હમણાં ગોરો એટલે મોળાકત નું વ્રત આવશે. અષાઢ માસ ની સુદ એકાદશી થી ગુરુ પૂર્ણિમા સુધી આ વ્રત કરવા નું હોય છે. નાની બાળાઓ આ વ્રત કરે છે અને અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી જયાપાર્વતી વ્રત કરવા નું હોય છે. આ બન્ને વ્રત માં મોળું જમવાનું હોય છે. નાની મોટી છોકરીઓ ને વ્રત કરતા અને ગોરો(ગોરમા) પુજતા જોવા મળશે.
મજા ના લોકગીત જે ગોરમા ની પૂજા કર્યા પછી ગાતા હોય છે.
(1) ગોરમાનો વર કેસરિયો :
ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો,
ગોરમા બારી ઉઘાડો રે, ગોરમાનો વર કેસરિયો.
આવી પેલી પંથ પૂજારણ, ગોરમાનો વર કેસરિયો,
કંઈ બેન ભોળા ને વાંકા અંબોડા, ગોરમાનો વર કેસરિયો.
વાંકા અંબોડા ને ઘૂઘરિયા ચૂડા, ગોરમાનો વર કેસરિયો,
ઘૂઘરિયા ચૂડ સિંદૂરના સેંથા, ગોરમાનો વર કેસરિયો.
ગોરમાનો વર કેસરિયો તે નદીએ નાહવા જાય રે ગોરમા,
પગમાં પહેરી પાવડી ને પટપટ કરતો જાય રે ગોરમા.
માથે તો મુગટ મોડિયું ને છમછમ ફરતો જાય રે ગોરમા,
હાથે પટોળી લાકડી રે તે, ઠમઠમ કરતો જાય રે ગોરમા.
હાથે બાજુબંધ બેરખાં રે, ગોરમાનો વર કેસરિયો,
ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો
(2) ગોરમા રે ગોરમા રે :
ગોરમા રે ગોરમા રે સસરો દેજો સવાદિયા,
તમે મારી ગોરમા છો!
ગોરમા રે ગોરમા રે સાસુદેજો ભુખાવળા,
તમે મારી ગોરમા છો!
ગોરમા રે ગોરમા રે કંથ દેજો કહ્યાગરો
તમે મારી ગોરમા છો!
ગોરમા રે ગોરમા રે નણંદ દેજો સાહેલડી
તમે મારી ગોરમા છો!
ગોરમા રે ગોરમા રે દેરાણી જેઠાણી ના જોડલાં
તમે મારી ગોરમા છો!
ગોરમા રે ગોરમા રે દેર ને જેઠ બે ઘોડલે
તમે મારી ગોરમા છો!
ગોરમા રે ગોરમા રે ભગરી ભેંસના દૂઝણાં
તમે મારી ગોરમા છો!
ગોરમા રે ગોરમા રે કાઠા તે ઘઉંની રોટલી
તમે મારી ગોરમા છો!
ગોરમા રે ગોરમા રે મહીં રે માવળીયો ગોળ
તમે મારી ગોરમા છો!
આ ગીત ગૌરી વ્રત દરમ્યાન ગવાય છે.
(3) ગોરમા પૂરો મારાં મનડાંની આશ :
ગોરમા પૂરો મારાં મનડાંની આશ,
ઝાઝું તો નથી માંગતી,
ગોરમા મળી મુને એવો ભરથાર,
શમણે હું જેવી ઝુલતી.
ગણેશ પૂજું, મહાદેવ પૂજું, પૂજું પાર્વતી માત,
ગોરમા ગોરમા રે, કંથ દેજો કોડામણો,
હો માડિ કંથવર દેજો રે…
કામદેવ સરખો સોહામણો.
કેસર ચંદન થાળી ભરીને સરખી સાહેલી જાય,
સૈયરનો લટકો, તનમન મટકો, બેની નદીએ ના’ય.
ગોરમા ગોરમા રે, કંથ દેજો કોડામણો,
હો માડી કંથવર દેજો રે…
કામદેવ સરખો સોહામણો.
(4) ગોરમા ગોરમા રે, પૂજું તમને પ્રેમે :
ગોરમા ગોરમા રે, પૂજું તમને પ્રેમે,
ગોરમા ગોરમા રે, માંગું તમ થી એટલું,
ગોરમા ગોરમા રે, ખાવા દેજો જાર બાજરો,
ગોરમા ગોરમા રે, કાંઠા તે ઘઉં ની રોટલી,
ગોરમા ગોરમા રે, સસરા દેજો સવાદિયા,
ગોરમા ગોરમા રે, સાસુ દેજો ભૂખાળવા,
ગોરમા ગોરમા રે, દેરાણી જેઠાની ના જોડલા,
ગોરમા ગોરમા રે, નણદી સાહેલડી જેવી,
ગોરમા ગોરમા રે, દિયર દેજો રંગીલો,
ગોરમા ગોરમા રે, કંથ દેજો કહ્યાગરો,
ગોરમા ગોરમા રે, પુત્ર દેજો પુરુષોત્તમ,
ગોરમા ગોરમા રે, રૂમઝુમતી વહુ મારે આંગણે,
ગોરમા ગોરમા રે, દીકરી દેજો ઘાટલડી,
ગોરમા ગોરમા રે, છેલ છબીલો જમાઈ,
ગોરમા ગોરમા રે આટલું દિયો તો બસ છે.
(5) ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં :
ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ
માંડવે મ્હેક મ્હેક જૂઇની વેલ કે જૂઇના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ
ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ
મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ
સૈ, મારી ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ
લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઇ ઊડ્યા કરે રે લોલ
– રમેશ પારેખ (૨૬ સપ્ટેમ્બર, ૧૯૬૮)
(સાભાર સંજય મોરવડીયા, અમર કથાઓ ગ્રુપ)