“ગોરની બાધા” : આ મજેદાર સ્ટોરી વાંચીને હસવું તો આવશે જ સાથે સંસાર મોહની શક્તિ વિષે પણ જાણશો.

0
629

અષાઢ મહિનાની અજવાળી અગીયારસ આવી.. એને ‘નીમી એકાદશી’ કહેવાય..

લાભુ ગોરાણી સવારમાં નાહી ધોઈ ફળિયામાં બેસી ગયા.. ગામની સ્ત્રીઓ સીધાની થાળી ભરી આવવા લાગી.. ગોરાણી પોતાની પડખે રાખેલ ઠામમાં ઘઉંનો કરકરો લોટ, ઘી, તેલ, ગોળ અને બેચાર બટેટાં કે બીજું શાક આવે તે જુદા જુદા મુકી જમણા હાથે નાડાછડીનો તાગડો બાંધી સાડાચાર મહિનાનું નીમ લેવડાવવા માંડ્યા..

કોઈએ અમુક ચીજ ન ખાવાનું નીમ લીધું, તો કોઈકે ‘ગંગા જમના’, ‘રાધાકૃષ્ણ’ કે ‘શંકર પાર્વતી’ એમ બીજાને કહીને, સામાવાળું એમ બોલે તે પછી, કંઈ ખવાય કે પિવાય.. એવું નીમ લીધું..

સાડાચાર મહિના થાય, ત્યારે માગશર વદ અગીયારસે સીધું લઈને નીમ છોડવા આવવાનું હોય..

ગોરાણીએ પોતે પણ ‘ધોળી ચીજ’ ન ખાવાનું નીમ લીધું.. અને તુલસી ગોરને કહ્યું..

“આખું ગામ મારી પાસે નીમ લેવા આવે.. ને તમે ના લ્યો.. એ સારું ના લાગે.. તમને ચુરમાના લાડુ બહુ ભાવે છે.. એ ન ખાવાનું નીમ લ્યો..”

તુલસી ગોર ભારે ખાધોડકા.. ચુરમાના લાડુ ને અડદની દાળ.. એ તો બેહદ ભાવે.. પણ ગોરાણીએ પરાણે નીમ લેવડાવ્યું..

“કાંડે બાંધો રાખડી, લ્યો બાધા આખડી.. હું સાડાચાર મહિના લાડુ નહીં ખાઉં..”

ભાદરવો આવ્યો.. બ્રામણ જમાડવાનું ચાલુ થયું.. પહેલું નોતરું મુખીના ઘરનું આવ્યું.. મુખીને ઘરના દુઝાણાનું ચોક્ખું ઘી.. મઘમઘતા લાડુ બન્યા.. ને માથે ચોંટાડી ખસખસ.. તુલસી ગોરને મોંમાં પાણી આવવા માંડ્યું.. પણ કરવું શું? બાધા આખડી નડે.. લાડવો નહીં મળે.. પણ.. એને રસ્તો ગોતી લીધો..

થાળી પિરસાણી.. લાડુ, અડદની દાળ, બટેટાનું શાક.. ને ઘાટી છાશ..

ગોરે મુખીના દિકરાની વહુને કહ્યું..”બેન, ચુલા પર તાવડી મુકો..” વહુએ તાવડી મુકી.. ગોર બોલ્યા..

“ચુલે મુકી તાવડી, બાધા મારી માવડી..

હે માતાજી, લાડવેથી ઉતરી છાશ માથે જાવ..”

એમ કહી, છાશનો વાટકો છેટે મેલી દીધો..

ધરવાધરવ લાડવા ખાધા.. પાછું વહુને ચુલાપર તાવડી મુકવાનું કહ્યું.. ને બોલ્યા..

“ચુલે મુકી તાવડી, બાધા મારી માવડી..

હે માતાજી .. છાશેથી ઉતરી.. લાડવા માથે જાવ..”

એમ કહી, રાબડા જેવી ઘાટી છાશનો વાટકો ટાહોડી ગયા..

મન ભૂખાળવું , એમાં નીમ શું કરે..

ચુરમાને લાડવે, તુલસી ગોર મરે..

– જયંતીલાલ ચૌહાણ ૧૨-૬-૨૧ (અમર કથાઓ ગ્રુપ)

બચપણમાં સાંભળેલ વાર્તા આધારિત.