શું મળ્યું તે જોવા માટે તે વ્યક્તિ તરત જ પાડોશીના ઘરે દોડી ગયો.

ત્યાં તેણે જોયું તો પાડોશીને સોનાની બે થાળીમાં ભોજન મળ્યું હતું. જાદુઈ પથ્થર વાળો વ્યક્તિ ખૂબ જ પરેશાન થયો અને તેણે ગુસ્સામાં ખાવાનું પણ ન ખાધું.
તેના થોડા મહિના પછી, ભારે વરસાદ અને વાવાઝોડામાં તેમના ઘરની છત ઉડી ગઈ, બાળકો વરસાદમાં ભીના થવા લાગ્યા. એટલે તેની પત્નીએ કહ્યું કે, પથ્થર પાસે ઘર માંગો.
ખૂબ જ અચકાતા તેણે પથ્થરની સામે હાથ જોડીને કહ્યું, અમને ઘર આપો. અને તરત જ બધી સગવડો ધરાવતું ઘર મળી ગયું. પછી પાડોશીને શું મળ્યું તે જોવા તે વ્યક્તિ દોડ્યો, અને તેણે જોયું કે પાડોશીને બે ઘરો મળ્યા છે.
હવે પેલા વ્યક્તિના ગુસ્સાની કોઈ સીમા ન રહી. તેણે મનમાં ને મનમાં કહ્યું, હું આજે રોજ-રોજની આ ઝંઝટનો અંત લાવીશ.
પછી તે વ્યક્તિએ પથ્થરની સામે હાથ જોડીને કહ્યું, ભગવાન મારી એક આંખ ફોડી નાખો અને મારા ઘરની સામે કૂવો બનાવી દો. પછી તેણે પાડોશીના ઘર પાસે જઈને જોયું તો પાડોશીની બંને આંખો ફૂટી ગઈ હતી અને તેના ઘરની સામે બે કૂવા બની ગયા હતા.
પાડોશી આંધળો બની ગયો હોવાથી ઘરની સામે બનેલા કૂવામાં પડીને મૃત્યુ પામ્યો. આ જોઈ પેલા વ્યક્તિને રાહત થઈ.
મિત્રો, આ વાર્તા ભલે સાવ કાલ્પનિક છે પણ આપણને કંઈક શીખવે છે. જો પેલો વ્યક્તિ ઈચ્છતે તો આખા ગામની ભૂખ મટાડી શક્યો હોત, આખા ગામમાં ઘરો બાંધી શક્યો હોત, પણ ઈર્ષ્યાને લીધે તેણે પોતાનું પણ નુકશાન કર્યું અને બીજાને પણ નુકસાન પહોંચાડ્યું.