ઈશ્વરના દર્શન દરેક સ્ત્રીમાં થાય છે, તમારો જોવાનો દૃષ્ટિકોણ યોગ્ય હોવો જોઈએ.

0
491

સ્ત્રીનું સર્જન ઈશ્વરે કર્યું હશે ત્યારે એના મનમાં શો ઉદ્દેશ્ય હશે?

મને તો એક જ જવાબ મનમાં આવે છે કે ઈશ્વરની ઈચ્છા હશે કે પોતે સર્જેલી દુનિયામાં પોતે સર્જેલા સજીવો જેવા જ બીજા સજીવો જાતે સર્જાય. અને આ સર્જન (સર્જન ઈશ્વરનું કામ કહી શકાય) અને સંસારનું સંચાલન (એ પણ ઈશ્વરનું કામ કહી શકાય) ચાલુ રાખવા માટે એણે સ્ત્રીનું સર્જન કર્યું હશે.

જ્યારે સ્ત્રી સંતાનને સુવડાવવા માટે હાલરડા ગાતી હોય છે ત્યારે સરસ્વતીનું સ્વરૂપ હોય છે.

જ્યારે ભોજન બનાવતી હોય છે ત્યારે સાક્ષાત અન્નપૂર્ણાનું સ્વરૂપ હોય છે.

જ્યારે મજૂરીની ઓછી આવકમાં ઘર ચલાવતી હોય છે ત્યારે અને એવી હાલતમાં પણ સંતાનોની ઈચ્છા પૂરી કરતી હોય ત્યારે એ આશાપુરાનું સ્વરૂપ હોય છે.

નાણાકીય રીતે કપરી પરિસ્થિતિ હોય ત્યારે પણ સંતાનોના યોગ્ય શોખનું ધ્યાન રાખતી હોય ત્યારે એ મહાલક્ષ્મીનું સ્વરૂપ હોય છે.

જ્યારે સંતાનોની તરફેણમાં કોઈ પણ શક્તિશાળી માણસ સાથે લડવા માટે ઉભી થઇ જતી સ્ત્રી મહાકાળીનું સ્વરૂપ છે.

અને સંતાનને જન્મ આપતી સ્ત્રી પોતે યોગમાયા સ્વરૂપી માતા પાર્વતીનું સ્વરૂપ છે.

સ્ત્રીનું સર્જન માટે સક્ષમ હોવું એ જ એના ઈશ્વરના રૂપ હોવાનું પ્રમાણ છે.

દરેક યુગમાં સ્ત્રી નર્મદા (આનંદ દાયી), યશોદા (યશ આપનારી), અન્નપૂર્ણા (ભોજન આપનારી), આશાપુરી (આશા પૂરી કરનારી) વગેરે સ્વરૂપમાં હયાત છે જ.

ભોજન બનાવતી, પાણી ભરતી, ઘરને સુઘડ રાખતી, સંતાનને ભણાવતી, ખવડાવતી, રમાડતી, સુવડાવતી દરેક સ્ત્રીમાં ઈશ્વરના દર્શન થાય છે.

જે વ્યક્તિને આમાં ઈશ્વરના દર્શન નથી થતા એ વ્યક્તિને માણસ કેમ કહી શકાય?

– હિતેશ રાયચુરા (અમર કથાઓ ગ્રુપ)