ભગવાને ખેડૂતની ઈચ્છા મુજબ હવામાન રાખ્યું છતાં પાક સારો ન થયો, પછી ભગવાને જણાવ્યું તેનું આ કારણ.

0
1073

ઘણા લોકો હંમેશા રોજડા જ રોતા રહે છે. તેમને એવું લાગે છે કે દુનિયાની બધી મુશ્કેલીઓ તેમની પાસે જ આવે છે. અને તેઓ હંમેશા એવું વિચારે છે કે, જો તેમની બધી સમસ્યા એક સાથે દુર થઇ જાય, તો તેઓ આરામથી પોતાનું જીવન પસાર કરી શકે.

લોકો હંમેશા મુશ્કેલીઓથી ગભરાય છે. તેઓ એ નથી સમજતા કે તે મુશ્કેલીઓ અને તકલીફો જ તેમને મજબુત કરી રહી છે, અને તે જ આવનારા સુખદ ભવિષ્યનો પાયો છે. જ્યાં સુધી આપણે સફળતાનો સ્વાદ નથી ચાખતા, ત્યાં સુધી સફળતાનું મહત્વ નથી સમજી શકતા. આજે અમે તમને એવો પ્રસંગ જણાવી રહ્યા છીએ, જેનો સાર એ છે કે તકલીફોથી ગભરાવું ન જોઈએ, પણ તેનો સામનો કરવો જોઈએ.

એક પ્રચલિત કથા મુજબ પહેલાના સમયમાં એક ખેડૂતનો પાક વારંવાર ખરાબ થઇ રહ્યો હતો. ક્યારેક વધુ વરસાદને કારણે, ક્યારેક વધુ તાપને કારણે, તો ક્યારેક ઠંડીને કારણે તેનો પાક સારો થઇ શકતો ન હતો.

આ બધા બનાવોથી દુઃખી થઈને એક દિવસ તે ખેડૂત ભગવાન પર નારાજ થઇ ગયો. તે ભગવાનને સતત દોષ આપવા લાગ્યો. ત્યારે ત્યાં ભગવાન પ્રગટ થયા. ખેડૂતે ભગવાનને કહ્યું કે, ભગવાન તમને ખેતીની જરાપણ જાણકારી નથી. તમે ખોટા સમયે વરસાદ આપો છો, ક્યારેક તાપ તો ક્યારેક ઠંડી વધારી દો છો. તેનાથી દર વખતે મારો પાક ખરાબ થઇ જાય છે. તમે આવતા પાક સુધી મારા મુજબ હવામાન કરી દો. જેવું હું ઈચ્છું એવું જ હવામાન રહે.

આ વાતો સાંભળીને ભગવાને કહ્યું કે – ઠીક છે, હવે એવું જ થશે. આટલું કહીને તે અંતર્ધ્યાન થઈ ગયા. બીજા દિવસે ખેડૂતે ફરીથી ઘઉંની ખેતી શરુ કરી દીધી. હવે જયારે તે વરસાદ માંગતો હતો, ત્યારે વરસાદ થતો. પાક માટે જયારે તેને તડકાની જરૂર હતી, ત્યારે તડકો નીકળતો. આ રીતે તેની ઈચ્છા મુજબ હવામાન ચાલી રહ્યું હતું. ધીમે ધીમે તેનો પાક તૈયાર થઇ ગયો.

હર્યા ભર્યા ખેતરને જોઈ ખેડૂત ઘણો ખુશ હતો. જયારે પાકની કાપણીનો સમય આવ્યો તો તેણે જોયું કે પાકના ડુંડામાં ઘઉં હતા જ નહિ. બધા ખાલી ડુંડા હતા. તે જોઈને તેણે ફરીથી ભગવાનને યાદ કર્યા. ભગવાન પ્રગટ થયા. ખેડૂતે ઘઉં ન ઉગવાનું કારણ પૂછ્યું.

ભગવાને કહ્યું કે, તારા પાકે જરાપણ સંઘર્ષ નથી કર્યો, તેથી તે ખાલી રહી ગયા. જયારે પાક વધુ વરસાદમાં, વધુ હવામાં પોતાને બચાવી રાખવાનો સંઘર્ષ કરે છે, વધુ તાપ સહન કરે છે, ત્યારે તેમાં દાણા બનવાની પ્રક્રિયા શરુ થાય છે. જે રીતે સોનાએ ચમકવા માટે આગમાં તપવું પડે છે, બસ એવી જ રીતે પાક માટે પણ સંઘર્ષ જરૂરી હોય છે. આ વાત ખેડૂત સમજી ગયો અને તેને તેની ભૂલનો અનુભવ થઈ ગયો.

કથાનો ઉપદેશ : જ્યાં સુધી આપણા જીવનમાં અડચણ નથી આવતી, ત્યાં સુધી આપણી પ્રતિભા બહાર નથી આવતી. અડચણો જ આપણને સાહસી બનાવે છે. તકલીફોને કારણે જ આપણો સારો વિકાસ થાય છે. તકલીફો સામે લડીને જ આપણે મજબુત બનીએ છીએ.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.