ગોકુળનો કાનો કાળો, કામણગારો-નખરાળો,
ચોરે ગોરસ એ લાલો, યશોદાને કહીએ ચાલો,
કરે રોજે એ આવી ધમાલો, તારો કાનો આ રઢિયાળો,
જરા કાન તો એનો ઝાલો, ખોટું ઉપરાણું ના લો,
અમે આવ્યા એનાથી વાજ,
એથી રાવ કરી છે આજ,
એને થોડી શિખામણઆલો…..
ગોકુળનો કાનો કાળો, કામણગારો-નખરાળો.
માં તું વાત માં કોની આવે? આ બધા તને ભરમાવે,
મને ‘કાળિયો’ કહી ને ખિજા વે, પાછી ખુદ માખણ ખવરાવે,
મને છાસની સાંટે નચાવે, ને ખોટી ફરિયાદો લાવે,
ખોટા જો ને આળ ચઢાવે, મને નાનો જાણી સતાવે,
હું તો થઇ ગયો હે રાન,
મને બચાવ ઓ ભાગવાન,
હું તો બાળક ભોળો ભાળો……
ગોકુળનો કાનો કાળો,કામણગારો-નખરાળો.
એ તો ગાયો રોજ ચરાવે, ને બંસી મધુર બજાવે,
યમુના તટ રાસ રચાવે, ગોપી ના વસ્ત્ર ચુ રાવે,
કાળીનાગને નાથી ભગાવે, આંગળીયે પહાડ ઉઠાવે,
કદી ખાંડણિયે બંધાયે, મુખમાં બ્રહ્માંડ બતાવે,
ગોપીઓથી દાણ ઉઘરાવે, મટુકી ને નિશાન બનાવે,
કર્યું ગોવેર્ધન સન્માન,
ને હર્યું ઇન્દ્ર તણું અભિમાન.
એતો વૃજ-મંડળનો વ્હાલો…
ગોકુળનો કાનો કાળો, કામણગારો-નખરાળો.
વૃંદાવનનો એ છોરો, ને બરસાનાની છોરી,
કાન કુંવર છે કાળો, ને રાધારાણી ગોરી,
ગોરી ગૌરી એ કાના, નું ચિતડું લીધું ચોરી,
કાનાને રાધા ખિજાવે, ને મુરલી પણ લે ચોરી,
કુંજ કુંજ માં ફરતી, કાના-રાધાની જોડી,
રાધા-ક્રષ્ણની લીલાઓ તો, ભાઈ કહીએ એટલી થોડી,
ગીતાનું કીધું ગાન ,
ને કીધું ધર્મ તણું ઉત્થાન,
રાધા-ક્રષ્ણનું લૈયે નામ – આપે યુગલ ચરણમાં સ્થાન,
એતો ભક્તોનો રખવાળો…..
ગોકુળનો કાનો કાળો, કામણગારો -નખરાળો.
– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)