નિ:સ્વાર્થ પણે કરેલા સારા કામનો બદલો મળે જ છે, વિશ્વાસ ના હોય તો આ પ્રસંગ વાંચી લો.

0
956

ડોક્ટરની ડાયરી

૨૨ સપ્ટેમ્બર 2021

ખામોશી સે ભી કામ હોતે હૈ..

મેને દેખા હૈ પેડો કો છાંવ દેતે હુએ…

– ડોક્ટર શરદ ઠાકર

કેસની વિગતો જાણીને વકીલસાહેબની સૌથી પહેલી પ્રતિક્રિયા ઠપકાના રૂપમાં બહાર આવી.

‘ડોક્ટર સાહેબ, તમારામાં વ્યવહારુ બુદ્ધિ જેવું કાંઈ લાગતું જ નથી. કોઈ પણ જાતની તપાસ કર્યા વિના આટલી મોટી જમીનનો સોદો કરી નખાતો હશે?’

ડોક્ટર પંડ્યાને આશ્ચર્ય થયું.

‘કેમ, શું થયું? મારાથી કોઈ ભૂલ?’

‘ભૂલ? અરે, આ કેસમાં તો આખું કોળું શાકમાં ગયું છે. તમે જમીનનો મસ મોટો સોદો કર્યો, અડધી રકમ પેટે લાખો રૂપીયા એડવાન્સમાં આપી દીધા, હવે દસ્તાવેજ થતો નથી એટલે મારી પાસે આવ્યા છો, પણ ખાટલે મોટી ખોડ એ છે કે જેની પાસેથી તમે જમીન ખરીદી છે એ માણસનું તો નામ જ સિટી સર્વે ઓફિસમાં નોંધાયેલું નથી.’

‘હવે શું થશે?’

ડોક્ટર પંડ્યાના હોશકોશ ઊડી ગયા.

‘હવે શું? અદાલતમાં કેસ દાખલ કરવો પડશે. ફરિયાદનો નિકાલ આવતા સુધીમાં તમારી જિંદગી પૂરી થઈ જશે. પુરાવા મેળવવા માટે તમારે જિલ્લા મથકના ધક્કા ખાવા પડશે. અધૂરામાં પૂરું, અત્યારે એ ઓફિસમાં મુખ્ય હોદા પર જે નવા અધિકારી આવ્યા છે તે પૂરેપૂરા પ્રામાણિક અને કોઇની શેહ-શરમ ન રાખે તેવા કડક છે. મોટા પ્રધાનોની ભલામણ પણ ધ્યાનમાં લેતા નથી.’

વકીલની વાત સાંભળીને ડોક્ટર પંડ્યાના દેહમાંથી શક્તિ ઓસરી ગઈ. જીવનભરની બચત એક જ ભૂલના કારણે ડૂબી જતી દેખાઈ રહી હતી. નાની રકમ હોત તો માંડી વાળત, પણ આ તો લાખો રૂપિયાનો મામલો હતો. જે કરવું પડે તે કરવાનું જ હતું. બે દિવસ પછી ડોક્ટર પંડ્યા જિલ્લા મથકમાં આવેલી ઓફિસમાં પહોંચી ગયા. સમયસર ગયા હોત તો પણ ઓફિસની બહાર આવેલા પ્રતિક્ષા ખંડમાં પંદરરેક મુલાકાતીઓ ગોઠવાયેલા હતા. ઓફિસના દ્વાર પર મોટાસાહેબના નામની તકતી વંચાતી હતી. બી.બી.રાઠવા. ડોક્ટર પંડ્યાએ મનોમન ગણતરી કરી લીધી.

‘બે-ત્રણ કલાક તો રાહ જોવામાં જ પસાર થઈ જશે. એ પછી વારો આવશે. પછી શું થશે એ કાં ભગવાન જાણે? કાં રાઠવા સાહેબ..!’

ડોક્ટર પંડ્યા રાહ જોવા માટે તૈયાર હતા, પણ એમનો કમરનો દુ:ખાવો રાહ જોવા માટે રાજી ન હતો. એમણે એક પ્રયત્ન કરવાનું પસંદ કર્યું. ખિસ્સામાંથી પોતાનું પૂરું નામ લખેલું વીઝીટીંગ કાર્ડ કાઢ્યું અને પટાવાળાને કહ્યું..

‘ભાઈ, આ કાર્ડ તમારા સાહેબને આપી આવીશ? એમને કહેજે કે હું ડોક્ટર છું. અને વૃદ્ધ છું.’

ચા કરતાં કીટલી હંમેશા વધારે ગરમ હોય છે. પટાવાળાએ તોછડી શૈલીમાં કહી દીધું..

‘એ તમારો પ્રોબ્લેમ છે. અમારા સાહેબ શિસ્તના ચુસ્ત આગ્રહી છે. લાઈન તોડીને કોઈ અંદર જઈ શકે નહીં. રોડપતિ હોય કે કરોડપતિ, બધા જ અહીં એક સરખા..! તમે કહો છો માટે હું આ કાર્ડ તો અંદર જઈને સાહેબના ટેબલ ઉપર મૂકી આવું છું, પણ તેનાથી કાંઈ વળશે નહીં. તમે ખોટી આશા ન રાખશો.’

બહાર બેઠેલા સૌના આશ્ચર્ય વચ્ચે પટાવાળો જે ઝડપે અંદર ગયો હતો એના કરતાં બમણી ઝડપથી બહાર આવ્યો. માનપુર ડોક્ટર પંડ્યાની સામે જોઇને બોલ્યો..

‘સાહેબ આપને અંદર બોલાવે છે.’

ડોક્ટર પંડ્યા અશક્ત પગ વડે ધીમી ચાલે અંદર ગયા.

રાઠવાસાહેબનો કરડો ચહેરો જોઈને તેઓ વધુ ઢીલા પડી ગયા. રાઠવાસાહેબના હાથમાં ડૉક્ટરનું વીઝીટીંગ કાર્ડ હતું અને હોઠ પર એક બે પ્રશ્નો હતા..’

‘તમારા નામમાં ડોક્ટર એમ. કે. પંડ્યા લખ્યું છે. આ ‘એમ.’ એટલે?’

‘ડોક્ટર મહેશભાઇ.’ ડોક્ટર પંડ્યાએ કહ્યું.

રાઠવા સાહેબની આંખમાં ચમકારો થયો.

‘તમે ક્યારેય જુનાગઢ જીલ્લાના એક ગામની ગવર્મેન્ટ હોસ્પિટલમાં નોકરી કરતા હતા?’

‘હા.. આજથી સાડા ત્રણ-ચાર દાયકા પહેલાં હું ત્યાં હતો.’

‘આજથી ૩૫ વર્ષ પહેલા તમે એક મેઘલી રાતે ચાર-પાંચ કિલોમીટર દૂર આવેલા ખેતરમાં એક ગરીબ સ્ત્રીની પ્રસૂતિ કરાવવા માટે ગયા હતા?’

રાઠવા સાહેબ પૂછી રહ્યા. ડોક્ટર પંડ્યા ભૂતકાળમાં સરી પડ્યા. આમ તો આવી ઘણી બધી ઘટનાઓમાં તેઓ ભાગીદાર બન્યા હતા, પણ મેઘલી રાત, ખેતરનું અંતર, અને ગરીબ સ્ત્રી આ બધું ભેગું થઈને એમની સ્મૃતિ એક ઘટના ઉપર જઈ ઊભી.

જૂનાગઢ જિલ્લાનું એક નાનું શહેર. એને શહેર કહેતા પણ આપણને સંકોચ થાય. નાનકડું સરકારી દવાખાનું. ત્યાં ડોક્ટર પંડ્યા નોકરી કરે. આસપાસના સો થી દોઢસો કિલોમીટરના વિસ્તારમાં એક પણ ડિગ્રીધારી ગાયનેકોલોજિસ્ટ ન હતા. દાયણ, નર્સબહેનો અને ડિગ્રી વગરના ડોકટરો જ યથામતિ યથાશક્તિ સહાયરૂપ બનતા હતા. ૩૫ વર્ષ પહેલાંની એક વરસાદી રાત હતી. ડોક્ટર પંડ્યા થાકી-પાકીને ગાઢ નીંદરમાં પોઢી ગયા હતા. મધરાતે 12 વાગ્યે એમના મકાનનું બારણું કોઈએ ખખડાવ્યું. એક ગરીબ અજાણ્યો પુરુષ આવ્યો હતો અને કરગરતો હતો.

‘સાહેબ, મારી ઘરવાળી સુવાવડના દર્દથી પીડાઈ રહી છે. દાયણે ખૂબ મહેનત કરી. કાંઈ મળ્યું નથી. તમને લઇ જવા માટે આવ્યો છું. જો તમે નહીં આવો તો હું મારી ઘરવાળી અને અમારા આવનારા બાળક બંનેને ગુમાવી દઇશ.’

ડોક્ટર થાકેલા હતા, પણ કોઈની જિંદગીનો પ્રશ્ન હતો. કપડા બદલીને પોતાની બાઇક પર સવાર થયા. આગંતુક પુરુષને પાછળ બેસાડીને નીકળી પડ્યા. ખાડા-ટેકરાવાળા માર્ગ પર અંધારી રાત્રે ચાર કિલોમીટરનું અંતર કાપવામાં ચાલીસ મિનિટ લાગી ગઈ. ખેતર હતું. ખેતરમાં એક ઝૂંપડી હતી. અને ઝુંપડીમાં ફાનસના અજવાળામાં એક પ્રસૂતા કાથીના ખાટલામાં ઉછળતી ચીસો પાડતી ધીમે ધીમેમો તની સરહદ તરફ સરકી રહી હતી.

ડોક્ટર પંડ્યાએ પેટ પર ફીટોસ્કોપ મૂક્યું. બાળકના હૃદયના ધબકારા ભયજનક હદે ઘટી ગયા હતા. એમણે જરૂરી ઇન્જેક્શનો આપ્યા. પ્રસવ માર્ગમાં ચીરો મૂકીને અટકી ગયેલું બાળકનું માથું બહાર કાઢ્યું. પછી તો પૂરું બાળક આવી ગયું. નવજાત શિશુ રડતું ન હતું. શ્વાસ લઈ શકતું ન હતું. ડોક્ટરે બધી કોશિશો કરી પણ જોઈ, છેવટે બાળકના હોઠો પર પોતાના હોઠ મૂકીને એના ફેફસામાં હવા ફૂંકવાની આખરી કોશિશ અજમાવી લીધી.

વિધાતા મહેરબાન હશે, બાળકે શ્વાસ લીધો. એક પણ રૂપિયો લીધા વગર ડોક્ટર પંડ્યા એમના ઘરે પાછા ફર્યા ત્યારે સવારના સાત વાગ્યા હતા. એ પછી ક્યારેય એ ગરીબ સ્ત્રીને ડોક્ટર પંડ્યા મળ્યા ન હતા. કદાચ બીજી વાર એવો પ્રસંગ આવ્યો જ નહીં હોય. અતીતવનમાં લટાર મારવા નીકળી પડેલા ડોક્ટર પંડ્યાના કાનમાં સામે બેઠેલા રાઠવા સાહેબનો અવાજ પડ્યો.

‘એ નવજાત બાળક એટલે હું પોતે. સાહેબ, તમે મારી માતાનો પ્રાણ બચાવ્યો અને મને નવી જિંદગી આપી. મારા ફેફસામાં દાખલ થયેલી પહેલી હવા તમારી છાતીમાં થઈને આવી હતી. તમે કરેલા કામના બદલામાં મારા ગરીબ બાપ પાસે તમને આપવા જેટલા પૈસા ન હતા, પણ એ ક્યારેય તમારો ઉપકાર ભૂલ્યા નથી.

હું સમજણો થયો ત્યારથી તમને મળવાના સપના જોતો હતો. આ વિશાળ જગતમાં તમને કેવી રીતે શોધવા? આજે અચાનક તમે સામે ચાલીને મને દર્શન આપવા પધાર્યા છો. સાહેબ, આપ બીરાજો. ફરમાવો કે શા કારણથી આપને આવવું પડ્યું?’

પંદર મિનિટની વાતચીત.

પંદર દિવસ પછી ડોક્ટર પંડ્યાને જરૂરી કાગળો ઘરે બેઠા મળી ગયા. ડોક્ટર પંડ્યા ભીની આંખે બોલી ઉઠ્યા.

‘આ જગતમાં નિ:સ્વાર્થ પણે કરેલા સારા કામનો બદલો અવશ્ય મળે જ છે.’

– સાભાર અનિલ પઢીયાર (અમર કથાઓ ગ્રુપ)

પ્રતીકાત્મક ફોટા